સન્માનજનક વિદાય મળવી જોઈતી હતી...', પૂજારાની નિવૃત્તિ મુદ્દે કોંગ્રેસના દિગ્ગજ નેતાની ભાવુક પોસ્ટ
Shashi Tharoor On Cheteshwar Pujara Retirement: ભારતના દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ આજે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લીધો છે. પૂજારાએ 24 ઓગસ્ટ (રવિવાર)ના રોજ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. 37 વર્ષીય પૂજારાએ 103 ટેસ્ટ મેચ અને પાંચ ODIમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પૂજારા છેલ્લે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ (2023) માં ભારત માટે રમ્યા હતા. ચેતેશ્વર પૂજારાની નિવૃત્તિ અંગે કોંગ્રેસના નેતા અને લોકસભા સાંસદ શશી થરૂરે એક ભાવુક પોસ્ટ શેર કરતા કહ્યું છે કે, ચેતેશ્વર પૂજારા જેવા તેજસ્વી ટેસ્ટ બેટરને સન્માનજનક વિદાય આપવી જોઈતી હતી. પૂજારા જે ઊંચાઈએ પહોંચ્યા છે તે સુધી પહોંચવા માટે ઘણું બલિદાન આપવું પડે.
ચેતેશ્વર સન્માનજનક વિદાયનો હકદાર
શશી થરૂરે X પર લખ્યું, 'ચેતેશ્વર પૂજારાની નિવૃત્તિ એ હૃદયસ્પર્શી છે. ટીમ ઈન્ડિયામાંથી તાજેતરમાં બહાર થયા પછી આ નિર્ણય લગભગ નિશ્ચિત હતો, તેમ છતાં તેની પાસે સાબિત કરવા માટે કંઈ નહોતું, તે ટીમ માટે થોડો વધુ સમય રમવા અને તેની શાનદાર ટેસ્ટ કારકિર્દીને સન્માનજનક વિદાય આપવાને પાત્ર હતો. જ્યારે તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો, ત્યારે તેણે હિંમત બતાવી અને ઘરેલુ ક્રિકેટમાં પાછો ફર્યો અને ઘણી શાનદાર ઇનિંગ્સ રમી. પરંતુ સિલેક્ટર્સે પહેલાથી જ આગળ વધવાનું નક્કી કરી લીધું હતું. આવી સ્થિતિમાં, પૂજારાની નિવૃત્તિ ખોટી કહી શકાય નહીં.
પૂજારાની પત્નીનું પુસ્તક વાંચી ભાવુક થયા
શશી થરૂરે આગળ કહ્યું કે, 'હું તેની પત્ની (પૂજા પૂજારા) નું પુસ્તક 'ધ ડાયરી ઓફ અ ક્રિકેટર્સ વાઇફ' વાંચી રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે પૂજારા પાસે જે છે તે પ્રાપ્ત કરવા માટે કેટલું બધું કરવું પડે છે. લગભગ 20 વર્ષ પહેલાં ભારત-એ ટીમના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેણે મારું ધ્યાન ખેંચ્યું હતું, જ્યારે તેના સતત રન બનાવી વિજય તરફ આગેકૂચ કરાવી હતી. સિલેક્ટર્સ પણ સંમત થયા અને તેણે તેની ડેબ્યૂ ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં 72 રન બનાવ્યા. એક-બે નિષ્ફળતા બાદ તે ત્રીજા નંબર પર ભારતનો મિસ્ટર ડિપેન્ડેબલ બન્યો. ઓસ્ટ્રેલિયાના છેલ્લા પ્રવાસમાં તેની ખૂબ જ યાદ આવી. શુભકામનાઓ ચેતેશ્વર પૂજારા, વર્ષો સુધી ભારતીય ક્રિકેટની સેવા કરવા બદલ આભાર.'
ચેતેશ્વરની કારકિર્દી
ચેતેશ્વર પૂજારાએ ટેસ્ટ ક્રિકેટમાં 7195 રન બનાવ્યા હતાં. ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાં તેણે ભારત માટે 19 સદી અને 35 અડધી સદી ફટકારી. ટેસ્ટ ક્રિકેટમાં પૂજારાની એવરેજ 43.60 હતી. પૂજારાએ ODI આંતરરાષ્ટ્રીયમાં ફક્ત 51 રન બનાવ્યા. પૂજારાએ સ્થાનિક ક્રિકેટમાં સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ઝોનનું પ્રતિનિધિત્વ કર્યું. પૂજારાએ નોટિંગહામશાયર, યોર્કશાયર અને સસેક્સ માટે કાઉન્ટી ક્રિકેટ પણ રમી હતી.