ChatGPTએ લોથ મારી! PM મોદી અને ઈલોન મસ્ક સહિત અનેક હસ્તીઓને વિવાદિત ગણાવી
ChatGPTએ ડોનાલ્ડ ટ્રમ્પ, વ્લાદિમીર પુટિન, બોરિસ જોનસન, કિમ કર્દાશિયનને પણ વિવાદિત હસ્તી ગણાવી
જ્યારે જો બાઈડેન, જેફ બેજોસ અને બિલ ગેટ્સને સારી હસ્તીઓ ગણાવી
image : envato / Twitter |
ટેક્નોલોજીના આ યુગમાં રોજ અવનવાં ઈનોવેશન થઇ રહ્યા છે. ત્યારે હાલમાં સૌથી વધુ ચર્ચા ChatGPTએ જગાવી છે. છેલ્લા કેટલાક દિવસોથી માઈક્રોસોફ્ટનું ચેટબોટ તેના આડા-અવળાં જવાબોને લીધે ચર્ચામાં રહ્યું હતું અને હવે આ યાદીમાં ChatGPT પણ જોડાઈ ગયું છે. ChatGPTને પહેલા એક સારા અને સમજુ ચેટબોટ તરીકે માનવામાં આવી રહ્યું હતું પણ હવે તે એવા કેટલાક જવાબો આપવા લાગ્યું છે કે જેનાથી વિવાદ સર્જાઈ શકે છે. ChatGPTએ ઈલોન મસ્ક અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિવાદિત હસ્તી ગણાવી છે.
ઈસ્સાક લેટરલે ટ્વિટર પર પોસ્ટ કરી હતી
ઈસ્સાક લેટરેલે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં ChatGPTએ ઈલોન મસ્ક, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન, બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોનસન, કિમ કર્દાશિયન, કાન્યે વેસ્ટ, પીએમ મોદી અને અન્ય પ્રસિદ્ધ હસ્તીઓને વિવાદિત ગણાવી હતી. લેટરેલના ટ્વિટ પર ઈલોન મસ્કે પણ પ્રતિક્રિયા આપી હતી.
સારી હસ્તીઓની યાદી પણ ચોંકાવશે
ChatGPTએ એમ પણ કહ્યું કે આ જાહેર હસ્તીઓ સાથે વિશેષ રીતે વર્તન કરવું જોઇએ. જ્યારે બીજી બાજુ ChatGPTએ પીએમ મોદી, ટ્રમ્પ, મસ્કથી વિપરિત જો બાઈડેન, જેફ બેજોસ અને બિલ ગેટ્સને સારી હસ્તીઓ ગણાવી છે. તેના પર અનેક ટ્વિટર યૂઝર્સનું કહેવું છે કે ChatGPTએ મીડિયા કવરેજના આધારે આ યાદી જાહેર કરી છે. એવામાં OpenAI કે ChatGPTની કોઈ ભૂલ નથી.