આગામી વર્ષથી ધો.10ના વિદ્યાર્થીઓની બે વાર પરીક્ષા, CBSEએ જાહેર કર્યા નવા નિયમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CBSE 10th Exam New Rules: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ ધોરણ 10ની બોર્ડ પરીક્ષા માટે મોટી જાહેરાત કરી છે. હવે વર્ષમાં બે વખત સીબીએસઈ ધોરણ 10ની બોર્ડ પરીક્ષા લેવામાં આવશે. 2026થી આ નવો નિયમ લાગુ થશે. સીબીએસઈ એક્ઝામ કંટ્રોલર સંયમ ભારદ્વાજે જણાવ્યું હતું કે, સીબીએસઈએ વર્ષમાં બે વખત પરીક્ષા લેવાના મોડલને મંજૂરી આપી દીધી છે. ધોરણ 10ની પ્રથમ પરીક્ષા ફેબ્રુઆરી અને બીજી પરીક્ષા મે મહિનામાં યોજાશે. ફેબ્રુઆરીમાં યોજાયેલી પરીક્ષાના પરિણામ એપ્રિલમાં અને મેમાં યોજાનારી પરીક્ષાના પરિણામ જૂનમાં જાહેર થશે.
પ્રથમ પરીક્ષામાં ભાગ લેવો અનિવાર્ય
ધોરણ 10ની બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓએ પહેલી પરીક્ષામાં ભાગ લેવો અનિવાર્ય છે. બીજી મેમાં યોજાનારી બોર્ડ પરીક્ષાનો વિકલ્પ વૈક્લ્પિક રહેશે. પહેલી પરીક્ષામાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓ બીજી વખત પરીક્ષા આપી પોતાના માર્ક્સ સુધારી શકશે. નવા નિયમોના કારણે ઈન્ટરનલ અસેસમેન્ટ વર્ષમાં એક જ વખત થશે.
ક્યારે યોજાશે પરીક્ષા?
સીબીએસઈ તરફથી ફેબ્રુઆરીમાં જે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, તે અનુસાર, પ્રથમ તબક્કાની પરીક્ષા 17 ફેબ્રુઆરીથી 6 માર્ચ દરમિયાન આયોજિત થશે. જ્યારે બીજા તબક્કાની પરીક્ષા 5થી 20મેના રોજ આયોજિત થશે. પ્રથમ અને બીજા તબક્કાની પરીક્ષામાં પાઠ્યક્રમ એક જ રહેશે. અને સંપૂર્ણ પાઠ્યક્રમ સામેલ થશે. જે પણ વિદ્યાર્થી આ બંને પરીક્ષામાં ભાગ લેવા માગતા હોય તેમના પરીક્ષા કેન્દ્ર એક જ રહેશે.
વિદ્યાર્થીને માર્ક્સ સુધારવા મળશે મોકો
સીબીએસઈ દ્વારા ધોરણ 10ની બોર્ડ પરીક્ષા વર્ષમાં બે વખત લેવાના નિર્ણયથી વિદ્યાર્થીઓને લાભ થશે. જેમાં પહેલી પરીક્ષામાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓ ફરીવાર પરીક્ષા આપી પોતાના માર્ક્સમાં સુધારો કરી શકશે. સૌથી વધુ માર્ક્સને અંતિમ પરિણામ તરીકે સ્વીકારવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થીને પહેલી પરીક્ષામાં વધુ માર્ક્સ આવ્યા હોય અને બીજામાં ઓછા તો પહેલી પરીક્ષાનું પરિણામ અંતિમ ગણાશે.








