મુંબઈને ટ્રાફિકથી મુક્ત કરવા 'પાતાળ લોક' બનાવશે સરકાર! CM ફડણવીસે આપ્યો માસ્ટર પ્લાન

Mumbai Traffic Tunnel Network : મુંબઈમાં વધતાં ટ્રાફિક જામની સમસ્યાનો ઉકેલ લાવવા માટે મહારાષ્ટ્ર સરકારે મહત્ત્વનો પ્રોજેક્ટ શરુ કરી દીધો છે. પ્રોજેક્ટના પ્રસ્તાવ હેઠળ શહેરની નીચે એક વિશાળ ભૂગર્ભ ટનલ નેટવર્ક બનાવવામાં આવી રહ્યું છે. પ્રોજેક્ટની માહિતી આપનાર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેને પાતાળલોક નામ આપ્યું છે.
આખા રાજ્યમાં ભૂગર્ભ ટનલ લાઇન બિછાવાશે : ફડણવીસ
ઇન્ડિયા ઇન્ટરનેશનલ મૂવમેન્ટ ટુ યુનાઇટેડ નેશન્સ(IIMUN)ના યુથ કનેક્ટ કાર્યક્રમમાં ફડણવીસે કહ્યું કે, ભૂગર્ભ ટનલની લાઇન અનેક દિશાઓમાં અને આખા રાજ્યમાં ફેલાયેલી હશે. જે રીતે હાલના રસ્તાઓ પર સમાંતર વ્યવસ્થા છે, તે રીતે ટનલ લાઇનમાં પણ સમાંતર વ્યવસ્થા હશે.
કોસ્ટલ રોડ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરથી મુસાફર નોન-સ્ટોપ જઈ શકશે
તેમણે એમ પણ કહ્યું કે, ‘દક્ષિણ મુંબઈથી ભાયંદરના ઠાણે જિલ્લા સુધીનો કોસ્ટલ રોડ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે બની રહ્યો છે, જેમાં ક્યાં થોભવાની જરૂર નહીં પડે. મુંબઈની 60 ટકા વસ્તી વેસ્ટર્ન એક્સપ્રેસવે પર મુસાફરી કરે છે, તેથી જ્યાં સુધી ત્યાં ટ્રાફિક ઓછો નહીં થાય, ત્યાં સુધી ટ્રાફિક જામની સમસ્યા ઉકેલવી અસંભવ છે. અમે સમાંતર રસ્તાઓનું નેટવર્ક બનાવી રહ્યા છીએ, જ્યાં મુસાફરો પ્રતિ કલાક 80 કિલોમીટરની સ્પીડે વાહન ચલાવી શકશે.’
ભૂગર્ભ ટનલ નેટવર્કથી રાજ્યની કનેક્ટિવીટીમાં સુધારો થશે
મુખ્યમંત્રી ફડણવીસે(CM Devendra Fadnavis) કહ્યું કે, થાણેથી બોરીવલી સુધીની ટનલ અને મુલુંડથી ગોરેગાવ સુધીની ટનલનું કામ ઝડપી કરવામાં આવી રહ્યું છે. આ ટનલ બન્યા બાદ મુંબઈમાં પૂર્વ અને પશ્ચિમ કનેક્ટિવીટીમાં મોટો સુધારો થશે. આ ઉપરાંત બોરીવલીથી ગોરેગાંવ વચ્ચે પશ્વિમ હાઇવેની જેમ એક નવો રોડ બનાવવાની તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. જ્યારે વર્લીથી શિવડી સુધીનું કનેક્ટર આગામી વર્ષે તૈયાર થઈ જશે. આ કનેક્ટર તૈયાર થઈ ગયા બાદ અટલ સેતુ સુધી અને નવી મુંબઈ ઍરપોર્ટ સુધી સરળતાથી પહોંચી શકાશે.
લાંબી ટનલ ત્રણ વર્ષમાં પૂરી થઈ જશે
તેમણે કહ્યું કે, ઇસ્ટર્ન ફ્રી વેના અંતિમ છેડાથી ગિરગાવ ચોપાટી સુધી એક લાંબી ટનલ બની રહી છે, જે ત્રણ વર્ષમાં પૂરું કરવાનું લક્ષ્ય રખાયું છે. આ તૈયાર થયા બાદ દક્ષિણ મુંબઈમાં ટ્રાફિક જામની સમસ્યાનો નિવેડો આવશે.

