India

બિહાર વિધાનસભા ચુંટણી પ્રચારમાં છઠ પુજા વર્સિસ હેલોવીન, પક્ષ વિપક્ષના આક્ષેપ પ્રતિ આક્ષેપ

By GS TEAM
3 Nov 20252 mins read
બિહાર વિધાનસભા ચુંટણી પ્રચારમાં છઠ પુજા વર્સિસ હેલોવીન, પક્ષ વિપક્ષના આક્ષેપ પ્રતિ આક્ષેપ

પટણા,૩ નવેમ્બર,૨૦૨૫,સોમવાર 

બિહાર વિધાનસભા ચુંટણી આડે થોડાક દિવસો જ બાકી રહયા છે ત્યારે ચુંટણી પ્રચાર અને રાજકીય આક્ષેપો તેજ બન્યા છે. દેશની રાજનીતિમાં બિહાર ખૂબજ મહત્વનું રાજય હોવાથી ભાજપ સાથી પક્ષો અને આરજેડી તથા કોંગ્રેસના નેતાઓ એડીચોટીનું જોર લગાવી રહયા છે. ચુંટણી પ્રચારમાં ધાર્મિક અને સાંસ્કૃતિક મુદ્વાઓ પણ હાવી રહયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી માડીને અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓએ લાલુ પરીવાર અને વિપક્ષી ગઠબંધન પર હિંદુ આસ્થા ધરાવતા તહેવારોનું અપમાન કરવાનો આરોપ લગાવ્યા હતા. ચુંટણી પ્રચારમાં છઠ પુજા અને હેલોવિનનો વિવાદ પણ વકરતો જાય છે.

એનડીએ સમર્થિત ઉમેદવારો માટેની પ્રચાર રેલીમાં એનડીએના દિગ્ગજોએ વિપક્ષ પર હિંદુ તહેવારોની અવગણના કરીને પશ્ચિમી સંસ્કૃતિ તથા ઘૂસણખોરોને મહત્વ આપવાનો આરોપ લગાવ્યો છે.  બીજેપીએ પહેલા આરજેડીના તેજસ્વી યાદવ અને પિતા લાલુ પ્રસાદ યાદવનો એક વીડિયો શેર કર્યો છે જેમાં સગા સંબંધીઓ સાથે પશ્ચિમી સંસ્કૃતિનો ફેસ્ટિવલ હેલોવીન ઉજવી રહયા છે. આ વીડિયો મૂળ તો આરજેડી નેતા અને લાલુની પુત્રી રોહિણી આચાર્યએ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જેમાં બાળકો ક્રિમ રીપરની ભૂમિકામાં જયારે તેજસ્વી હસતા જણાય છે.

શિવહરની એક રેલીમાં અમિતશાહે રાહુલ ગાંધી પર છઠ મૈયાનું અપમાન કરવાનો આક્ષેપ કર્યો હતો. રાહુલ ગાંધીએ વડાપ્રધાન છ્ઠ પર ડ્રામા કરવાનો અને ભાજપ શાસિત દિલ્હીમાં પ્રદૂષિત  યમુના નદીની બાજુમાં સ્વચ્છ પાણીનું તળાવ બનાવવાના આરોપ મુકયો તેનો અમિત શાહ જવાબ આપી રહયા હતા. જયારે પણ ઘૂસણખોરોને બહાર કાઢવાનો પ્રયાસ થાય છે ત્યારે તેમને બચાવવા માટે વિપક્ષ આગળ આવી જતો હોવાનો પણ મુદ્વો પણ જોરશોરથી છવાયેલો રહયો છે.