Get The App

દિલ્હી બ્લાસ્ટ અંગે મોટો નિર્ણય, કેસની તપાસ NIA ને સોંપાઈ, કાશ્મીરથી ત્રણની અટકાયત

Updated: Nov 11th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હી બ્લાસ્ટ અંગે મોટો નિર્ણય, કેસની તપાસ NIA ને સોંપાઈ, કાશ્મીરથી ત્રણની અટકાયત 1 - image


Car Blast In Delhi’s Red Fort: દિલ્હીમાં આતંકી ષડયંત્રની ગંભીર આશંકા વચ્ચે એક ભયાનક બ્લાસ્ટની ઘટના સામે આવી છે. 10 નવેમ્બરની સાંજે લાલ કિલ્લાથી માત્ર 300 મીટર દૂર મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેમાં શરુઆતમાં 8 લોકોના મોત થયા હતા, જેનો મૃત્યુઆંક આજે વધીને 13 પર પહોંચી ગયો છે. હવે આ ગંભીર કેસની તપાસ હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપવામાં આવી છે, જે આ મામલે આતંકી કાવતરાના એંગલથી તપાસ શરુ કરશે.


કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લીધો નિર્ણય

અહેવાલો અનુસાર, દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસ હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે અને તપાસ NIAને સોંપી દીધી છે. મંગળવારે (11મી નવેમ્બર) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી જેમાં વિસ્ફોટની તપાસ NIA પાસે કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ત્રણ શંકાસ્પદોની અટકાયત

અહેવાલો અનુસાર, દિલ્હી બ્લાસ્ટ મામલે પોલીસે જમ્મુ અને કાશ્મીરમાંથી ત્રણ શંકાસ્પદોની અટકાયત કરી છે. તારિક અહેમદ મલિક (ગુલામ અહેમદ મલિકનો પુત્ર) એટીએમ ગાર્ડ છે. આમિર રાશીદ અને ઉમર રાશીદની અટકાયત કરાઈ છે, આ ત્રણેય પુલવામા જિલ્લાના રહેવાસી છે. અહેવાલો અનુસાર, તારિક અહેમદ અને આમિર રાશીદને શ્રીનગર લાવવામાં આવ્યા છે, જ્યારે ઉમર રાશીદ હાલમાં પંપોર પોલીસ સ્ટેશનમાં છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક ડૉક્ટર સામે સકંજો, પુલવામાથી સજ્જાદ અહેમદ માલાની ધરપકડ

દિલ્હીમાં મૃત્યુઆંક વધીને 13 થયો 

દિલ્હી પોલીસના અહેવાલ અનુસાર, દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં મૃતકાંક વધીને 13 થઈ ગયો છે. જોકે હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. કેમ કે બ્લાસ્ટને કારણે લોકોના શરીરના ચીથરાં ઉડી ગયા છે. જેના કારણે તેમની ઓળખ કરવા માટે લાંબી પ્રક્રિયા હાથ ધરવી પડે એમ છે.

હુમલામાં વપરાયેલી કારના ચાલકના DNA ટેસ્ટ કરાવાશે 

દિલ્હી બ્લાસ્ટમાં વપરાયેલી કારમાં સવાર યુવક ફરીદાબાદનો ડૉક્ટર ઉમર મોહમ્મદ હોવાનો તપાસ એજન્સીઓ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. હવે આ વાતની પુષ્ટિ કરવા માટે કાર ચાલકના DNA ટેસ્ટ કરાવવામાં આવશે. 


Tags :