ભારતને ચાબહાર પોર્ટ પરનાં અમેરિકન પ્રતિબંધોમાંથી ૬ મહિનાની મુક્તિ
રશિયા પાસેથી તેલની આયાત ઘટાડવા ભારતનું વલણ ખૂબ જ સારુ અને ભારત રશિયન ઓઇલની ખરીદી ઘટાડશે ઃ ટ્રમ્પનો ફરી દાવો
રશિયન ઓઇલ કંપનીઓ લુકોઇલ અને રોઝનેફ્ટ પર અમેરિકાએ મૂકેલા પ્રતિબંધોનાં પરિણામોની સમીક્ષા થઇ રહી છે ઃ ભારત
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૩૦
અમેરિકાએ ઇરાનનાં ચાબહાર પોર્ટ પર અમેરિકન પ્રતિબંધોમાંથી
ભારતને છ મહિનાની મુક્તિ આપી છે તેમ ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું
છે.
આ પ્રતિબંધો ૨૯ સપ્ટેમ્બરથી અમલમાં આવવાનાં હતાં પણ બંને
પક્ષોની મંત્રણા પછી એક મહિનાની મુક્તિ આપવામાં આવી હતી. હવે ૨૯ ઓક્ટોબરથી
પ્રતિબંધોમાંથી છ મહિનાની મુક્તિ આપવામાં આવી છે.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જૈસવાલે પત્રકાર
પરિષદમાં જણાવ્યું હતું કે ઇરાનના ચાબહાર પોર્ટ પરનાં પ્રતિબંધોમાંથી અમેરિકાએ
ભારતને છ મહિનાની મુક્તિ આપી છે.
ઇરાનનાં દક્ષિણ કાંઠે આવેલા સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં
સ્થિત ચાબહાર પોર્ટનાં વિકાસમાં ભારતની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે.
બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે રશિયા પાસેથી
તેલની આયાત ઘટાડવા મુદ્દે ભારતનું વલણ ખૂબ જ સારુ રહ્યું છે. તેમણે ફરી એક વખત
દાવો કર્યો છે કે ભારત રશિયા પાસેથી ઓઇલની ખરીદી ઘટાડશે.
બુશાનમાં ચીનના પ્રમુખ જિનપિંગ સાથેની સમિટ પછી વોશિંગ્ટન
પરત ફરતી વખતે એર ફોર્સ વનમાં પત્રકારોએ રશિયા પાસેથી ઓઇલ ખરીદી અંગે પ્રશ્ર
પૂછ્યો હતો. જેના જવાબમાં ટ્રમ્પે આ દાવો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ છેલ્લા કેટલાક સમયથી દાવો કરી
રહ્યાં છે કે ભારતે તેમને ખાતરી આપી છે કે તે રશિયા પાસેથી ઓઇલની ખરીદીમાં મોટા
પ્રમાણમાં ઘટાડો કરશે.
આ દરમિયાન ભારતે જણાવ્યું છે કે તેની ક્રૂડ ઓઇલની ખરીદી
વિવિધ સ્ત્રોતોમાંથી પોષણક્ષમ ભાવે ઉર્જા સુરક્ષા મેળવવા પર આધારિત છે અને તે
રશિયન ઓઇલ કંપનીઓ લુકોઇલ અને રોઝનેફ્ટ પર અમેરિકાએ મૂકેલા પ્રતિબંધોનાં પરિણામોની
સમીક્ષા કરી રહ્યું છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલની આ ટિપ્પણી એવા
સમયે આવી છે જ્યારે એવા સંકેતો મળી રહ્યાં છે કે ભારતીય રિફાઇનરો સબસિડીવાળા રશિયન
ક્રૂડ ઓઇલની ખરીદી ધીમે ધીમે ઘટાડી રહ્યાં છે અને અમેરિકામાંથી પેટ્રોલિયમ
ઉત્પાદનોની આયાત પર નજર રાખી રહ્યાં છે.

