Cigarettes New Excise Duty: નવા વર્ષની શરુઆતમાં જ સિગારેટ ફૂંકનારા લોકો માટે માઠા સમાચાર આવ્યા છે. ભારત સરકારે સિગારેટ પર નવી એક્સાઇઝ ડ્યુટી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. નાણાં મંત્રાલય દ્વારા કરાયેલા આદેશ મુજબ નવી એક્સાઇઝ ડ્યુટી 1 ફેબ્રુઆરી 2026થી અમલમાં આવશે. આ નવી એક્સાઇઝ ડ્યુટી સિગારેટની લંબાઈના આધારે લાગુ કરવામાં આવશે, જેમાં પ્રતિ હજાર નંગ પર રૂપિયા 2050થી લઈને 8500 સુધી નક્કી કરવામાં આવી છે. આ ટેક્સ હાલના 40 ટકા ગુડ્સ ઍન્ડ સર્વિસ ટેક્સ ઉપરાંત (GST + નવી એક્સાઇઝ ડ્યુટી) વસૂલવામાં આવશે.
WHOના માનક કરતાં ઓછો હતો ટેક્સ
હાલમાં ભારતમાં સિગારેટ પર કુલ 53 ટકા જેટલો ટેક્સ લાગી રહ્યો છે. જે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા નિર્ધારિત 75 ટકાથી ઘણો ઓછો છે. ભારત સરકારનું માનવું છે કે નવી એક્સાઇઝ ડ્યુટી આ બંને વચ્ચેના અંતરમાં ઘટાડો કરશે. જેથી તમાકુથી થઈ રહેલા નુકસાનમાં સહાય મળશે. એક્સાઇઝ ડ્યુટીએ ભારતમાં માલના ઉત્પાદન પર લાગુ કરવામાં આવતો કર છે, જે આલ્કોહોલ, પેટ્રોલિયમ અને તમાકુ જેવા કેટલાક ઉત્પાદનો પર લાગુ પડે છે.
સેન્ટ્રલ એક્સાઇઝ સુધારા બિલ 2025
મહત્ત્વનું છે કે આ પહેલા ડિસેમ્બર 2024માં સરકારે સેન્ટ્રલ એક્સાઇઝ સુધારા બિલ 2025ને મંજૂરી આપી હતી. જે પ્રમાણે સિગારેટ અને તમાકુના ઉત્પાદન પર અસ્થાયી (કામ ચલાઉ) ટેક્સને સમાપ્ત કરી સ્થાયી(કાયમી) ટેક્સ વ્યવસ્થા લાગુ કરવામાં આવી. નવી એક્સાઇઝ ડ્યુટી આ સુધારા બિલ કાયદા પ્રમાણે જ વધારવામાં આવી છે.
સિગારેટની કિંમતોમાં થશે વધારો
સરકારના આ નિર્ણયથી સિગારેટની કિંમતોમાં વધારો થશે, જેથી દેશભરના કરોડો સિગારેટ ફૂંકનારા લોકોના ખિસ્સા પર સીધી અસર પડશે. સરકારનો હેતુ વધારે ટેક્સ લગાવી તમાકુનું સેવન લોકો ઓછું કરે તેવો છે જેથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઘટાડી શકાય, નવી નીતિથી તમાકુ ઉત્પાદનના વેચાણમાં ઘટાડો આવશે તેવી શક્યતા છે, જેથી સાર્વજનિક સ્વાસ્થ્યને પણ લાભ થશે.


