ટ્રાફિક નિયમ ભંગ કરનારાનો ફોટો પાડો અને રૂ. 50 હજાર જીતો... દિલ્હી પોલીસની અનોખી ઓફર
Image: IANS |
Delhi Traffic Police: દિલ્હીમાં ટ્રાફિક નિયમોના વધતા ઉલ્લંઘનને રોકવા માટે ટ્રાફિક પોલીસે એવો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. જેમાં રેડ સિગ્નલ તોડનારા, રોંગ સાઈડ વાહન ચલાવતા, આડેધડ વાહન પાર્કિંગ કરનારા કે ઓવરસ્પિડ વાહન ચલાવનારા સહિતના લોકોને દિલ્હીવાસીઓ પાઠ ભણાવી શકે છે અને 50,000 રૂપિયા સુધીનું ઈનામ જીતી શકે છે. દિલ્હી ટ્રાફિક પોલીસે પહેલી સપ્ટેમ્બર 2024ના રોજ ટ્રાફિક પ્રહરી (Traffic Prahari) એપ ફરીથી લોન્ચ કરી છે, જેમાં લોકો જ ટ્રાફિક નિયમો તોડનારાની ફરિયાદ કરી શકે છે.
આ એપ કેવી રીતે કામ કરે છે?
કોઈ પણ એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર ગુગલ પ્લે સ્ટોર પરથી Traffic Prahari એપ ડાઉનલોડ કરી શકે છે. ત્યારબાદ ટ્રાફિક નિયમો તોડનારા કોઈ પણ લોકોના ફોટો કે વીડિયો ક્લિક કરીને કરીને એપ દ્વારા અપલોડ કરી શકો છો. જો કે ફોટો કે વીડિયોમાં સમય અને સ્થાન સ્પષ્ટ દેવાવવા જોઈએ એ પહેલી શરત રહેશે.
ફરિયાદ પછી શું કરવામાં આવશે?
દિલ્હી ટ્રાફિક પોલીસ ટીમ દ્વારા દરેક રિપોર્ટની તપાસ કરાશે. જો ફરિયાદ સાચી હશે તો ટ્રાફિક નિયમ તોડનારને દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત દર મહિને સૌથી વધુ માન્ય રિપોર્ટ મોકલનારાને ઈનામ આપવામાં આવશે. પહેલું ઈનામ 50 હજાર, બીજું 25 હજાર, ત્રીજું 15 હજાર અને ચોથું ઈનામ 10 હજાર રૂપિયા આપવામાં આવશે.
ટેકનોલોજી સાથે ટ્રાફિક સુધારા
દિલ્હીમાં ટ્રાફિક સેન્ટીનેલ યોજના 2015માં શરૂ કરવામાં આવી હતી, પરંતુ હવે ટ્રાફિક પ્રહરી એપ ટેકનોલોજી અને લોકોની ભાગીદારીથી ટ્રાફિક વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી છે. નોંધનીય છે કે, હવે દિલ્હીના દરેક નાગરિકના હાથમાં એક ડિજિટલ હથિયાર છે, જે ટ્રાફિક સુધારામાં યોગદાન આપી શકે છે અને કેટલાક લોકો માટે તે આવકનો સ્ત્રોત પણ બની ગયો છે.