શસ્ત્રવિરામનો અમલ યથાવત્ : દેશભરમાં હાશકારો
- દિવસભર અજંપાભરી પરિસ્થિતિ પછી બન્ને દેશોનું ડહાપણ
- ચીને પાક.ને મદદનો નિર્ણય લેતા અમેરિકા ભડક્યું : મહાયુદ્ધનો ભય ટાળવા ટ્રમ્પે આપેલા સીઝફાયરના આદેશનો ભારત-પાક.ને અમલ કરવો પડયો
- ભારતે વિદેશ નીતિમાં સજાગ રહેવું પડશે : પાક.ને ચીનની નજીક ના જવા દેવાય
- પહલગામ-આતંકવાદનો મુદ્દો હતો, એકાએક કાશ્મીરનું ભૂત કેમ ધૂણ્યું : દેશમાં ચર્ચાતો સવાલ
- તૂર્કી, અઝરબૈજાન, ચીન પાકિસ્તાનના સમર્થનમાં આગળ આવ્યા, પરંતુ ભારતના સમર્થનમાં કોઈ દેશ નહીં
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે અચાનક જાહેર થયેલા યુદ્ધવિરામ પછી રવિવારે પાકિસ્તાને કોઈ છમકલું કર્યું નહોતું, જેને પગલે ભારતે પણ પાકિસ્તાન પર કોઈ હુમલો કર્યો નહોતો. રવિવારે આખો દિવસ ભારત અને પાકિસ્તાન બંનેમાં અજંપાભરી સ્થિતિ રહી હતી. સરહદો પર શાંતિ જળવાતા દેશભરમાં નાગરિકોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે, ભારત-પાકિસ્તાનની યુદ્ધ જેવી સ્થિતિમાં અચાનક અમેરિકા કૂદી પડયું હોવા મુદ્દે સુરક્ષા નિષ્ણાતોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. કેટલાક નિષ્ણાતોએ દાવો કર્યો હતો કે, ભારત-પાકિસ્તાન વચ્ચેનું ઘર્ષણ પૂર્ણ સ્તરના યુદ્ધ તરફ આગળ વધી રહ્યું હતું અને આ સંભવિત યુદ્ધમાં ચીન પણ પાકિસ્તાનના સમર્થનમાં કૂદી પડે તેવા અહેવાલોથી અમેરિકા ભડકી ગયું હતું. આથી ટ્રમ્પે ભારત-પાકિસ્તાનને યુદ્ધવિરામની ફરજ પાડી હોવાનું માનવામાં આવે છે.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ૨૨ એપ્રિલે આતંકી હુમલા પછી આખા દેશમાં ભારે આક્રોશ ફેલાયેલો હતો ત્યારે ભારતે પહેલગામમાં આતંકી હુમલાનો બદલો લેવા, પાકિસ્તાનની ભૂમિ પરથી ચાલતા આતંકી સ્થળોનો નાશ કરવા, ભારતમાં ચાલતા આતંકવાદને ટેકો આપવાની પાકિસ્તાનની રાષ્ટ્રીય નીતિના વિરોધમાં ભારતીય સૈન્યે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં આવેલા નવ આતંકી સ્થળોનો નાશ કરી દીધો હતો.
ભારતીય સૈન્યની આ સંયમિત અને ગણતરીપૂર્વકની સૈન્ય કાર્યવાહી કરી હતી. ભારતીય સૈન્યે ૬-૭ મેની રાત્રે કરેલા અભિયાન ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે, પાકિસ્તાન દ્વારા પોષવામાં આવતા આતંકવાદીઓને બક્ષવામાં નહીં આવે. તેઓ પાકિસ્તન સહિત જ્યાં પણ હશે ત્યાં તેમને ખતમ કરવામાં આવશે. ભારતે કાશ્મીર મુદ્દાને લઈને પાકિસ્તાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરી નહોતી. આમ છતાં રવિવારે સવારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક જ કાશ્મીર મુદ્દો ઉછાળીને, કાશ્મીર વિવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતાની દરખાસ્ત કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી હતી.
ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાને ૧૯૭૧ પછી પહેલી વખત કાશ્મીરથી લઈને ભૂજ સુધીની સરહદ પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા. ભારતીય સૈન્યે પાકિસ્તાનના બધા જ હુમલા નિષ્ફળ બનાવીને સાહસનો પરચો બતાવ્યો હતો. એટલું જ નહીં ભારતીય સૈન્યે પાકિસ્તાનના સિયાલકોટ, લાહોર, રાવલપિંડી સહિત અન્ય સ્થળો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા. ભારતીય એરફોર્સે પાકિસ્તાનના મહત્વપૂર્ણ એરબેઝને પણ મોટો ફટકો પહોંચાડયો હતો. ભારતીય સૈન્યે છેલ્લા ચાર દિવસની તૈની સૈન્ય કાર્યવાહીમાં માત્ર પાકિસ્તાન જ નહીં દુનિયાને સંદેશો આપ્યો કે, તેમની સૈન્ય કાર્યવાહી પાકિસ્તાનના નાગરિકો કે પાકિસ્તાનના સૈન્ય સામે નથી. પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે છે. ભારતના મિસાઈલ-ડ્રોન હુમલામાં ક્યાંય પાકિસ્તાની નાગિરકોને નિશાન બનાવાયા નહોતા.
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે શનિવારે સવારે અચાનક જ અમેરિકા સક્રિય થયું. અમેરિકાના વિદેશ મંત્રી અને સુરક્ષા સલાહકાર માર્કો રુબિયોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી. ત્યાર પછી તેમણે પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીર સાથે વાત કરી. તેમણે વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે વાત કરી. અમેરિકાની આ મધ્યસ્થીથી શનિવારે અચાનક ભારત અને પાકિસ્તાને યુદ્ધવિરામની જાહેરાત કરી. આશ્ચર્યજનક વાત એ છે કે ભારત અને પાકિસ્તાન પહેલા યુદ્ધવિરામની જાહેરાત અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરી. એટલું જ નહીં તેમણે ભારત અને પાકિસ્તાન બંને સાથે વેપાર વધારવાની વાત પણ કરી.
આ ઘટનાઓમાં કેટલીક બાબતો ભારતની વિદેશ નીતિ સામે સવાલ ઊભા કરે છે. જેમ કે, પાકિસ્તાનમાં આતંકવાદી સ્થળો પર ભારતીય સૈન્યના સંયમિત અને ચોક્સાઈપૂર્વકના હુમલા છતાં દુનિયામાં આ મુદ્દે ભારત એકલું પડી ગયું. પાકિસ્તાને ભારત સરહદો પર છોડેલા ડ્રોન તુર્કીયેના હતા. અઝરબૈજાન પણ પાકિસ્તાનના સમર્થનમાં આગળ આવ્યું હતું. ચીને પણ શનિવારે સાંજે જાહેરાત કરી કે તે પાકિસ્તાનના સાર્વભૌમ રક્ષણનું સમર્થન કરે છે. છેલ્લા ચાર દિવસમાં ભારતના મિત્ર રશિયાએ મૌન ધારણ કર્યું હતું. અમેરિકાએ પણ પાકિસ્તાનને કોઈ ચેતવણી આપી નહોતી અને તે ભારતના સમર્થનમાં યુદ્ધ લડવાની સ્થિતિમાં નહોતું. આરબ રાષ્ટ્રો સહિત મધ્ય-પૂર્વના દેશોએ પણ મૌન સેવ્યું હતું. અમેરિકા ભારતની પડખે છે, પરંતુ તેને યુદ્ધમાં નહીં પરંતુ માત્ર વેપારમાં જ રસ છે. ઉપરાંત ભારત યુદ્ધના સંજોગોમાં પણ આઈએમએફ દ્વારા પાકિસ્તાનને અપાનારું બેલઆઉટ પેકેજ અટકાવી શક્યું નહીં. આ બધું ભારતની રાજદ્વારી અને વિદેશ નીતિની નિષ્ફળતા દર્શાવે છે.
આ ઉપરાંત ભારતની વિદેશ નીતિની નિષ્ફળતા અન્ય એક બાબત પરથી પણ સ્પષ્ટ થાય છે કે અગાઉ ભારતની વિદેશ નીતિએ ક્યારેય પાકિસ્તાન અને ચીનને એક સાથે આવવા દીધા નહોતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અમેરિકા તરફ ઢળ્યું અને ચીન તથા પાકિસ્તાન એકબીજાની નજીક આવી ગયા. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદમાં ભારતની વિદેશ નીતિના સંદર્ભમાં સરકારને ચેતવણી આપી હતી કે ચીન અને પાકિસ્તાનને સાથે આવવા દેવા જોઈએ નહીં અને આ અંગે સાવધ રહેવું જોઈએ. ભારતની વિદેશ નીતિનું એકમાત્ર મોટું વ્યૂહાત્મક લક્ષ્ય પાકિસ્તાન અને ચીનને અલગ રાખવાનું હતું, પરંતુ વર્તમાન સરકાર તેમાં નિષ્ફળ ગઈ છે. આ જ કારણ છે કે ચીન આજે ખુલ્લેઆમ પાકિસ્તાનના સમર્થનમાં આગળ આવ્યું છે.
ઓપરેશન સિંદૂર પછી ભારતે ચાર દિવસમાં પાકિસ્તાનને જે રીતે આક્રમક જવાબ આપ્યો તેનાથી એવી સંભાવના ઊભી થઈ હોવાનું મનાય છે કે પાકિસ્તાન સામેના યુદ્ધમાં ચીન પણ ભારત સામે મોરચો માંડી શકે છે. સીએનએનના કેટલાક અહેવાલો મુજબ અમેરિકન સરકારને ભારત-પાકિસ્તાનની વર્તમાન યુદ્ધ જેવી સ્થિતિ પૂર્ણ યુદ્ધમાં ફેરવાઈ શકે છે અને આ યુદ્ધમાં ચીન પણ કૂદી શકે છે તેવા ગુપ્તચર અહેવાલો મળ્યા હતા. આ અહેવાલોથી અમેરિકા ભડક્યું હતું. દુનિયામાં હાલ રશિયા અને યુક્રેન તેમજ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.
આવા સંજોગોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પૂર્ણ સ્તરનું યુદ્ધ ફાટી નીકળે અને તેમાં ચીન પણ કૂદી પડે તો અમેરિકા માટે મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થાય. આ કારણથી અચાનક જ પ્રમુખ ટ્રમ્પ, માર્કો રૂબિયો સક્રિય થયા અને તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યું. યુદ્ધવિરામ કરવા ભારત પર દબાણ કરવામાં ટ્રમ્પને સફળતા મળતા તેમણે અચાનક કાશ્મીર મુદ્દો પણ ઉછાળ્યો અને તેમાં મધ્યસ્થતા કરવાની દરખાસ્ત પણ કરી. આમ પણ ટ્રમ્પ વર્ષોથી કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવા ઓફર કરતા રહ્યા હતા, પરંતુ ભારતે હંમેશા કાશ્મીર મુદ્દે ત્રીજા પક્ષની દખલને નકારી કાઢી હતી જ્યારે પાકિસ્તાન તો વર્ષોથી કાશ્મિર વિવાદના ઉકેલમાં ત્રીજા પક્ષની મધ્યસ્થતાની માગ કરતું રહ્યું હોવાથી ટ્રમ્પની ઓફરને તેણે તુરંત સ્વીકારી લીધી. જોકે, ભારતે કાશ્મીર મુદ્દે અમેરિકાની મધ્યસ્થતા નકારી કાઢી છે.