ચીને હેકર્સની ફોજ તૈયાર કરી, ભારત પર સાઈબર હુમલાનો ખતરો, બેન્કોને બનાવી શકે નિશાન
India vs China News | ભારતીય સરહદે ચીનની અવળચંડાઇ હજુ ખતમ નથી થઇ, ખુદ ભારતીય સૈન્યના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું છે કે ચીન સાથે સરહદે વિવાદ ખતમ નથી થયો, જેને પગલે હાલ ભારતીય જવાનોને સરહદેથી હટાવવામાં નહીં આવે. આ અહેવાલો વચ્ચે હવે અન્ય એક ખતરનાક માહિતી સામે આવી છે. ચીન એવા હેકર્સની આખી ફૌજ તૈયાર કરી રહ્યું છે જેનો ઉપયોગ ભારત સહિતના પાડોશી દેશોમાં આર્થિક સ્થિતિ ડામાડોળ કરવા માટે થઇ શકે છે. આ હેકર્સ ભારતીયોને નિશાન બનાવીને મોટી રકમ પડાવી રહ્યા છે. એટલુ જ નહીં ચીનમાં અન્ય દેશોને ટાર્ગેટ કરવા માટે હેકર્સને વિશેષ તાલિમ પણ અપાઇ રહી હોવાનો ખુલાસો થયો છે. દરમિયાન જાપાન પર ચીની હેકર્સ દ્વારા 200 જેટલા સાઇબર હુમલાનો રિપોર્ટ સામે આવ્યો છે.
તમિલનાડુના તિરુચિરાપલ્લીનો રહેવાસી મેકેનિકલ એન્જિનિયર વિગ્નેશ્વર મુરુગનંધમ ચીનના હેકિંગ સ્કેમની લપેટમાં આવી ગયો હતો. તેની તાજેતરમાં ધરપકડ કરાતા આ સમગ્ર ખુલાસો થયો છે. તેની પૂછપરછમાં ચીન કઇ રીતે હેકર્સની ફૌજ તૈયાર કરી રહ્યું છે તે સામે આવ્યું છે. વિગ્નેશ્વરે જાપાનના કેટલાક લોકોને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા, જે બદલ તેની ધરપકડ કરાઇ હતી. તેણે પૂછપરછમાં ખુલાસો કર્યો છે કે મને ઓનલાઇન ચીનના કેટલાક લોકોનો સંપર્ક થયો હતો. આ ચીનના લોકોએ મને કંબોડિયામાં કામ કરવાની લાલચ આપી હતી. જેને પગલે હું વર્ષ 2024માં કંબોડિયા જતો રહ્યો. મને મોટી સંખ્યામાં ભારતીય બેન્કોમાં ખાતા ખોલવાનું કહેવામાં આવ્યું હતું. મને એક હોટેલમાં રાખવામાં આવ્યો, શરૂઆતમાં મારાથી બધુ છુપાવવામાં આવ્યું. મારા માલિકે મને નહોતુ જણાવ્યું કે આ ખાતા દ્વારા મોટી રકમની હેરાફેરી થઇ રહી હતી.
વિગ્નેશ્વર મુરુગનંધમે વધુમાં મોટો ખુલાસો કરતા કહ્યું હતું કે હું હેકિંગ અને ડિજિટલ એરેસ્ટના અપરાધની દુનિયામાં એકલો નહોતો, મારી સાથે ચીનના અનેક લોકો જોડાયેલા હતા. આ તમામ ચીની નાગરિકો ચીનના પાડોશી ભારત સહિતના દેશોને નિશાન બનાવી રહ્યા હતા. તેઓ ભારતીયો પાસેથી રૂપિયા પડાવવાનો ટાર્ગેટ આપતા હતા. આ ચીનની ગેંગ ખુદને એક કંપની તરીકે ઓળખાવતી હતી અને હરરોજ મારા જેવા અનેક લોકો તૈયાર કરાતા હતા. કંપનીના નામે તૈયાર કરાયેલા આ કેમ્પોમાં ભારતીયોને નોકરીની લાલચમાં લવાતા હતા. મને ભારતીય બેંકોના ખાતાઓની વ્યવસ્થા અને તેને મેનેજ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. મારા જેવાની એક આખી ગેંગ તૈયાર કરાઇ હતી જેઓ ટેલિગ્રામ મેસેજિંગ એપથી સંપર્કમાં રહેતા હતા.
બાદમાં વિગ્નેશ્વર કંબોડિયા છોડીને ભારત આવી ગયો જોકે ભારત આવતા જ તેને દિલ્હી પોલીસે પકડી લીધો હતો. ડીસીપી સુરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા વિગ્નેશ્વરની સાથે ચીનના અનેક લોકો જોડાયેલા છે. તેઓ કંબોડિયામાં આર્થિક અપરાધો માટે વિશેષ તાલિમ આપી રહ્યા છે. ચીનના આ અપરાધીઓ ભારતીય અર્થતંત્રને ડામાડોળ કરવાની ફિરાકમાં હોઇ શકે છે. વર્ષ ૨૦૧૯થી ૨૦૨૪ દરમિયાન ચીનના હેકર્સે જાપાન પર ૨૦૦ જેટલા સાઇબર હુમલા કર્યા છે અને અનેક સરકારી એજન્સીઓ અને વિભાગના ડેટા તફડાવ્યા હતા. જેમાં જાપાન એરોસ્પેસ અને એક્સ્પ્લોરેશન એજન્સીના ડેટાલો પણ સમાવેશ થાય છે.
બીજી તરફ ભારતીય સૈન્યના વડા જનરલ દ્વિવેદીએ જણાવ્યું હતું કે ચીન સાથેની સરહદે હાલ સ્થિતિ સ્થિર પરંતુ સંવેદનશીલ છે. હાલમાં ભારતીય સૈન્યને ચીન સરહદેથી પરત ખસેડવામાં નહીં આવે. ગલવાન ઘાટીમાં જે કઇ થયું તે ફરી ના થાય તેની આપણે તકેદારી રાખવી જ પડશે. પૂણેમાં ૭૭માં સૈન્ય દિવસની પરેડમાં ભાગ લીધા બાદ જનરલ દ્વિવેદીએ કહ્યું હતું કે ગલવાન ઘાટીમાં જે થયું તે ફરી નહીં થવા દઇએ. ૧૫ જુન ૨૦૨૦ના રોજ લદ્દાખ નજીકની ગલવાન ઘાટીમાં ચીન અને ભારતીય સૈન્યના જવાનો સામસામે આવી ગયા હતા. આ યુદ્ધ હથિયારો વગરના ઘર્ષણમાં ભારતીય સૈન્યના ૨૦ જેટલા જવાનો શહીદ થયા હતા. સામે પક્ષે ચીનના જવાનો પણ માર્યા ગયા હોવાના અહેવાલો હતા. આ પ્રકારનંન ઘર્ષણ હવે ફરી ના થાય તે માટે ભારતીય સૈન્ય સંપૂર્ણ રીતે એલર્ટ પર છે તેવી સૈન્ય વડાએ ખાતરી આપી હતી.