Get The App

દેશમાં વસતી ગણતરી 2025માં, સેન્સસની પેટર્ન બદલાશે

Updated: Oct 29th, 2024

GS TEAM


Google News
Google News
દેશમાં વસતી ગણતરી 2025માં, સેન્સસની પેટર્ન બદલાશે 1 - image


- 2021માં કોરોના મહામારીને કારણે વસતી ગણતરી નહોતી થઇ શકી

- લોકોને પ્રથમ વખત સંપ્રદાય પૂછવામાં આવે તેવી શક્યતા, જાતિ આધારીત વસતી ગણતરી અંગે સ્પષ્ટતા નહીં : 2026માં શરૂ થનારું લોકસભા બેઠકોનું સીમાંકન 2028માં પૂરું થશે

- વસતી વધારા પર કાબુ મેળવનારા રાજ્યોને સિમાંકનમાં અન્યાય થશે, સરકાર સર્વપક્ષીય બેઠક બોલાવે : કોંગ્રેસ

નવી દિલ્હી : દર ૧૦ વર્ષે થતી વસતી ગણતરી વર્ષ ૨૦૧૧ બાદ ૨૦૨૧માં થવાની હતી, જોકે કોરોના મહામારીને કારણે નહોતી થઇ શકી. હવે કેન્દ્ર સરકાર આગામી વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૫માં વસતી ગણતરી કરવાની તૈયારી કરી રહી હોવાના અહેવાલો છે. આગામી વર્ષે શરૂ થનારી વસતી ગણતરીની પ્રક્રિયા વર્ષ ૨૦૨૬ સુધી ચાલી શકે છે. જે બાદ પછી વર્ષ ૨૦૩૫માં ફરી વસતી ગણતરી કરવામાં આવશે.

વસતી ગણતરી પૂર્ણ કર્યા બાદ સરકાર લોકસભાની બેઠકોનું સિમાંકન કરી શકે છે. સિમાંકનની પ્રક્રિયા વર્ષ ૨૦૨૮ સુધી પૂર્ણ થવાની શક્યતાઓ છે. વિપક્ષ જાતિ આધારીત વસતી ગણતરીની માગણી કરી રહ્યો છે જોકે કેન્દ્ર સરકારે હજુસુધી જાતિ આધારીત વસતી ગણતરી અંગે કોઇ નિર્ણય જાહેર નથી કર્યો. જેને પગલે અગાઉની પદ્ધતિ મુજબ જ વસતી ગણતરી કરવામાં આવી શકે છે. હાલમાં ધર્મ, વર્ગ પૂછવામાં આવે છે સાથે જ એસસી, એસટી અને સામાન્ય કેટેગરીમાં વસતી ગણતરી થાય છે. જોકે આ વખતે લોકોને એમ પણ પૂછવામાં આવી શકે છે કે તેઓ ક્યા સંપ્રદાયમાં માને છે. જેમ કે કર્ણાટકમાં સામાન્ય વર્ગ સાથે સંકળાયેલા લિંગાયત સમાજના લોકો પોતાને અલગ સંપ્રદાયના માને છે. તેથી સરકાર ધર્મ, વર્ગની સાથે સંપ્રદાયને પણ સામેલ કરવા અંગે વિચારી રહી છે. 

હાલમાં ઇન્ટરનેટના ઉપયોગનું પ્રમાણ વધ્યું છે તેથી જે વસતી ગણતરી કરવામાં આવશે તેમાં ડિજિટલ પદ્ધતી અપનાવવામાં આવશે. સરકાર આ માટે વિશેષ પોર્ટલ પણ જાહેર કરી શકે છે. લોકોને પૂછવામાં આવનારા કુલ ૩૧ સવાલોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. જ્યારે વસતી ગણતરીના આંકડા વર્ષ ૨૦૨૬માં જાહેર કરવામાં આવશે.  સરકાર આગામી વર્ષે જ વસતી ગણતરી શરૂ કરે તેવી શક્યતાઓ વચ્ચે વિપક્ષે સર્વપક્ષીય બેઠક બોલાવવાની માગણી કરી છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું છે કે શું સરકાર તમામ જાતિની વસતી ગણતરી કરશે? જો સિમાંકન કરવામાં આવે તો તે રાજ્યો સાથે અન્યાય નહીં થાય જેમણે વસતી વધારાને કન્ટ્રોલમાં રાખવામાં સફળતા પ્રાપ્ત કરી છે?  આ મુદ્દે ચર્ચા કરવા સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઇએ.  દક્ષિણ ભારતના અનેક રાજ્યો અને રાજકીય પક્ષોએ દાવો કર્યો છે કે તેઓએ વસતી વધારાને કન્ટ્રોલમાં કરવામાં સફળતા મેળવી છે. જો સરકાર વસતીના આધારે લોકસભાની બેઠકોનું સિમાંકન કરશે તો દક્ષિણ ભારતના રાજ્યોનું લોકસભામાં પ્રતિનિધિત્વ ઘટી જશે.  જે સવાલો પૂછવામાં આવશે તેમાં ઘરના વડા મહિલા છે કે કેમ? મોબાઇલ-સ્માર્ટફોન, સાઇકલ, સ્કૂટર મોપેડ, કાર કે જીપ અથવા વાન છે કે કેમ? ઘરમાં કેટલા રૂમ છે, પરણિત લોકો ઘરમાં કેટલા છે, કિચન, એલપીજી-પીએનજી કનેક્શન, પાણી, રેડિયો, ટીવી વગેરે અંગે પણ પૂછવામાં આવી શકે છે. સ્વતંત્ર ભારતમાં સૌથી પહેલા ૧૯૫૧માં વસતી ગણતરી થઇ હતી અને છેલ્લે ૨૦૧૧માં થઇ હતી.   

Tags :