Get The App

કેન્દ્રનો યુ-ટર્ન : મોબાઇલમાં સંચાર સાથી એપ પ્રી-ઇન્સ્ટોલ કરવી ફરજિયાત નહીં

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
કેન્દ્રનો યુ-ટર્ન : મોબાઇલમાં સંચાર સાથી એપ પ્રી-ઇન્સ્ટોલ કરવી ફરજિયાત નહીં 1 - image


- તમામ સુધી એપ પહોંચે તે માટે ઇન્સ્ટોલ કરવા આદેશ આપ્યો હતો : કેન્દ્ર

- એપનો ઉદ્દેશ્ય ખોવાયેલા-ચોરાયેલા મોબાઇલને ટ્રેક કે બ્લોક કરવાનો હતો જેથી દુરુપયોગ અટકાવી શકાય : કેન્દ્ર

- એપ દ્વારા સરકાર જાસૂસી કરાવવા માગતી હોવાના વિપક્ષના આરોપો બાદ અંતે ફરજિયાતનો આદેશ પડતો મુકાયો

નવી દિલ્હી : સરકારે સાયબર સિક્યોરિટી એપ્લિકેશન ફરજિયાત ઇન્સ્ટોલ કરવા માટે સ્માર્ટફોન બનાવતી કંપનીઓને આદેશ આપ્યો હતો. જોકે આ મુદ્દે ભારે વિવાદ થયો હતો અને કેટલીક કંપનીઓએ આ આદેશનું પાલન કરવાની ના પાડી દીધી હતી. જેને પગલે અંતે સરકારે પોતાનો આ વિવાદિત આદેશ પરત લેવો પડયો હતો. સરકારે દાવો કર્યો હતો કે આ એપ્લિકેશન લોકોના મોબાઇલની સુરક્ષા અને તેના દુરુપયોગને અટકાવવા માટે જ લોન્ચ કરાઇ હતી.  

સરકારે અગાઉ જે આદેશ જારી કર્યો હતો તેમાં કંપનીઓને કહ્યું હતું કે તેઓ ગ્રાહકોને મોબાઇલ વેચે તે પહેલા જ તેમાં સંચાર સાથી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી રાખે. સાથે જ સરકારનો દાવો હતો કે આ એપ્લિકેશન દ્વારા કોઇ પણ પ્રકારની જાસૂસી નથી થતી પરંતુ તે ચોરાયેલા કે ખોવાયેલા મોબાઇલને બ્લોક કરવા કે ટ્રેક કરવામાં મદદરૂપ થાય છે. 

આવુ થવાથી મોબાઇલનો દુરુપયોગ થતો પણ અટકાવી શકાશે. જોકે આ એપ્લિકેશન એપ સ્ટોર પર વૈકલ્પિક એપ તરીકે ઉપલબ્ધ રહેશે પરંતુ તેને ઇન્સ્ટોલ કરવી ફરજિયાત નથી તેવી સ્પષ્ટતા સરકાર દ્વારા કરવામાં આવી છે. 

કેન્દ્ર સરકારના સંચાર મંત્રાલય દ્વારા એક સ્પષ્ટતા કરતું નિવેદન જાહેર કરવામાં આવ્યુ હતું કે આ એપ્લિકેશન મોબાઇલમાં રાખવી ફરજિયાત નથી. આ પહેલા વિપક્ષ અને પ્રાઇવસી સાથે જોડાયેલા સંગઠનોએ ેેદાવો કર્યો હતો કે સરકારની સંચાર સાથી એપ્લિકેશનની મદદથી સરકાર લોકોની જાસૂસી કરવા માગે છે તેનાથી લોકોના પ્રાઇવેસીનો ભંગ થશે. એપલ અને સેમસંગે પણ આ અંગે વાંધો ઉઠાવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. 

વિવાદ વચ્ચે મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે આ એપના યૂઝર્સની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. 

ફરજિયાત એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવવાનો ઉદ્દેશ્ય એવા લોકોને પણ આ એપ ઉપલબ્ધ કરાવવાનો હતો કે જેઓને તેના વિશે વધુ જાણકારી નથી. 

Tags :