ED પોતાને સુપર ચીફ જસ્ટિસ સમજે છે, તેમને નોટિસ ફટકારો...', સીજેઆઇ સૂર્યકાંત ભડક્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Supreme Court Notice to ED Director: સુપ્રીમ કોર્ટમાં 4 મે 2026ના રોજ એક અભૂતપૂર્વ દૃશ્ય જોવા મળ્યું જ્યારે દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાંત કોર્ટની રજિસ્ટ્રીની કામગીરી પર અત્યંત નારાજ થઈ ગયા. આયુષી મિત્તલ વિરુદ્ધ રાજસ્થાન રાજ્યના કેસની સુનાવણી દરમિયાન CJIએ રજિસ્ટ્રીની ઝાટકણી કાઢતાં આકરી ટિપ્પણી કરી હતી.
રજિસ્ટ્રીની કામગીરી અત્યંત ખરાબ
આ સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતે કોર્ટ રૂમમાં કડક શબ્દોમાં કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રી ખૂબ જ ખરાબ રીતે કામ કરી રહી છે. અહીં બેઠેલી દરેક વ્યક્તિ પોતાને ભારતના સુપર ચીફ જસ્ટિસ સમજે છે.’ તેમની આ ટિપ્પણીએ કાયદાકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.
EDને નોટિસ કેમ ન મોકલાઈ?
CJIની નારાજગીનું મુખ્ય કારણ કોર્ટના અગાઉના આદેશનું પાલન ન થવું તે હતું. તેમણે રજિસ્ટ્રીને પ્રશ્ન કર્યો કે, "ED ડાયરેક્ટરને નોટિસ કેમ જારી કરવામાં આવી નથી?". તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, રજિસ્ટ્રીના અધિકારીઓએ એવો અર્થ કેવી રીતે કાઢ્યો કે બેન્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને અન્ય પક્ષકારોને નોટિસ જારી કરી નથી. તેમણે રજિસ્ટ્રાર જ્યુડિશિયલને આ મામલે તપાસ કરવા આદેશ આપ્યો છે કે માર્ચ 2026ના આદેશનું પાલન કેમ ન થયું.
આ પણ વાંચો : ઇનસાઈડ સ્ટોરી: બંગાળમાં પહેલીવાર 'ભગવો' લહેરાયો: જાણો ભાજપની ઐતિહાસિક જીતના 5 હીરો
શું છે સમગ્ર મામલો?
CJI જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચ આયુષી મિત્તલ ઉર્ફે આયુષી અગ્રવાલની જામીન અરજી પર સુનાવણી કરી રહી હતી. આયુષી પર 37,000 કરોડ રૂપિયાથી વધુના કથિત રોકાણ કૌભાંડમાં સામેલ હોવાનો ગંભીર આરોપ છે. આયુષી મિત્તલ, તેના પતિ અને તેમની કંપની પર મોટા પાયે રોકાણ કૌભાંડ આચરવાનો આરોપ છે. બચાવ પક્ષે દાવો કર્યો છે કે, ફંડનો મોટો હિસ્સો રોકાણકારોને પરત કરી દેવાયો છે, જોકે કરોડો રૂપિયા હજુ બૅંક ખાતામાં છે જે ED દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યા છે. અગાઉ 23 માર્ચે કોર્ટે રાજસ્થાન સરકારની મૌખિક વિનંતી સ્વીકારીને EDને આ કેસમાં પક્ષકાર બનાવવાની મંજૂરી આપી હતી.
સંપત્તિની વિગતો વિના જામીન નહીં
બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી અરજદાર અને તેના પરિવારની તમામ ચલ-અચલ મિલકતોની સંપૂર્ણ વિગતો આપવામાં નહીં આવે, ત્યાં સુધી કોર્ટ જામીન અરજીના ગુણ-દોષ (Merits) પર વિચાર કરશે નહીં. અદાલતે આ ઉપરાંત સોગંદનામું માંગ્યું છે જેમાં અરજદાર, તેના પતિ, બાળકો અને માતા-પિતાની સંપત્તિ. ભાઈ-બહેન અને સાસુ-સસરાની માલિકીની અચલ સંપત્તિની વિગતો. કંપનીના ડિરેક્ટરો, મેનેજરો અને મુખ્ય કર્મચારીઓની સંપત્તિની વિગતનો ઉલ્લેખ કરવા જણાવાયું છે.
રજિસ્ટ્રાર જ્યુડિશિયલને તપાસ સોંપાઈ
કોર્ટે રજિસ્ટ્રીની વહીવટી ક્ષતિઓની તપાસ કરવાની જવાબદારી રજિસ્ટ્રાર જ્યુડિશિયલને સોંપી છે. અદાલતે જાણવા માંગ્યું છે કે કોર્ટના અગાઉના નિર્દેશોની અવગણના શા માટે કરવામાં આવી. આ કેસની આગામી સુનાવણી મે મહિનામાં હાથ ધરવામાં આવશે.








