સોનાનો સફેદ ભંડાર ભારતની તકદીર બદલશે ? આ દેશ સહયોગ આપવા તૈયાર
નવી દિલ્હી,તા.03 એપ્રિલ 2023,સોમવાર
ભારતમાં તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં મળી આવેલ એક કિંમતી ધાતુનો ભંડાર દેશની કાયાપલટ કરવા સક્ષમ છે તેવા અનેક અહેવાલો બાદ આશા સેવાઈ રહી છે કે જલદી જ દેશમાં તેનું ખનન શરૂ થાય. જોકે સફેદ સોનાના ભંડાર તરીકે ઓળખાતી આ ધાતુના ખનન અને અન્ય કામગીરી માટે આ દેશે ભારત સામે સાથ-સહયોગનો હાથ લંબાવ્યો છે.
ચીલીએ જમ્મુ અને કાશ્મીરમાં મળી આવેલા લિથિયમના મોટા ભંડારને બહાર કાઢવામાં સહયોગ કરવાનું કહ્યું છે. વિશ્વમાં લિથિયમના બીજા સૌથી મોટા ઉત્પાદકે ઓફર કરી છે કે જો સરકાર ઇચ્છે તો અમે ભાગીદાર બની શકીએ છીએ. આ સહયોગના ભાગરૂપે ચિલીમાંથી ટેકનિકલ નિષ્ણાતો પૂરા પાડવામાં આવી શકે છે જેથી લિથિયમનો ભંડાર સરળતાથી કાઢી શકાય અને રિસર્ચ ઝડપથી થઈ શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં જમ્મુ-કાશ્મીરમાં 5.9 મિલિયન ટન લિથિયમના વિશાળ ભંડારની માહિતી મળી હતી. સફેદ સોનું નામના લિથિયમ ભંડારની શોધને ભારત માટે મોટી આશા તરીકે જોવામાં આવી રહી છે.
લિથિયમનો ઉપયોગ બેટરીમાં થાય છે. આ રીતે જો આ લિથિયમ રિઝર્વનો ઉપયોગ કરવામાં આવે તો ભારતમાં ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન થઈ શકે છે. ખાસ કરીને ચીન સહિત અન્ય ઘણા દેશોમાંથી આયાત પર નિર્ભરતામાં મોટો ઘટાડો થશે. જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં મળેલી આ રિઝર્વથી રાજ્યના વિકાસની આશાઓ પણ વધી છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા ચિલીના વિદેશ મંત્રાલયના સેક્રેટરી જનરલ એલેક્સ વેટ્ઝિગે કહ્યું, "જો ભારત સરકાર ઔપચારિક રીતે સંપર્ક કરે તો અમે તૈયાર છીએ."
તેમણે શુક્રવારે જ ભારતીય વિદેશ મંત્રાલય અને વાણિજ્ય મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ઇલેક્ટ્રિક વાહનોની બેટરીમાં લિથિયમનો ઉપયોગ મોટી માત્રામાં થાય છે. આ સિવાય તેનો ઉપયોગ લેપટોપ અને મોબાઈલ ફોનમાં પણ થાય છે. જો ભારત પોતાની રીતે લિથિયમ બેટરીનું ઉત્પાદન કરી શકશે તો તે ઇલેક્ટ્રિક વાહનોના મામલે આત્મનિર્ભરતા તરફ એક મોટું પગલું હશે. ઇલેક્ટ્રિક વાહનોનો સૌથી મોટો ભાગ બેટરી પોતે જ છે. આ સંદર્ભમા લિથિયમ ભંડારની શોધને ઇલેક્ટ્રિક વાહનો માટે એક ચમત્કાર તરીકે જોવામાં આવી રહ્યો છે.
ભારત અત્યાર સુધી લિથિયમ માટે ઓસ્ટ્રેલિયા અને આર્જેન્ટિના જેવા દેશો પર નિર્ભર હતું. ચિલીમાં વિશ્વનો 48 ટકા લિથિયમ ભંડાર છે. એવું માનવામાં આવે છે કે ડીઝલ અને પેટ્રોલ વાહનોથી થતા પ્રદૂષણને ઘટાડવા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત સરકારે 2030 સુધીમાં ઇલેક્ટ્રિક વાહનોનો હિસ્સો વધારવાનો પણ નિર્ણય લીધો છે. આ સંદર્ભમાં ભારતની જરૂરિયાતની દ્રષ્ટિએ પણ લિથિયમ મહત્વનું છે.