ચીન મોકલાઈ રહેલાં 21 લાખ મોરપીંછ મુદ્દે સીબીઆઈ તપાસ થશે
મોરના શિકારનું મોટું નેટવર્ક ચાલતું હોવાની શક્યતા
કસ્ટમ વિભાગે ૫.૨૫ કરોડની કિંમતના મોરપીંછનો ૨૫૬૫ કિલો જથ્થો દિલ્હીમાંથી જપ્ત કર્યો હતો
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૧
કસ્ટમ વિભાગે દિલ્હીમાંથી ૨૧ લાખ મોરપીંછનો જથ્થો જપ્ત કર્યો હતો. આ જથ્થો ગેરકાયદે રીતે ચીનમાં મોકલાઈ રહ્યો હતો. એ બાબતે હવે સીબીઆઈ તપાસ થશે.
દિલ્હીના તુગલકાબાદના નિકાસ ડેપોમાંથી કસ્ટમ વિભાગે ૨૧ લાખ મોરપીંછનો જથ્થો જપ્ત કર્યો હતો. રૃ. ૫.૨૫ કરોડની કિંમતનો આ જથ્થો ૨૫૬૫ કિલોગ્રામ જેટલો હતો. પ્લાસ્ટિકની પાઈપ નિકાસ કરવાની આડમાં આ મોરપીંછ મોકલવામાં આવતા હતા.
સીલમપુરના એક નિકાસકાર અયાઝ અહેમદે ચીન મોકલવા માટે એક કન્ટેનર બુક કર્યું હતું અને એમાંથી આ જથ્થો મળી આવ્યો હતો. અયાઝ અહેમદ ગેલેક્સી રાઈડર નામની એજન્સી ચલાવે છે.
આ મુદ્દે હવે સીબીઆઈ તપાસ થશે. અયાઝ અહેમદ અને ગેલેક્સી રાઈડર સામે ગેરકાયદે મોરપીંછના નિકાસનો કેસ દાખલ થયો છે. અધિકારીઓએ શંકા વ્યક્ત કરી હતી કે મોરના શિકારનું મોટું નેટવર્ક ચાલતું હોવું જોઈએ. મોરનો શિકાર કર્યા વગર આટલી મોટી સંખ્યામાં મોરપીંછનો જથ્થો મળવો અશક્ય છે.
સીબીઆઈ અધિકારીઓના કહેવા પ્રમાણે સપ્ટેમ્બર-૨૦૨૦થી ફેબુ્રઆરી-૨૦૨૧ દરમિયાન અહેમદની કંપનીએ ૨૬ કન્સાઈન્મેન્ટ ચીન મોકલ્યા હતા. એમાં મોરપીંછનો ગેરકાયદે જથ્થો ચીન મોકલાયો હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.