India

CBSE: માત્ર 40% વિદ્યાર્થીઓને ધો.10ની બીજી પરીક્ષા આપવી પડશે, જાણો કોણ નહીં આપી શકે

By GS TEAM
21 Nov 20253 mins read
TukuTouch Logo
નવી શિક્ષણ નીતિ હેઠળ, 2026થી ધોરણ 10ની બોર્ડ પરીક્ષાઓ વર્ષમાં બે વાર લેવાશે. આ અંગેની ગૂંચવણ દૂર કરવા માટે, કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(CBSE) એ 20 નવેમ્બરના રોજ એક વેબિનારનું આયોજન કર્યું હતું. આ વેબિનારમાં CBSEના અધ્યક્ષે વિદ્યાર્થીઓ, વાલીઓ, પ્રિન્સિપાલ અને શિક્ષકોના તમામ પ્રશ્નોના જવાબો આપ્યા હતા. બોર્ડે સ્પષ્ટતા કરી કે બંને પરીક્ષાઓ એક જ વર્ષમાં યોજાશે અને તેમના શૈક્ષણિક ધોરણો સમાન રહેશે. વેબિનારમાં શાળાઓ માટેના નિયમો, ટાઈમટેબલ, જવાબદારીઓ, પરીક્ષાનું સંચાલન અને નવી મૂલ્યાંકન પદ્ધતિના અમલ માટેના પગલાં અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

CBSE: માત્ર 40% વિદ્યાર્થીઓને ધો.10ની બીજી પરીક્ષા આપવી પડશે, જાણો કોણ નહીં આપી શકે
(IMAGE - IANS)

CBSE Two-Exam: નવી શિક્ષણ નીતિ હેઠળ, 2026થી ધોરણ 10ની બોર્ડ પરીક્ષાઓ વર્ષમાં બે વાર લેવાશે. આ અંગેની ગૂંચવણ દૂર કરવા માટે, કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(CBSE) એ 20 નવેમ્બરના રોજ એક વેબિનારનું આયોજન કર્યું હતું. આ વેબિનારમાં CBSEના અધ્યક્ષે વિદ્યાર્થીઓ, વાલીઓ, પ્રિન્સિપાલ અને શિક્ષકોના તમામ પ્રશ્નોના જવાબો આપ્યા હતા. બોર્ડે સ્પષ્ટતા કરી કે બંને પરીક્ષાઓ એક જ વર્ષમાં યોજાશે અને તેમના શૈક્ષણિક ધોરણો સમાન રહેશે. વેબિનારમાં શાળાઓ માટેના નિયમો, ટાઈમટેબલ, જવાબદારીઓ, પરીક્ષાનું સંચાલન અને નવી મૂલ્યાંકન પદ્ધતિના અમલ માટેના પગલાં અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બીજી બોર્ડ પરીક્ષા વિશે માર્ગદર્શિકા

CBSE વેબિનાર પર આધારિત ધોરણ 10ની બે બોર્ડ પરીક્ષાઓ અંગેની સરળ FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો) માર્ગદર્શિકા આપવામાં આવી છે. જેમાં CBSE ધોરણ 10ની પહેલી બોર્ડ પરીક્ષા મુખ્ય ગણાશે, જ્યારે બીજી બોર્ડ પરીક્ષા વૈકલ્પિક રહેશે. આ વૈકલ્પિક પરીક્ષા ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે છે જેઓ પોતાના કેટલાક વિષયોના ગુણ સુધારવા ઈચ્છે છે. જોકે, બીજી પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીએ પહેલી બોર્ડ પરીક્ષામાં હાજર રહેવું અનિવાર્ય છે; ગેરહાજર રહેનાર વિદ્યાર્થી બીજી પરીક્ષા આપી શકશે નહીં. CBSEના અધ્યક્ષ રાહુલ સિંહના જણાવ્યા મુજબ, બોર્ડના આંતરિક વિશ્લેષણના આધારે એવી અપેક્ષા છે કે કોઈ પણ વિષયમાં લગભગ 40% વિદ્યાર્થીઓ જ બીજી વખત પરીક્ષા આપશે.

કયા વિષયો પાત્ર ગણાશે?

બીજી પરીક્ષા માત્ર એવા વિષયો માટે છે જેમાં વિદ્યાર્થીઓ પોતાના ગુણ સુધારવા ઈચ્છતા હોય. વિદ્યાર્થીઓ ફક્ત તે જ વિષયોની પસંદગી કરી શકશે જેમાં તેમના એક્સટર્નલ એસેસમેન્ટમાં 50થી વધુ ગુણ પ્રાપ્ત થયા હોય. જે વિદ્યાર્થીઓને એક્સટર્નલ એસેસમેન્ટમાં 50 કે તેનાથી ઓછા ગુણ હશે, તેઓ આ બીજી પરીક્ષા આપવા માટે પાત્ર ગણાશે નહીં.

બીજી બોર્ડ પરીક્ષા માટે LOC ક્યારે જાહેર થશે?

પહેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ CBSE દ્વારા બીજી બોર્ડ પરીક્ષા માટે LOC(List of Candidates)જાહેર કરવામાં આવશે. શાળાઓને વિદ્યાર્થીઓની માહિતીની ચકાસણી, અપડેટ અને જમા કરાવવા માટે 15 દિવસનો સમયગાળો મળશે. બોર્ડે સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ વધારોનો સમય આપવામાં નહીં આવે, તેથી શાળાઓ માટે સમયસર અરજી જમા કરાવવી જરૂરી છે.

આ પણ વાંચો: 'ધારાસભ્ય કે સાંસદ ઓફિસ આવે ત્યારે સીટ પરથી ઉભા થઈ જાઓ', મહારાષ્ટ્રના અધિકારીઓને સરકારી ફરમાન

બે બોર્ડ પરીક્ષાઓનો ઉદ્દેશ્ય શું છે?

CBSEની આ બે-પરીક્ષા પ્રણાલી વિદ્યાર્થીઓને એક મુખ્ય પરીક્ષા અને તેમના પ્રદર્શનમાં સુધારણા માટે બીજો મોકો પૂરો પાડે છે. આનો ફાયદો એ છે કે વિદ્યાર્થીઓ આખા શૈક્ષણિક વર્ષની રચનામાં ફેરફાર કર્યા વિના પોતાના પ્રદર્શનને વધુ સારું બનાવી શકે છે. ખાસ વાત એ છે કે, આ બંને પરીક્ષાઓમાં સમાન શૈક્ષણિક ધોરણો જ લાગુ કરવામાં આવશે.

ધોરણ 10નું આંતરિક મૂલ્યાંકન ક્યાં સુધીમાં પૂરું કરવું પડશે?

CBSE ધોરણ 10નું આંતરિક મૂલ્યાંકન 1 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી, 2026 વચ્ચેના સમયગાળામાં પૂર્ણ કરવાનું રહેશે. પરીક્ષાનું ટાઇમટેબલ જળવાઈ રહે અને પરિણામ સમયસર તૈયાર થઈ શકે તે માટે શાળાઓએ આ સમયગાળા દરમિયાન તમામ મૂલ્યાંકન પૂર્ણ કરી માર્કશીટ સમયસર જાહેર કરવી જરૂરી છે.

વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓ પોતાની શંકાઓ અથવા પ્રશ્નોના નિવારણ માટે CBSEનો સંપર્ક કરી શકે છે. આ માટે તેઓ વોટ્સએપ નંબર 79066 27715 અથવા ઈમેલ info.exam@cbse.nic.inનો ઉપયોગ કરી શકે છે.