2000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર રૂ. 8 થી 300નો ચાર્જ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ડિજિટલ ઇકોનોમીની વાતો વચ્ચે વેપારી પર વધારાનો બોજ : સામાન્ય ગ્રાહકોને અસર નહીંનો સરકારનો દાવો
- માસિક રૂ. ૧ લાખથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓએ ૧૫ ઓક્ટોબરથી ૦.૪૦ ટકા એમડીઆર ચૂકવવાનો રહેશે
- યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં ૭૦ ટકા હિસ્સો ધરાવતા 'વ્યક્તિથી વ્યક્તિ' ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ નહીં
- એમડીઆર ચાર્જથી ૨૦૨૭-૨૮ સુધીમાં યુપીઆઈ એપ-બેન્કોને રૂ. ૨૨,૦૦૦ કરોડ સુધીની આવકની સંભાવના
નવી દિલ્હી : દેશના અર્થતંત્રને ડિજિટલ ઈકોનોમી બનાવવા માટે શરૂ કરાયેલા યુપીઆઈ પેમેન્ટને છ વર્ષ સુધી મફત રાખ્યા પછી અંતે કેન્દ્ર સરકારે મંગળવારે યુપીઆઈ પેમેન્ટ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે ચાર્જ લાગુ કરવાની જાહેરાત કરી છે. એનપીસીઆઈની માર્ગદર્શિકા મુજબ હવે વેપારીઓને રૂ. ૨,૦૦૦થી વધુના યુપીઆઈ પેમેન્ટ પર ૦.૪ ટકા ટ્રાન્ઝેક્શન ફી લાગુ પડશે. જોકે, સરકારે રૂ. ૨,૦૦૧થી વધુના યુપીઆઈ પેમેન્ટ પર રૂ. ૮થી રૂ. ૭૫,૦૦૦થી વધુના પેમેન્ટ પર રૂ. ૩૦૦ સુધીનો ચાર્જ ફિક્સ કર્યો છે. માસિક રૂ. ૧ લાખથી વધુ ટર્ન ઓવર ધરાવતા વેપારીઓએ ૧૫ ઓક્ટોબર આ ચાર્જ ચૂકવવો પડશે. આ સિવાય વ્યક્તિથી વ્યક્તિ થતા યુપીઆઈ પેમેન્ટ પર કોઈ ચાર્જ લાગુ નહીં પડે તેમજ માસિક રૂ. ૧ લાખથી ઓછી આવકવાળા નાના વેપારીઓએ પણ આ ચાર્જ ચૂકવવો નહીં પડે.
યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસનું સંચાલન કરતી સમિતિ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ)ની મંગળવારે યોજાયેલી બેઠકમાં રૂ. ૨,૦૦૦થી વધુના યુપીઆઈ પેમેન્ટ પર ૦.૪૦ ટકા ચાર્જ લાગુ કરવાનો નિર્ણય લેવાયો હતો. એનપીસીઆઈની માર્ગદર્શિકા મુજબ માસિક રૂ. ૧ લાખથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓએ હવે રૂ. ૨,૦૦૦થી વધુના યુપીઆઈ પેમેન્ટ પર ૦.૪૦ ટકા એમડીઆર ચૂકવવાના રહેશે. એટલે કે વેપારીઓએ રૂ. ૨,૦૦૧થી વધુના યુપીઆઈ પેમેન્ટ પર રૂ. ૮થી રૂ. ૭૫,૦૦૦થી વધુના યુપીઆઈ પેમેન્ટ પર રૂ. ૩૦૦ સુધીનો ચાર્જ ચૂકવવાનો રહેશે. આ ચાર્જ ગ્રાહકથી વેપારીના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર લાગુ પડશે.
નાણાં સચિવે જણાવ્યું કે, યુપીઆઈ મારફત પેમેન્ટ માટે ગ્રાહકોએ કોઈ ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં. એમડીઆર વેપારીઓની પેમેન્ટ ઈકોસિસ્ટમ પર લાગુ થતો ચાર્જ છે. તેનાથી સામાન્ય માણસ પર કોઈ અસર નહીં પડે. વધુમાં આ ચાર્જથી દેશના ૯૬ ટકા નાના વેપારીઓને પણ કોઈ અસર નહીં થાય. માસિક રૂ. ૧ લાખથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓએ જ આ ચાર્જ ચૂકવવાનો રહેશે.
ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરાયેલા આ ચાર્જીસથી વિશ્વની સૌથી મોટી રીયલ-ટાઈમ પેમેન્ટ સિસ્ટમ માટે મફત સુવિધાનો યુગ પૂરો થયો હોવાના સરકારે સંકેત આપ્યા છે. જોકે, આ ચાર્જીસથી પેમેન્ટ માટે યુપીઆઈ એપનો વપરાશ કરતા લાખો યુઝર્સમાં ગભરાટ ફેલાતો ટાળવાનો સરકારે પ્રયાસ કર્યો છે. વ્યક્તિથી વ્યક્તિના યુપીઆઈ પેમેન્ટ પર અમર્યાદિત રકમ પર કોઈ ચાર્જ લાગુ નહીં થાય, તેમાં કોઈ માસિક ક્વોટા પણ નથી તેમ એનપીસીઆઈએ કહ્યું હતું.
નાણાં સચિવે કહ્યું કે, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન વોલ્યુમના ૩૭ ટકા અને ટ્રાન્ઝેક્શન વેલ્યુના ૭૦ ટકા હિસ્સો ધરાવતા વ્યક્તિથી વ્યક્તિના યુપીઆઈ પેમેન્ટ પર કોઈ ચાર્જ લાગુ નહીં પડે. સરકારના જણાવ્યા મુજબ વ્યક્તિથી વેપારીના નાના મૂલ્યના ટ્રાન્ઝેક્શન જે કુલ યુપીઆઈ પેમેન્ટમાં ૯૫ ટકાથી વધુ છે તેના પર પણ આ ચાર્જીસથી કોઈ અસર નહીં થાય.
એનપીસીઆઈએ જણાવ્યું કે, રૂ. ૨,૦૦૧થી વધુના યુપીઆઈ પેમેન્ટ પર વેપારીઓ પાસેથી વસૂલવામાં આવનારો એમડીઆર ચાર્જ યુપીઆઈ પેમેન્ટ સુવિધા પૂરી પાડતી બેન્કો અને એપ પ્રોવાઈડર્સ વચ્ચે વહેંચવામાં આવશે. આ આવકથી બેન્કો અને યુપીઆઈ એપના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂતી, ઈનોવેશન, સાયબર સિક્યોરિટી અને કસ્ટમર સર્વિસમાં રોકાણ કરાશે. એક અહેવાલ મુજબ એમડીઆર ચાર્જીસથી યુપીઆઈ એપ અને બેન્કોને વર્ષ ૨૦૨૭-૨૮ સુધીમાં રૂ. ૨૨,૦૦૦ કરોડની આવક થશે.
આવશ્યક સેક્ટર્સમાં ફ્લેટ પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. ૫ ચાર્જ
- યુપીઆઈ એપ પ્લેટફોર્મ કે છુપા ચાર્જ વસૂલી શકશે નહીં
- રેલવે, ટેલિકોમ, વીમો, ફ્યુઅલ સેક્ટર્સ જેવા આવશ્યક સેક્ટર્સમાં પ્રતિ ટ્રાન્ઝેક્શન ફ્લેટ રૂ. ૫ એમડીઆર લાગુ પડશે.
- મ્યુચ્યુઅલ ફંડ્સ અને સ્ટોક બ્રોકર્સને પેમેન્ટ પર પ્રતિ ટ્રાન્ઝેક્શન ૦.૦૨ ટકા એમડીઆર લાગુ પડશે, જેમાં મહત્તમ રૂ. ૩૦૦થી વધુ વસૂલી શકાશે નહીં.
- યુપીઆઈ એપ ગ્રાહકો કે વેપારીઓ પાસેથી પ્લેટફોર્મ ચાર્જ કે છુપા ચાર્જીસ વસૂલી શકશે નહીં.
- વેપારીઓ યુપીઆઈ પેમેન્ટ્સ માટે એમડીઆર ચાર્જનો બોજ ગ્રાહકો પર ના નાંખે તેની ખાતરી કરવાનું કામ બેન્કોને સોંપાયું.
- નવા નિયમો હેઠળ ક્યુઆર કોડ મારફત માસિક રૂ. ૧ લાખથી ઓછું ટર્નઓવર ધરાવતા નાના વેપારીઓને કોઈ એમડીઆર લાગુ નહી ંપડે.
રૂ. ૭૫,૦૦૦થી વધુના કોઈપણ યુપીઆઈ પેમેન્ટ પર રૂ. ૩૦૦થી વધુ એમડીઆર વસૂલી શકાશે નહીં. - વેપારીએ રૂ. ૨,૦૦૦થી વધુના યુપીઆઈ પેમેન્ટ પર ૦.૪ ટકા લેખે અંદાજે રૂ. ૮, રૂ. ૩,૦૦૦ની ખરીદી પર રૂ. ૧૨ તેની એક્વાયર બેન્કને ચૂકવવા પડશે.
- એમડીઆર વ્યવસ્થાની અસર દેશના માત્ર ચાર ટકા વેપારીઓ પર પડશે.
- કુલ એમડીઆર કલેક્શનના પાંચ ટકા ભંડોળ નાના વેપારીઓ દ્વારા યુપીઆઈના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ખર્ચાશે.
નાના વપરાશકારો પર કોઈ અસર પડશે નહિં
યુપીઆઈ સિસ્ટમ ચલાવવાનો ખર્ચ કાઢવાનો પ્રયાસ કરાયો
યુપીઆઈના ચોક્કસ લિમિટ ઉપરના ટ્રાન્ઝેક્શનને ચાર્જેબલ બનાવીને સરકારે યુપીઆઈની સમગ્ર સિસ્ટમ ચલાવવા માટેનો ખર્ચ તના માધ્યમથી જ ઊભો કરી લેવાનું આયોજન કર્યું છે. આમ યુપીઆઈની પેમેન્ટ સિસ્ટમ ચલાવવાનો ખર્ચ કાઢી લેવાનો રસ્તો સરકારે શોધી કાઢ્યો છે. યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ થકી થતાં રુ. ૨૦૦૦થી વધુની રકમના પેમેન્ટ પર ચાર્જ લગાડવામાં આવ્યા હોવાથી ફળ, શાકભાજી કરિયાણું ખરીદનારાઓ પર તેની કોઈ જ મોટી અસર પડશે નહિ. તેમ જ કારણ કે તેમને રોજિંદા પેમેન્ટ રુ. ૨૦૦, ૫૦૦ કે રુ. ૧૦૦૦ના હોય છે. આમ આ ચાર્જમાંથી સમાજનો એક મોટો વર્ગ નીકળી જશે, એમ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્સ્ટ્રીઝના પૂર્વ પ્રમુખ પથિક પટવારીનું કહેવું છે. હા, રુ. ૨૦૦૦ કે તેનાથી મોટી રકમના પેમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ માટે કે પછી અન્ય હેતુઓ સર પેમેન્ટ કરનારાઓ માટે તેમના બેન્ક એકાઉન્ટમાંથી એસઆઈપી કે ઈએમઆઈના માધ્યમથી પેમેન્ટ કરાવવાના વિકલ્પ મોજૂદ છે.
ક્રેડિટ કાર્ડ પર પેમેન્ટ કરવા માટે તેઓ દોઢ ટકાથી માંડીને ત્રણ ટકા સુધીના ચાર્જ ચૂકવે જ છે. તેથી તેમને આ ચાર્જ વધારે લાગશે નહિ. છતાંય આ ચાર્જથી બચવા માટે ઓટોડેબિટ, એનઈએફટી, આઈએમપીએસના વિકલ્પનો આશરો લઈ શકશે. તેનું પરિણામ એ આવશે કે બેન્ક પર યુપીઆઈને કારણે ઓછો થયેલો લૉડ ફરી બેન્ક પર શિફ્ટ થશે.
આ ચાર્જ વેપારીએ ભરવાનો છે પરંતુ વેપારી તે ગમે તે રીતે ગ્રાહકને માથે નાખી દે તેવી સંભાવના વધારે છે. આ હુકમ માટે લોકો બહુ ડખા ન કરે તેવી સંભાવના છે.




