Get The App

કેન્દ્રનો વીમા પ્રીમિયમ પરના જીએસટીને દૂર કરવાનો પ્રસ્તાવ, રાજ્યો સંમત

Updated: Aug 21st, 2025

GS TEAM

Google News
Google News
કેન્દ્રનો વીમા પ્રીમિયમ પરના જીએસટીને દૂર કરવાનો પ્રસ્તાવ, રાજ્યો સંમત 1 - image


- હાલમાં વીમા પ્રિમિયમ પર 18 ટકા જીએસટી વસૂલ કરાય છે

- વ્યકિતગત વીમા પોલિસીઓ પરનો જીએસટી દૂર કરાશે તો વાર્ષિક આવકમાં રૂ. 9700 કરોડનો ઘટાડો થશે

- આગામી સપ્તાહોમાં કેન્દ્ર સરકાર જીએસટી સુધારાઓ અંગે રાજ્યો સાથે સંમતિ સાધવાનું કાર્ય કરશે : નિર્મલા સિતારમન

નવી દિલ્હી : કેન્દ્રે જીવન અને આરોગ્ય વીમા પોલિસીને જીએસટીમાંથી મુક્તિ આપવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો છે તેમ બિહારના નાયબ મુખ્યપ્રધાન અને વીમા અંગે રચાયેલ મંત્રીઓના જૂથ (જીઓએમ)ના સંયોજક સમ્રાટ ચૌધરીએ એક નિવેદનમાં જણાવ્યું છે.

હાલમાં જીવન વીમા અને આરોગ્ય વીમા પોલીસીના પ્રિમિયમની ચુકવણી પર ૧૮ ટકા જીએસટી વસુલ કરવામાં આવે છે. વીમા અંગે રચાયેલ મંત્રીઓના જૂથની અહીં યોજાયેલ બેઠકમાં લગભગ તમામ રાજ્યોએ આ પ્રસ્તાવનું સમર્થન કર્યુ હતું.

જો કે તેલંગણાના નાયબ મુખ્યપ્રધાન મલ્લુ ભટ્ટી વિક્રમાર્કે જણાવ્યું છે કે રાજ્યોએ  એ સુનિશ્ચિત કરવાની માંગ કરી છે કે ટેક્સમાં ઘટાડોનો લાભ કંપનીઓને નહીં પણ ડાયરેક્ટ પોલિસીધારકોને મળવો જોઇએ. 

તેમણે જણાવ્યું હતું કે રાજ્યો ઇચ્છે છે કે ટેક્સના દરમાં ઘટાડો કરવામાં આવે અથવા તેમાંથી મુક્તિ આપવામાં આવે. કેટલાક રાજ્યોએ માંગ કરી છે કે એવી વ્યવસ્થાની રચના કરવામાં આવે જેથી દરોમાં ઘટાડાનો લાભ લોકો સુધી પહોંચી શકે. જીએસટી કાઉન્સિલ આ વ્યવસ્થા અંગે નિર્ણય લેશે.

વિક્રમાર્કે જણાવ્યું હતું કે વ્યકિતગત વીમા પોલિસી પર જીએસટી મુક્તિ આપવાથી જીએસટીની આવકમાં વર્ષે ૯૭૦૦ કરોડ રૂપિયાનો નુકસાન થવાનો અંદાજ છે. ૨૦૨૩-૨૪માં આરોગ્ય વીમાના પ્રિમિયમ પર ૮૨૬૪.૯૪ કરોડ રૂપિયા જીએસટી વસૂલવામાં આવ્યો હતો.

આ દરમિયાન નાણા પ્રધાન નિર્મલા સિતારમને જણાવ્યું છે કે જીએસટી સુધારાઓ ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી સપ્તાહોમાં કેન્દ્ર સરકાર જીએસટી સુધારાઓ અંગે રાજ્યો સાથે સંમતિ સાધવાનું કાર્ય કરશે.

નાણા પ્રધાન નિર્મલા સિતારમન આજે રાજ્યોના જીએસટી અંગેના ગુ્રપ ઓફ મિનિસ્ટર્સ (જીઓએમ)ને મળ્યા હતાં. આ બેઠકમાં નાણા પ્રધાને જીએસટી સુધારાઓની જરૂરિયાત સમજાવી હતી.

Tags :