'મારા પિતાએ મુસ્લિમને સીએમ બનાવવા માગ કરી હતી પણ...', ચિરાગ પાસવાનનું મોટું નિવેદન

Bihar Elections 2025: બિહારમાં મહાગઠબંધન દ્વારા આગામી વિધાનસભા ચૂંટણી માટે તેજસ્વી યાદવને મુખ્યમંત્રી પદના ઉમેદવાર અને વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP) વડા મુકેશ સાહનીને નાયબ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરાયા બાદ રાજકારણ ગરમાયું છે. આ જાહેરાતને પગલે મુસ્લિમ સમુદાયે પોતાની વસ્તીના પ્રમાણમાં સત્તામાં ભાગીદારીની માંગ ઉઠાવી છે અને સોશિયલ મીડિયા પર મહાગઠબંધનના નિર્ણયની આકરા શબ્દોમાં ટીકા કરી છે.
ચિરાગ પાસવાને RJDને ઘેર્યું
આ વિવાદ વચ્ચે એલજેપી(રામવિલાસ)ના વડા અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને મુસ્લિમ સમુદાયની નારાજગીને મુદ્દો બનાવીને રાષ્ટ્રીય જનતા દળ (RJD) પર આકરા પ્રહારો કર્યા છે. ચિરાગ પાસવાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું, '2005માં અમારા નેતા, મારા પિતા, સ્વર્ગસ્થ રામવિલાસ પાસવાને મુસ્લિમ મુખ્યમંત્રી બનાવવા માટે પાર્ટીનું બલિદાન પણ આપી દીધું હતું. ત્યારે પણ તમે તેમને ટેકો આપ્યો ન હતો. RJD 2005માં મુસ્લિમ મુખ્યમંત્રી માટે તૈયાર નહોતી અને આજે પણ 2025માં તે મુસ્લિમ મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી આપવા તૈયાર નથી! જો તમે બંધુઆ વોટ બૅન્ક બની રહેશો તો તમને સન્માન અને ભાગીદારી કેવી રીતે મળશે?'
 
આ પણ વાંચો: ચૂંટણી પંચે AI સામગ્રી અંગે જાહેર કર્યા નવા નિયમ, તમામ રાજકીય પક્ષોએ પાલન કરવા ફરજીયાત
'યાદવ અને સાહની સમુદાયનું રાજકારણ'
અગાઉ પટણામાં પત્રકારો સાથેની વાતચીતમાં ચિરાગ પાસવાને કહ્યું હતું કે, 'ઇન્ડિયા એલાયન્સ (મહાગઠબંધન) યાદવો અને સાહની સમુદાયના નામે રાજકારણ રમી રહ્યું છે, પરંતુ તે ચૂંટણી દરમિયાન માત્ર મુસ્લિમો વિશે જ વાત કરે છે.'
તેમણે આરોપ લગાવ્યો કે બિહારની વસ્તીમાં મુસ્લિમોનો હિસ્સો લગભગ 18 ટકા જેટલો હોવા છતાં, ગઠબંધને મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અથવા અન્ય કોઈ મોટા પદ માટે કોઈ મુસ્લિમ નેતાને નામાંકિત કર્યા નથી. મહાગઠબંધનના આ નિર્ણયથી મુસ્લિમ સમુદાયમાં પેદા થયેલી નારાજગી હવે બિહારના રાજકારણમાં એક નવો ચર્ચાનો વિષય બની છે.


