છાંગુર બાબાને વિદેશથી 500 કરોડનું ફંડ મળેલું, 1500થી વધુ હિન્દુ યુવતીઓનું ધર્માંતરણ કરાવ્યાનો દાવો
Chhangur Baba News : ઉત્તર પ્રદેશની એન્ટી ટેરર સ્ક્વોડ (એટીએસ)એ ગેરકાયદે ધર્માંતરણના મામલામાં ધરપકડ કરાયેલા છાંગુર બાબાને લઇને નવો ખુલાસો કર્યો છે. એટીએસને જાણકારી મળી છે કે છાંગુર બાબાને વિદેશમાંથી 500 કરોડ રૂપિયાનું ફન્ડિંગ મળ્યું હતું. જેમાંથી 200 કરોડની રકમ બેન્કિંગના માધ્યમથી જ્યારે બાકીની 300 કરોડની રકમ હવાલા ચેનલ દ્વારા મળી હતી. જે નેપાળમાંથી ભારતમાં લાવવામાં આવી હતી.
ભારતમાં ધર્માંતરણ કરાવવાના ઇરાદાથી છાંગુર બાબાને આ રકમ ઇસ્લામિક દેશોમાંથી મોકલવામાં આવી હતી. એટીએસની તપાસમાં સામે આવ્યું કે નેપાળના કાઠમાંડુ, નવલપરાસી, રૂપનદેહી અને બાંકે જેવા સરહદી જિલ્લામાં ૧૦૦થી વધુ બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા. જેમાં આ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. આ ફંડ પાકિસ્તાન, દુબઇ, સઉદી અરબ અને તુર્કી જેવા મુસ્લિમ બહુમત દેશોમાંથી આવ્યું હતું. આ ખાતાઓમાં જમા પૈસા નેપાળના સ્થાનિક એજન્ટોના માધ્યમથી ભારત પહોંચ્યા હતા. એજન્ટ જે બદલ ચારથી પાંચ ટકા કમીશન લેતા હતા.
એટીએસના જણાવ્યા મુજબ સૌથી વધુ વિદેશી ફન્ડિંગ અયોધ્યા જિલ્લામાં પહોંચ્યું હતું, જ્યાં કથિત રીતે હિન્દુ યુવતીઓનું ધર્માંતરણ કરાવવામાં આવ્યું હતું. છાંગુર બાબા અને તેના સહયોગી સાથે જોડાયેલા 40 બેન્ક ખાતાની તપાસ ચાલી રહી છે. છાંગુર બાબાએ બલરામપુરમાં પાંચ કરોડના ખર્ચે વૈભવી બંગલો બનાવ્યો હતો જેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. 40 રૂમ ધરાવતા આ બંગલામાં માર્બલનો સુરક્ષા ગેટ, સીસીટીવી કમાન્ડ રૂમ સહિતની આધુનિક સુવિધા હતી. સુરક્ષા માટે 50 યુવાઓની એક ટોળી તૈયાર કરી રાખી હતી જે છાંગુર બાબાના ઇશારે કઇ પણ કરવા તૈયાર રહેતી હતી.
છાંગુર બાબા પર ભારતમાં ગરીબ લોકોને રૂપિયાની લાલચ આપીને ધર્માંતરણ કરાવવાનો આરોપ છે. જાતિ પ્રમાણે લોકોના ભાવ પણ ફિક્સ કરાયા હતા જે આઠથી 16 લાખ રૂપિયા રખાયા હતા. આ ઉપરાંત છાંગુર ગેંગનું મુખ્તાર અંસારી ગેંગ સાથે કનેક્શન સામે આવ્યું છે. છાંગુરનો પુત્ર મેહબૂબ પણ જેલમાં છે. એટીએસને તપાસમાં જાણવા મળ્યું છે કે નીતૂ ઉર્ફ નસરીનનું સ્વીસ બેંકમાં પણ ખાતું હતું. બલરામપુરમાં ડિમોલિશન સમયે જેના કેટલાક પુરાવા મળ્યા હતા. આ ઉપરાંત ૪૫૦થી વધુ ધર્માંતરણના પ્રમાણપત્ર મળ્યા છે, જે દુબઇથી જારી કરાયા હતા. છાંગુરે અત્યાર સુધીમાં દોઢ હજારથી વધુ એટલે કે 1500થી વધુ હિન્દુ યુવતીઓનું ધર્માંતરણ કરાવ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ અહમદ સહિત અનેક આરોપીઓ હજુ પણ ફરાર છે.