કાશીના મહાસ્મશાન ખાતે રમાઈ ચિતાની ભસ્મથી હોળી, રંગભરી એકાદશીની ઉજવણી
- ધર્મનગરી કાશીમાં રંગભરી એકાદશીથી જ હોળીની શરૂઆત થઈ જાય છે
નવી દિલ્હી, તા. 25 માર્ચ, 2021, ગુરૂવાર
આગામી 29 માર્ચના રોજ હોળીનો તહેવાર ઉજવાશે પરંતુ ધર્મનગરી કાશીમાં રંગભરી એકાદશીથી જ તેની શરૂઆત થઈ જાય છે. કાશીવાસીઓ મહાસ્મશાન ખાતે ચિતાની ભસ્મ વડે રમીને પોતાના ઈષ્ટ ભોલે બાબા સાથે હોળી પહેલા જ આ પર્વની શરૂઆત કરી દે છે. ત્યાર બાદ કાશીમાં હોળીની શરૂઆત થઈ જાય છે.
મોક્ષદાયિની કાશી નગરીના મહાસ્મશાન હરિશ્ચંદ્ર ઘાટ પર કદી ચિતાની આગ ઠંડી નથી પડતી. 24 કલાક ચિતાઓ બળવાનું અને શબયાત્રાઓ આવવાનું ચાલુ જ રહે છે. ચારે તરફ પ્રસરેલા શોક વચ્ચે એક દિવસ એવો આવે છે જ્યારે મહાસ્મશાન ખાતે હોળી રમવામાં આવે છે. તે પણ રંગો ઉપરાંત ચિતાની ભસ્મ વડે રમાતી હોળી.
રંગભરી એકાદશી વખતે મહાસ્મશાન ખાતે જે વિશિષ્ટ હોળી રમવામાં આવે છે તેના પાછળ એક પ્રાચીન માન્યતા છે. એવું કહેવાય છે કે જ્યારે રંગભરી એકાદશીના દિવસે ભગવાન વિશ્વનાથ મા પાર્વતી સાથે પ્રથમ વખત કાશી પહોંચ્યા તો તેઓ પોતાના ગણ સાથે હોળી રમ્યા હતા. પરંતુ તેઓ પોતાના પ્રિય એવા સ્મશાનમાં વસતા ભૂત, પ્રેત, પિશાચ અને અઘોરી સાથે હોળી નહોતા રમી શક્યા. આ કારણે જ રંગભરી એકાદશીના દિવસે વિશ્વનાથ તેમના સાથે ચિતા-ભસ્મની હોળી રમવા મહાસ્મશાન પર આવે છે.