કેન્દ્રીય કર્મચારીઓને દશેરાની ભેટ, સરકારે જાહેર કર્યું 30 દિવસનું બોનસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Central Govt Bonus 2025 : ભારતમાં તહેવારોની મોસમની શરૂઆત થતાં જ કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. નાણાં મંત્રાલયે સોમવારે એક આદેશ જારી કરીને ગ્રુપ-સી અને બિન-રાજપત્રિત ગ્રુપ-બી કેન્દ્રીય કર્મચારીઓ માટે 30 દિવસના વેતન બરાબર નોન-પ્રોડક્ટિવિટી લિન્ક્ડ (એડ-હૉક) બોનસની જાહેરાત કરી છે.
કેટલું મળશે બોનસ?
નાણાં મંત્રાલયના આદેશ મુજબ, નાણાકીય વર્ષ 2024-25 માટે કર્મચારીઓને મહત્તમ 6908 રૂપિયાનું બોનસ મળશે. આ બોનસનો લાભ એવા કર્મચારીઓને મળશે, જેઓ 31 માર્ચ-2025 સુધી સેવામાં રહ્યા હોય અને જેમણે ઓછામાં ઓછા 6 મહિનાની સતત સેવા આપી હોય. આ યોજનામાં કેન્દ્રીય અર્ધસૈનિક દળો અને સશસ્ત્ર દળોના તમામ કર્મચારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
કેન્દ્ર શાસિત પ્રદેશોના કર્મચારીઓને પણ લાભ
આ ઉપરાંત, કેન્દ્ર સરકારના પગાર માળખા મુજબ વેતન મેળવતા કેન્દ્ર શાસિત પ્રદેશોના કર્મચારીઓને પણ બોનસનો લાભ મળશે. સરકારે સ્પષ્ટ કહ્યું કે, જે કર્મચારીઓએ આખું વર્ષ સેવા આપી છે, તેમને 6908 રૂપિયાનું બોનસ મળશે. જોકે, જેમણે પૂરા 12 મહિના કામ કર્યું નથી, તેમને પ્રો-રાટા (કામ કરેલા મહિના મુજબ)ના આધારે બોનસની રકમ ચૂકવવામાં આવશે.
આ પણ વાંચો : 'મને અસહનીય દુઃખ થઈ રહ્યું છે...' કરુરમાં નાસભાગ અંગે એક્ટર વિજયની પહેલી પ્રતિક્રિયા
એડ-હૉક અને કેઝ્યુઅલ કર્મચારીઓને પણ મળશે બોનસ
કેન્દ્રીય કર્મચારીઓ ઉપરાંત, સરકારે એડ-હૉક અને કેઝ્યુઅલ કર્મચારીઓ માટે પણ બોનસ આપવાની જાહેરાત કરી છે. છેલ્લા ત્રણ વર્ષથી સતત સેવા આપતા કેઝ્યુઅલ કર્મચારીઓને 1184 રૂપિયા બોનસ અપાશે.
કેન્દ્ર સરકારના નિર્ણયથી લાખો કર્મચારીઓને લાભ
એડ-હૉક બોનસની ગણતરી માટે સરકારે માસિક પગારની મહત્તમ મર્યાદા 7000 નક્કી કરી છે. બોનસની ગણતરી કર્મચારીના સરેરાશ પગાર અથવા મહત્તમ મર્યાદામાંથી જે ઓછું હશે, તેના 30 દિવસના વેતનના આધારે કરવામાં આવશે. ઉદાહરણ મુજબ જો કોઈ કર્મચારીનો માસિક પગાર 7000 છે, તો 30 દિવસનું બોનસ લગભગ 6907 જેટલું થશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લાખો કર્મચારીઓને મોટો લાભ થશે અને તહેવારોની આ મોસમમાં તેમના ઘરોમાં ખુશીઓ આવશે.
આ પણ વાંચો : 'ઈતિહાસમાં આવું ક્યારેય નથી જોયું..', નાસભાગમાં લોકોની દુર્દશા જોઈ હચમચ્યા CM સ્ટાલિન









