દિલ્હીમાં નેતાઓ પણ સુરક્ષિત નહીં! સંસદ નજીક મોર્નિંગ વૉક વખતે મહિલા સાંસદની સોનાની ચેઇન લૂંટાઇ
Chain Snatched in Delhi: દિલ્હીમાં હવે નેતાઓ પણ સુરક્ષિત રહ્યા નથી અને તેમની સુરક્ષા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. સોમવારે (ચોથી ઓગસ્ટ) સવારે દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં કોંગ્રેસના સાંસદ સુધા રામકૃષ્ણનના ગળામાંથી અજાણ્યો શખસ સોનાની ચેઇન ખેંચીને ફરાર થઈ ગયો હતો. આ મામલે દિલ્હી પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
કોંગ્રેસ સાંસદ સુધા રામકૃષ્ણને કેન્દ્રીય ગૃહમંત્રીને લખ્યો પત્ર
અહેવાલો અનુસાર, સોમવારે સવારે કોંગ્રેસ સાંસદ સુધા રામકૃષ્ણન મોર્નિંગ વૉક માટે ગયા હતા. આ દરમિયાન બદમાશો આવ્યા અને તેમની ચેઇન છીનવીને ફરાર થઈ ગયા હતા. આ ઘટના પછી, તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર પણ લખ્યો છે. જેમાં તેમણે લખ્યું- સ્કૂટર પર સવાર એક શખસે મારી ચેઇન છીનવી લીધી હતી. તેણે હેલ્મેટથી ચહેરો છુપાવ્યો હતો.'
દિલ્હીના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 'આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. આરોપીઓને શોધવા અને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ કરવામાં આવી રહી છે.' નોંધનીય છે કે આ ઘટના સંસદની ખૂબ જ નજીકના વિસ્તારમાં બની હતી.
નેતાઓની સુરક્ષા સામે સવાલ
ઉલ્લેખનીય છે કે, હાલમાં સંસદનું સત્ર ચાલી રહ્યું છે અને આવા સમયે આ વિસ્તારમાં સુરક્ષા અત્યંત કડક હોય છે. તેમ છતાં ચેઇન સ્નેચિંગ ઘટના બની હતી. આ ઘટના બાદ દિલ્હીમાં નેતાઓની સુરક્ષા પર સવાલો ઊભા થઈ રહ્યા છે.