મુંબઈ-લખનૌ સહિત ભારતના અનેક શહેરોમાં ડિફેન્સ મોક ડ્રીલનું રિહર્સલ, જુઓ દૃશ્યો
Mock Drill Rehearsal: પહલગામ હુમલા બાદ પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે આવતીકાલે દેશભરના 259 સ્થળોમાં મોક ડ્રીલ યોજાશે. જેના ભાગરૂપે આજે શ્રીનગર, લખનૌ, મુંબઈ સહિત અમુક શહેરોમાં મોક ડ્રીલ રિહર્સલ થયા હતા. પોલીસ અને સ્થાનિક સત્તાધીશોએ સાથે મળી આ મોક ડ્રીલનું રિહર્સલ કર્યું હતું.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, દેશભરમાં આવતીકાલે મોક ડ્રીલ કરવાની છે. જેથી સિવિલ ડિફેન્સ, પોલીસ અને સ્થાનિક સત્તાધીશોએ આજે તેનું રિહર્સલ કરી કાલની તૈયારીઓ કરી હતી. આ રિહર્સલમાં હવાઈ હુમલા દરમિયાન વાગતી સાયરન ટેસ્ટ પણ થઈ હતી.
સિવિલ ડિફેન્સના ચીફ વોર્ડન અમરનાથ મિશ્રાએ જણાવ્યું હતું કે, અમારી પાસે શિસ્તબદ્ધ ટીમ છે. અમે પ્રજાને હુમલા દરમિયાન સ્વબચાવ માટે ટ્રેનિંગ તેમજ જાગૃત્તિ આપવા માગીએ છીએ. બ્લેકઆઉટની જાહેરાતમાં કેવી સાયરન વાગે છે, અને કેવી રીતે બચાવ કરવો જોઈએ, તેની ટ્રેનિંગ આપીશું.
હવાઈ હુમલામાં બચાવ કામગીરીની પણ તાલીમ
સિવિલ ડિફેન્સે મોક ડ્રીલ રિહર્સલના ભાગરૂપે પોતાના કર્મચારીઓને શહેરમાં હવાઈ હુમલા દરમિયાન નાગરિકોને બચાવવાની રીત શીખવી હતી. તેમજ સંરક્ષણ માટે માર્ગદર્શિકાઓ પણ આપી હતી. અચાનક થતાં હુમલા દરમિયાન લેવામાં આવતા સાવચેતીના પગલાંઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
ત્રણ કેટેગરીમાં યોજાશે મોક ડ્રીલ
સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટ્સ સંવેદનશીલતાના આધારે ત્રણ કેટેગરીમાં મોક ડ્રીલ યોજશે. જેમાં કેટેગરી-1માં સૌથી સંવેદનશીલ અને કેટેગરી-3માં ઓછું સંવેદનશીલ વિસ્તાર સામેલ છે. 5 મેના રોજ તમામ રાજ્યોને મોક ડ્રીલ યોજવા આદેશ કરાયો હતો. ગૃહ મંત્રાલયે આજે હાઇલેવલની મીટિંગમાં મોક ડ્રીલની તૈયારીની સમીક્ષા કરી હતી. ગુજરાતમાં પહેલી કેટેગરીમાં સુરત, વડોદરા, કાકરાપાર, બીજી કેટેગરીમાં અમદાવાદ, ભુજ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંક્લેશ્વર, ઓખા, વાડીનાર અને ત્રીજી કેટેગરીમાં ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા, અને નવસારી જિલ્લામાં મોક ડ્રીલ યોજાશે.
54 વર્ષ બાદ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ
દેશમાં છેલ્લા 1971માં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાઈ હતી. ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયુ હતું. દેશના જુદા-જુદા સ્થળો પર મોક ડ્રીલ સેશન શરુ થઈ ચૂક્યા છે. રવિવારે અને સોમવાર રાત્રે પંજાબના ફિરોજપુર છાવણીમાં બ્લેકઆઉટ પ્રેક્ટિસ હાથ ધરાઈ હતી. જ્યાં રાત્રે 9થી 9.30 વાગ્યે વીજ બંધ કરવામાં આવી હતી.