India

કેન્દ્રનો નવો કાયદો મીડિયાની આઝાદી છીનવશે : 21 મીડિયા કંપની સુપ્રીમમાં

By GS Team
27 Oct 20263 mins read
TukuTouch Logo
નવી દિલ્હી: મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સહિત 21 મીડિયા કંપનીઓએ કેન્દ્ર સરકારના નવા પ્રાઇવસી કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. 690થી વધુ પાનાની અરજીમાં દાવો કરાયો છે કે આ કાયદો પત્રકારોને સોર્સ જાહેર કરવા મજબૂર કરશે અને ઇન્વેસ્ટિગેટિવ પત્રકારત્વનો અંત લાવશે. મંગળવારે આ અરજી પર સુનાવણી થશે. અરજદારો મે 2027થી અમલમાં આવનારા કાયદાની અમુક જોગવાઈઓ રદ કરવાની માંગ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેન્દ્રનો નવો કાયદો મીડિયાની આઝાદી છીનવશે : 21 મીડિયા કંપની સુપ્રીમમાં
  • સુપ્રીમમાં ૬૯૦થી વધુ પાનાની અરજી પર આજે સુનાવણીના અહેવાલ
  • પત્રકારે ઇન્વેસ્ટિગેશન પહેલા વ્યક્તિની મંજૂરી લેવી પડશે જેનાથી ઇન્વેસ્ટિગેટિવ પત્રકારત્વ જ નહીં બચે : અરજીમાં દાવો

નવી દિલ્હી : બિઝનેસમેન મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની માલિકી સહિતની આશરે ૨૧ મીડિયા કંપનીઓ કેન્દ્રની મોદી સરકારના પ્રાઇવસી માટેના નવા કાયદા સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. જેમાં એવી દલીલ કરવામાં આવી છે કે સરકારનો નવો કાયદો પત્રકારોને પોતાના વિશ્વસનિય સુત્રો જાહેર કરવા મજબુર કરશે, સાથે ઇન્વેસ્ટિગેટિવ વર્કને જ કચડી નાખશે. આ દાવો એક મીડિયા રિપોર્ટના અહેવાલમાં કરવામાં આવ્યો છે.
આ રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ભારતના ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિએશન ડીએનપીએ દ્વારા સુપ્રીમ કોર્ટમાં આ કાયદા સામે અપીલ કરવામાં આવી છે. જેમાં ૨૧ જેટલી મીડિયા કંપનીઓ, પબ્લિશર્સ વગેરે સામેલ છે. અરજદારોની એવી દલીલ છે કે મે ૨૦૨૭થી પ્રાઇવસી કાયદાના સુધારાઓનો અમલ થવા જઇ રહ્યો છે જેમાં એવી જોગવાઇ છે જે મીડિયાની સ્વતંત્રતા પર અસર કરી રહી છે માટે તેને રદ કરવામાં આવે. ૬૯૮ પેજની આ અપીલમાં જણાવવામાં આવ્યું છે કે નવા કાયદા પત્રકાર કે એડિટરને પોતાના સમાચારના સોર્સ પણ જાહેર કરવા મજબુર કરશે, જેને પગલે ઇન્વેસ્ટિગેટિવ પત્રકારત્વનો અંત આવી જશે. કેટલીક જોગવાઇઓ સેન્સરશિપ સમાન છે, જે લોકશાહીવાળા દેશમાં અભિશાપ સમાન ગણાશે. જે કાયદાને પડકારવામાં આવ્યો છે તેને ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન લો તરીકે ઓળખવામાં આવે છે. જે મુખ્યત્વે પ્રાઇવસી સાથે સંકળાયેલો છે.
મીડિયા કંપનીઓને સરકાર તરફથી ઓગસ્ટ મહિનામાં એવી ખાતરી આપવામાં આવી હતી કે કાયદામાં સુધારાથી મીડિયાની સ્વંતત્રતા ના છીનવાય તેની કાળજી રાખવમાં આવશે. જોકે સરકાર તરફથી કોઇ લેખિતમાં ખાતરી આપવામાં નથી આવી. મીડિયા કંપનીઓ દ્વારા થયેલી આ અરજીની મંગળવારે સુનાવણી કરવામાં આવશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધી માત્ર એક્ટિવિસ્ટ્સ અને નાના ગુ્રપ દ્વારા જ સરકારના કાયદામાં આ સુધારાને પડકારાયા હતા. જોકે પ્રથમ વખત મોટી મીડિયા કંપનીઓ પણ હવે સરકારના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે પત્રકાર કોઇનું ઇન્વેસ્ટિગેટ કરવા માગતો હોય તો પહેલા તેની મંજૂરી લેવી પડશે અને પછી તેની સામે ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ તૈયાર કરી શકશે. જોકે આવુ કરવામાં ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ જ તૈયાર નહીં થઇ શકે અને પુરાવાઓનો નાશ થઇ જશે. એટલુ જ નહીં પબ્લિશર્સને સ્ટોરીઓ હટાવવા મજબૂર પણ કરવામાં આવી શકે છે.
મીડિયા કંપનીઓને એવી ચિંતા છે કે નવા કાયદા હેઠળ ઉભી કરવામાં આવનારી ઓથોરિટી નવા નિયમોનું પાલન ના કરવા બદલ આર્થિક દંડ કરી શકે છે. સાથે જ નવો કાયદો જાહેર હિતના નામે સરકારને કોઇ પણ માહિતીમાં એક્સેસ બ્લોક કરવાની સત્તા આપશે જેનાથી પ્રેસ ફ્રીડમ પર અસર થશે. એટલુ જ નહીં ભ્રષ્ટાચાર, ચૂંટણીમાં ગેરરિતીઓ કે અન્ય કોઇ પણ માહિતી વ્હીસલબ્લોઅર્સ આપતા પહેલા ડરશે. માટે આવી તમામ વાંધાજનક જોગવાઇઓને રદ કરવામાં આવે તેવી માગણી આ અરજીમાં કરવામાં આવી છે જેની મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે. આ નવા કાયદા મુજબ કોઇ પણ કંપની કે સંગઠને જો કોઇના ડેટા મેળવવા હોય તો પહેલા ડેટા સાથે સંકળાયેલ વ્યક્તિની મંજૂરી લેવી પડશે. સાથે જ સ્પષ્ટ જણાવવું પડશે કે ડેટા કેમ જોઇએ છે. પત્રકારોને તેમાંથી બાકાત રાખવાની માગણી કરાઇ છે.