India

આર્થિક ગુનેગાર મોનિકા કપૂરને યુએસમાંથી ભારત પરત લાવવામાં સીબીઆઇને સફળતા

By GS TEAM
10 Jul 20252 mins read
આર્થિક ગુનેગાર મોનિકા કપૂરને યુએસમાંથી ભારત પરત લાવવામાં સીબીઆઇને સફળતા

- સીબીઆઇ તાજેતરના વર્ષોમાં સો કરતાં વધારે ભાગેડુઓને વિદેશથી પરત લઇ આવી            

- મોનિકાએ અમદાવાદની દીપ એક્સપોર્ટને બનાવટી  ઇમ્પોર્ટ લાઇસન્સ વેચેલું, જેના દ્વારા દીપ એક્સપોર્ટે સોનાની આયાત કરી દોઢ કરોડ રૂપિયાની ડયુટી ચોરી આચરેલી

- 25 વર્ષથી નાસતી ફરતી મોનિકા કપૂરને સીબીઆઇ આજે દિલ્હીની અદાલતમાં હાજર કરી ખટલો ચલાવશે

નવી દિલ્હી : કર્ણાટકમાં જેની સામે ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટીસ બહાર પાડવામાં આવેલી છે તેવી ૨૫ વર્ષથી નાસતીફરતી આર્થિક ગુનેગાર મોનિકા કપૂરને યુએસમાંથી પરત લાવવામાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન-સીબીઆઇ-ને સફળતા મળી છે. મોનિકા કપૂરને સીબીઆઇ દ્વારા ગુરૂવારે દિલ્હીની અદાલતમાં રજૂ કરવામાં આવશે.

સીબીઆઇની ટીમ દ્વારા મોનિકાને પકડી અમેરિકન એરલાઇન્સની ફલાઇટ એએ૨૯૨ દ્વારા ભારત પરત આવવા રવાના થઇ ચૂકી છે. આ વિમાન બુધવારે મોડી રાત્રે દિલ્હીના એરપોર્ટ પર પહોંચશે. અમેરિકન સત્તાવાળાઓ સાથે સહકાર સાધી સીબીઆઇએ આ બીજી મોટી સફળતા મેળવી છે. અગાઉ સીબીઆઇએ નેહલ મોદીની યુએસમાં ધરપકડ કરી હતી. 

મોનિકા ઓવરસીઝની માલિક મોનિકા કપૂર તથા તેના ભાઇઓ રાજન ખન્ના અને રાજીવ ખન્નાએ નિકાસના બનાવટી દસ્તાવેજો દ્વારા ૧૯૯૮માં કૌભાંડ કર્યું હોવાનું સીબીઆઇના પ્રવક્તાએ જણાવ્યું હતું. દાગીના ઘડવા અને તેની નિકાસ કરવા માટે આયાત ડયુટી મુક્ત સામગ્રી લાવવા માટે છ લાઇસન્સ મેળવવા મોનિકા અને તેના બંને ભાઇઓએ બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હતા. તેમણે આ દસ્તાવેજો અમદાવાદની દીપ એક્સપોર્ટને પ્રિમિયમ લઇ વેચી માર્યા હતા. દીપ એક્સપોર્ટ દ્વારા આ લાઇસન્સ દ્વારા સોનાની ડયુટી ફ્રી આયાત કરાઇ હતી જેના કારણે સરકારી તિજોરીને ૧.૪૪ કરોડ રૂપિયાનો ફટકો પડયો હતો. 

મોનિકા કપૂર તથા તેના બંને ભાઇઓ સામે ૩૧માર્ચ ૨૦૦૪માં આરોપનામું ઘડવામાં આવ્યું હતું જેમાં ગુનાઇત કાવતરૂ ઘડવા, છેતરપિંડી અને બનાવટ કરવાના આરોપો મુકવામાં આવ્યા હતા. નવી દિલ્હીની સાકેત જિલ્લા કોર્ટેના ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા બંને ભાઇઓ રાજન અને રાજીવ ખન્નાને ૨૦૧૭માં દોષી ઠેરવવામાં આવ્યા હતા. મોનિકા કપૂરે તપાસમાં કોઇ સહકાર આપ્યો નહોતો અને તેને ૧૩ ફેબુ્રઆરી ૨૦૦૬માં ભાગેડું જાહેર કરવામાં આવી હતી. મોનિકા ભારતમાં છેતરપિંડી કરી ૧૯૯૯માં વીઝા મેળવી યુએસ ગઇ હતી પણ ત્યાં જ તે રહી પડી હતી. દિલ્હીની સ્પેશિયલ કોર્ટે તેની સામે ૨૦૧૦માં ધરપકડનું  વોરન્ટ બહાર પાડયુ હતું. ભારતે ૨૦૧૦ના ઓક્ટોબરમાં તેના પ્રત્યાર્પણ માટે કાર્યવાહી શરૂ કરી હતી. 

ભારત અને યુએસ વચ્ચે થયેલી પ્રત્યાર્પણ સંધિ અનુસાર ૨૦૧૨માં યુએસમાં ન્યુયોર્કની ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા મોનિકા કપૂરના પ્રત્યાર્પણને મંજૂરી અપાઇ હતી. મોનિકાએ જાતજાતના કાનુની દાવપેચ કરી તેને ભારતમાં પાછી મોકલવામાં આવશે તેની પર યાતના ગુજારવામાં આવશે તેવી રજૂઆત વિદેશ મંત્રી સમક્ષ કરી હતી. પરંતુ વિદેશમંત્રીએ તેની દલીલ ફગાવી દઇ તેના સરેન્ડર ર્વોરન્ટ પર સહી કરતાં તેના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો થઇ ગયો હતો. યુએસની અનેક અદાલતોમાંથી વર્ષો સુધી કાનુની ખટલાઓ લડી સીબીઆઇએ માર્ચ ૨૦૨૫માં તેના પ્રત્યાર્પણને હાંસલ કર્યું હતું.