જયશંકર-ડોભાલ બાદ PM મોદીને મળ્યા ચીનના વિદેશ મંત્રી, કહ્યું- 'વાંગ યીને મળીને આનંદ થયો'
India China Ties: અમેરિકા સાથે ટેરિફને લઈને ચાલી રહેલા વિવાદ દરમિયાન ચીન અને ભારત વચ્ચે નિકટતા વધી રહી છે. બંને દેશો દ્વિપક્ષીય સંબંધોને વધુ સુધારવા માટે આગળ આવી રહ્યા છે. આ દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યી સોમવારથી (18 ઓગસ્ટ) તેમના બે દિવસીય પ્રવાસ પર ભારત પહોંચ્યા છે. આ તબક્કે ભારત પ્રવાસે આવેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ મંગળવારે (19 ઓગસ્ટ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. આ અગાઉ તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે પણ મુલાકાત કરી હતી. અમેરિકાની આકરી ટેરિફ નીતિઓ વચ્ચે ભારત પોતાની વ્યૂહનીતિ હેઠળ રશિયા અને ચીન સાથે વેપાર સંબંધો વધુ ગાઢ બનાવવા પ્રયત્નશીલ બન્યુ છે. વડાપ્રધાન મોદી પણ એસસીઓ શિખર સંમેલન માટે ચીનની મુલાકાત લેવાના છે.
વિદેશ મંત્રી વાંગ યીને મળીને આનંદ થયો: વડાપ્રધાન મોદી
ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત બાદ વડાપ્રધાન મોદીએ પોતાના સોશિયલ મીડિયા X એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે. જેમાં તસવીર શેર કરતા તેમણે લખ્યું કે, 'વિદેશ મંત્રી વાંગ યીને મળીને આનંદ થયો. ગયા વર્ષે કાઝાનમાં રાષ્ટ્રપતિ શી સાથેની મારી મુલાકાત પછી, ભારત-ચીન સંબંધો એકબીજાના હિતો અને સંવેદનશીલતાઓ પ્રત્યે આદર રાખીને સતત પ્રગતિ કરી રહ્યા છે. હું SCO સમિટની બાજુમાં તિયાનજિનમાં આપણી આગામી મુલાકાતની રાહ જોઉં છું. ભારત અને ચીન વચ્ચે સ્થિર, અનુમાનિત, રચનાત્મક સંબંધો પ્રાદેશિક તેમજ વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિમાં નોંધપાત્ર યોગદાન આપશે.'
ગઈકાલે વાંગ યી અને ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર વચ્ચે મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં જયશંકરે ચીની અધિકારીઓનું સ્વાગત કર્યું હતું. બેઠકમાં વાંગ યી કહ્યું હતું કે, 'ભારત અને ચીન એકબીજાની સફળતામાં યોગદાન આપી શકે છે.'ત્યારબાદ આજે ચીનના વિદેશ મંત્રી સાથે મુલાકાત બાદ ડોભાલે કહ્યું હતું કે, 'બોર્ડર પર શાંતિ અને સૌહાર્દ બનેલો છે. મને આશા છે કે વિશેષ પ્રતિનિધિઓની વાતચીત સફળ થશે. આપણા વડાપ્રધાન SCO શિખર સંમેલન માટે ચીન પ્રવાસે જવાના છે. એટલા માટે આજની વાતચીત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.'
અજીત ડોભાલને મળ્યા ચીનના વિદેશ મંત્રી
દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે આજે(19 ઓગસ્ટ) ચીનના પ્રતિનિધિ સાથે પણ મુલાકાત કરી હતી. અમેરિકાના ટેરિફ બોમ્બ વિરૂદ્ધ બંને દેશો છેલ્લા કેટલાક સમયથી સંબંધો સુધારવા પ્રયાસ કરી રહ્યા છે. જેના ભાગરૂપે આજે અજિત ડોભાલે ભારતની મુલાકાતે આવેલા વિદેશ મંત્રી વાંગ યી સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં બંને દેશોની સરહદો પર શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહ્યો હોવાનું ડોભાલે જણાવ્યું હતું.
દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ બન્યાઃ અજિત ડોભાલ
આ બેઠકમાં અજિત ડોભાલે જણાવ્યું હતું કે, 'બંને દેશોની સરહદ પર શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહ્યો છે, જે એક સકારાત્મક બાબત છે. દ્વિપક્ષીય સંબંધ વધુ ગાઢ બન્યા છે. ગતવર્ષે ઓક્ટોબરમાં કઝાનમાં એક નવુ વલણ અપનાવવામાં આવ્યું હતું, ત્યારથી બંને દેશોને ઘણો લાભ થયો છે. વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવા મદદ મળી છે. અપેક્ષા છે કે, ગત વાર્તાની જેમ આ 24મી વિશેષ પ્રતિનિધિ સ્તરની વાર્તા સફળ રહેશે.'
ડોભાલ સાથેની બેઠકમાં ચીનના વિદેશ મંત્રીએ શું કહ્યું?
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ જણાવ્યું હતું કે, સરહદ વિવાદ પર નવી દિલ્હી ખાતે ચીન અને ભારતના વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે વાર્તા બદલ અમે ઉત્સુક છીએ. છેલ્લા કેટલાક વર્ષોથી જે નિષ્ફળતાનો સામનો કર્યો છે, તે બંને દેશના હિતમાં ન હતાં. ગતવર્ષે ઓક્ટોબરમાં પ્રમુખ શી જિનપિંગ અને વડાપ્રધાન મોદી વચ્ચે કઝાનમાં યોજાયેલી સકારાત્મક બેઠકથી દ્વિપક્ષીય સંબંધોમાં સુધારો થયો છે. સરહદ વિવાદના યોગ્ય ઉકેલો શોધવા સક્ષમ બન્યા છીએ.
જયશંકર સાથેની બેઠકમાં ચીનના વિદેશ મંત્રીએ શું કહ્યું?
વાંગ યી અને ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર વચ્ચે મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી. આ દરમિયાન જયશંકરે ચીની અધિકારીઓનું સ્વાગત કર્યું હતું. જયશંકર સાથે બેઠકમાં વાંગ યીએ કહ્યું હતું કે, 'અમે બોર્ડર પર શાંતિ જાળવી રાખવાની કોશિશ કરી છે. અમે સહયોગ વધારવા અને ચીન-ભારતના સંબંધોમાં સુધારો અને વિકાસ કરવાની ગતિને વધુ મજબૂત કરવાનો વિશ્વાસ જતાવ્યો છે. જેથી આપણા બંનેના વિકાસની સાથે-સાથે એકબીજાની સફળતામાં પણ યોગદાન આપી શકીએ. આ સાથે એશિયા અને વિશ્વમાં સ્થિરતા લાવી શકાય, જેની જરૂરત છે. ભારત અને ચીન એકબીજાની સફળતામાં યોગદાન આપી શકે છે.'
મતભેદ વિવાદનું સ્વરૂપ ધારણ ન કરે: જયશંકર
એસ. જયશંકરે કહ્યું કે, 'ચીન અને ભારત વચ્ચેના સંબંધો મુશ્કેલ સમયમાંથી પસાર થયા અને હવે બંને દેશોની સમજણથી તેને યોગ્ય બનાવવાનો પ્રયાસ શરૂ છે. બંને દેશ વચ્ચે એક સ્પષ્ટ અને રચનાત્મક દ્રષ્ટિકોણની આવશ્યકતા છે. આ પ્રયાસમાં એકબીજાનું સમ્માન, સંવેદનશીલતા અને પારસ્પરિક હિતને ધ્યાનમાં રાખવું જોઈએ. તેમજ એ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે, મતભેદ વિવાદનું સ્વરૂપ ધારણ ન કરે અને પ્રતિસ્પર્ધા સંઘર્ષમાં પરિવર્તિત ન થાય.'
ચીન અને ભારતના સંબંધોને લઈને જયશંકરે કહ્યું કે, 'બંને દેશ વચ્ચેના સંબંધોમાં સકારાત્મક ગતિ ત્યારે જ આવી શકે છે, જ્યારે બોર્ડર પર શાંતિ રહે. તમે અમારા વિશેષ પ્રતિનિધિ એનએસએ અજીત ડોભાલ સાથે બોર્ડર સંબંધિત મુદ્દા પર ચર્ચા કરશો. તેમજ એ પણ જરૂરી છે કે, બંને દેશ વચ્ચેનો તણાવ ઓછો કરવાની પ્રક્રિયા આગળ વધારવામાં આવે.'
જયશંકરે આ દરમિયાન ટેરિફ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવાનો પણ સંકેત આપતા કહ્યું હતું કે, 'જ્યારે વિશ્વના બે સૌથી મોટા દેશો મળે છે, ત્યારે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ પર ચર્ચા થવી સ્વાભાવિક છે. અમે મલ્ટિપોલર એશિયા સહિત એક ન્યાયી, સંતુલિત અને મલ્ટિપોલર વૈશ્વિક વ્યવસ્થા ઇચ્છીએ હાલના ધોરણે વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિરતા જાળવવી અને જાળવી રાખવી સ્પષ્ટપણે જરૂરી છે.'