Get The App

અનેક રાજ્યોમાં 22 થી 24 જાન્યુઆરી વચ્ચે વરસાદ, હિમવર્ષાની શક્યતા

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
અનેક રાજ્યોમાં 22 થી 24 જાન્યુઆરી વચ્ચે વરસાદ, હિમવર્ષાની શક્યતા 1 - image

- સોનમર્ગમાં માઇનસ 8.3 તાપમાન, કાશ્મીર ઘાટીનું સૌથી ઠંડુ સ્થળ

- રાજસ્થાનમાં રાહત પરંતુ પંજાબ અને હરિયાણામાં ભારે ઠંડી, અમૃતસર 2.9 ડિગ્રી, ભિવાની 3 ડિગ્રી સાથે ઠંડાગાર

નવી દિલ્હી : હવામાનમાં મોટો ફેરફાર થવા જઇ રહ્યો છે, જેને પગલે ૧૦ જેટલા રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. આગામી સપ્તાહે પશ્ચિમી હિમાચલ ક્ષેત્રમાં સતત બે વેસ્ટર્ન ડિસ્ટર્બેંસ સક્રિય થઇ રહ્યા છે. જેને કારણે ૨૩ જાન્યુઆરી આસપાસ કેટલાક વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા પડી શકે છે. ૨૨થી ૨૪ જાન્યુઆરી દરમિયાન ઉત્તર પશ્ચિમી ભારતના મેદાની વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ડિસેમ્બરથી જાન્યુઆરીમાં ઉત્તરાખંડમાં વરસાદ નહોતો પડયો, હિમાચલ પ્રદેશમાં ૧૯૦૧ બાદથી ડિસેમ્બરમાં છઠ્ઠી વખત સૌથી ઓછો વરસાદ પડયો હતો. જ્યારે જમ્મુ કાશ્મીરમાં પણ વરસાદ અને હિમવર્ષા બન્ને ઓછા પડયા છે. ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ ઇન્ટિગ્રેટેડ માઉંટેન ડેવલપમેન્ટના સેટેલાઇટ ડેટા જણાવે છે કે હિમાચલમાં છેલ્લા બે દસકાથી સૌથી ઓછો વરસાદ પડયો છે. છેલ્લા ૨૩ વર્ષમાં આટલી નબળી સ્નો સીઝન જોવા નથી મળી. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ધરતીનું તાપમાન વધતુ રહેશે તો હિમવર્ષાની સીઝન ટૂંકી થતી જશે. 

હાલ પણ જમ્મુ કાશ્મીર, દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, હિમાચલમાં કોલ્ડવેવની સ્થિતિ છે. જમ્મુ કાશ્મીરના પર્યટન સ્થળ સોનમર્ગમાં તાપમાન માઇનસ ૮.૩ ડિગ્રી રહ્યું હતું, જે ઘાટીનો સૌથી ઠંડો પ્રદેશ રહ્યું છે. શોપિયાં અને પુલવામામાં તાપમાન માઇનસ ૪.૭ અને માઇનસ ૫.૧ ડિગ્રી નોંધાયું હતું. રાજસ્થાનના જયપુરનું તાપમાન સોમવારે સવારે ૧૩.૭ ડિગ્રી રહ્યું, પંજાબના અમૃતસરમાં તાપમાન ૨.૯ ડિગ્રી નોંધાયું હતું. પંજાબ અને હરિયાણાની રાજધાની ચંડીગઢનું તાપમાન ૬ ડિગ્રી નોંધાયું હતું. હરિયાણાના ભિવાનીનું તાપમાન ૩ ડિગ્રી રહ્યું જે રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ બન્યું હતું.