કોલેજોની મંજૂરીમાં ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ સહિત ત્રણ સામે CBI તપાસ
- પ્રમુખની ચૂંટણી જીતવા પણ રૂપિયા અપાયા હોવાના આક્ષેપો
- કાઉન્સિલ પ્રમુખ મોન્ટુ પટેલના ઝૂંડાલ સ્થિત બંગલે સીબીઆઈની રેડ કાઉન્સિલના મેમ્બરોની નિમણૂંકમાં પણ ગેરરીતિ સહિતની ફરિયાદો
અમદાવાદ : ભારત સરકારના આરોગ્ય મંત્રાલય હેઠળની ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રમુખ સહિતના ત્રણ લોકો અને ખાનગી વ્યક્તિઓ તેમજ સરકારી કર્મચારીઓ સામે સીબીઆઈ પોલીસે ભ્રષ્ટાચાર-છેતરપીંડી સહિતના મુદ્દે ફરિયાદ દાખલ કરી છે અને મળતી માહિતી મુજબ આજે કાઉન્સિલના પ્રમુખ મોન્ટુ પટેલના બંગ્લે સીબીઆઈ દ્વારા રેડ પણ પાડવામા આવી હતી. મોન્ટુ પટેલે પ્રમુખના હોદ્દાનો અને એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બરના પાવર્સનો દુરુપયોગ કર્યો હોવાની અને કોલેજોની મંજૂરી રૂપિયા લઈને અપાઈ હોવાની પણ ફરિયાદ છે. આ પોલીસ ફરિયાદ બાદ આજે દિલ્હીની સીબીઆઈ ટીમ દ્વારા રેડ પણ પાડવામા આવી હતી. કાઉન્સિલના પ્રમુખની ચૂંટણીમાં પણ ગેરરીતિ કરવામા આવીનો ગંભીર આક્ષેપ છે.
ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના અંડર સેક્રેટરી અમિત બિશ્વાસ દ્વારા ૧૫ માર્ચ ૨૦૨૩ના રોજ કરાયેલી ફરિયાદ બાદ થયેલી તપાસના આધારે સીબીઆઈ પોલીસ દ્વારા કાઉન્સિલના પ્રમુખ મોન્ટુ કુમાર પટેલ સહિતના ચાર લોકો સામે એફઆઈઆર કરવામા આવી છે.જેમાં વિનોદ તિવારી, સંતોષ કુમાર ઝા અને અન્ય એક વ્યક્તિ પણ સામેલ છે.સીબીઆઈ પોલીસ દ્વારા મે ૨૦૨૩થી તપાસ ચાલતી હતી અને દરમિયાન ૩૦ જુનના રોજ પોલીસ ફરિયાદ દાખલ કરવામા આવી છે.કાઉન્સિલના વહિવટીમાં ગેરરીતિ, પ્રમુખની ચૂંટણીમાં મેન્ય્પુલટિંગ-ગોટાળા, છેતરપીંડી સહિતના વિવિધ મુદ્દે પોલીસ ફરિયાદ કરાઈ છે અને તપાસ શરૂ કરવામા આવી છે. ફરિયાદ મુજબ છ એપ્રિલ ૨૦૨૨ના રોજ થયેલી કાઉન્સિલની પ્રમુખ ચૂંટણીમાં દિલ્હીની એક હોટલમાં ૩ એપ્રિલથી ૬ એપ્રિલ સુધી ૧૫ રૂમો બુક કરવામા આવ્યા હતા અને જેમાં વોટર્સને રાખવામા આવ્યા હતા. આ ઉપરાંત કાઉન્સિલના પ્રમુખ તરીકે નિમાયા બાદ એક્ઝિક્યુટિવ કમિટીના કોઓપ્ટ મેમ્બર્સની નિમણૂંકમાં પણ ગોટાળા કરવામા આવ્યા હતા અને ખોટી રીતે નિમણૂંકો કરવામા આવી હતી. જ્યારે ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક વર્ષ માટે કોલેજોની મંજૂરીની પ્રક્રિયામાં અનેક ફેરફારો કરવામા આવ્યા હતા અને રૂબરૂ ઈન્સપેકશન વિના ઓનલાઈન ઈન્સપેકશનથી મંજૂરીનો નિર્ણય લેવાયો હતો. છ કોલેજ માટે ઈન્સપેકશનમાં નેગેટિવ રિપોર્ટ છતાં પણ મંજૂરી આપી દેવામા આવી હતી.કોલેજોની મંજૂરી માટે રૂપિયા લેવામા આવ્યાની ફરિયાદ સામે આવી છે.આ ઉપરાંત મોન્ટુ પટેલ સામે કરોડો રૂપિયાની હેરફેર-નાણાં સગેવગે કરવાના પણ આક્ષેપો છે અને સોશિયલ મીડિયામાં વહેતા થયેલા સમાચારો-કન્ટેન્ટ મુજબ કેટલાક લોકોને તેણે રૂપિયા પણ આપ્યા હતા.આમ ગેરરીતિ-ભ્રષ્ટાચાર સહિતની અનેક ફરિયાદોને પગલે સીબીઆઈ ઈન્સપેકટર પ્રતિક કુમાર દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામા આવી છે.જેમાં આઈપીસી ૧૨૦બી,આઈપીસી ૪૨૦ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામા આવ્યો છે. દરમિયાન આજે સીબીઆઈની ટીમે મોન્ટુ પટેલના અમદાવાદ નજીક ઝુંડાલ સ્થિત બંગલે રેડ પણ પાડી હતી.
કોલેજોની મંજૂરીમાં વિલંબને પગલે
ફાર્મસીમાં વિદ્યાર્થી ડોનેશનથી ખાનગી સંસ્થામાં જવા મજબૂર
આ વર્ષે પણ મંજૂરીઓ ન મળતા પ્રવેશ પ્રક્રિયા ખોરવાઈ છે: વિદ્યાર્થીઓ-વાલીઓ હેરાન
અમદાવાદ : ફાર્મસી કોલેજોની મંજૂરીમાં અનિયમિતતા અને ગેરવહિવટીની ફરિયાદો વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતમાં ફાર્મસીની પ્રવેશ પ્રક્રિયા ખોરવાય છે. કાઉન્સિલ દ્વારા આ વર્ષે પણ સમયસર કોલેજોને મંજૂરી ન અપાતા હજુ સુધી સરકારની પ્રવેશ પ્રક્રિયામાં કોલેજોમાં પ્રવેશ ફાળવણી થઈ શકી નથી.જેને પગલે કેટલાક વિદ્યાર્થીઓ ડોનેશન આપીને ખાનગી યુનિ.ઓમાં જવા મજબૂર બન્યા છે.
ધો.૧૨ સાયન્સ પછીના ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની ઓનલાઈન કેન્દ્રિય પ્રક્રિયા આ વર્ષે પણ કોલેજોની મંજૂરીના અભાવે ખોરવાઈ છે ત્યારે હજુ સુધી પ્રથમ એડમિશન રાઉન્ડ જ થઈ શક્યો નથી. બી ગુ્રપના વિદ્યાર્થીઓ મેડિકલ,પેરામેડિકલ, બીએસસી અને ફાર્મસીમાં પ્રવેશને લઈને મુંઝવણમાં મુકાયા છે ત્યારે ફાર્મસીમાં આ તકનો લાભ લઈને કેટલીક ખાનગી કોલેજ-યુનિ.ઓ ડોનેશન પણ માંગી રહી હોવાની ફરિયાદો ઉઠી છે.
સરકારી,ગ્રાન્ટેડ અને સમિતિ હેઠળની કોલેજોમાં ક્યારે કેન્દ્રિય પ્રક્રિયા અંતર્ગત પ્રવેશ મળશે તે નક્કી ન હોઈ રાહ જોવી પડે તેમ હોવાથી કેટલાક વિદ્યાર્થીઓ ઊંચી ફી-ડોનેશન આપીને પણ ખાનગી યુનિ.ઓ-કોલેજોમાં ફાર્મસીનો પ્રવેશ લેવા મજબૂર બન્યા છે.મહત્વનું છેકે તાજેતરમાં સુપ્રિમકોર્ટે ફાર્મસી કાઉન્સિલના મનસ્વી નિર્ણયો-કામગીરી સામે ગંભીર ટકોર કરી હતી અને કેન્દ્ર સરકારને પણ કાર્યવાહી કરવા સૂચના આપી હતી.