CBI એ વિઝા ફ્રોડમાં ફ્રેન્ચ એમ્બેસીના બે કર્મચારીઓ સહિત છ કરી ધરપકડ
- બંનેએ સાથે મળીને આ વર્ષે 1 જાન્યુઆરીથી 6 મે દરમિયાન વિઝા છેતરપિંડી કરી
- વિઝા દીઠ 50 હજાર રૂપિયાની લાંચ લેવાનો આરોપ
- CBI એ છ જગ્યાએ દરોડા પાડ્યા
નવી દિલ્હી,તા.17 ડિસેમ્બર 2022,શનિવાર
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ નવી દિલ્હીમાં ફ્રેન્ચ દૂતાવાસના વિઝા વિભાગના બે કર્મચારીઓ સહિત છ લોકોની વિઝા છેતરપિંડીના આરોપમાં ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછ કરતા તેઓ નવી દિલ્હીમાં ફ્રેન્ચ એમ્બેસીના વિઝા વિભાગમાં કામ કરતા હતા. આરોપ છે કે આ બંનેએ અન્ય લોકો સાથે મળીને આ વર્ષે 1 જાન્યુઆરીથી 6 મે દરમિયાન વિઝા છેતરપિંડી કરી હતી. એવી આશંકા છે કે પાંચ મહિનામાં બંનેએ નકલી દસ્તાવેજોના આધારે પંજાબ અને જમ્મુના ઘણા અરજદારોને ફ્રેન્ચ વિઝા આપ્યા છે. તેમાંથી મોટાભાગના પંજાબના યુવા ખેડૂતો અથવા બેરોજગાર છે જેમણે અગાઉ મુસાફરી કરી નથી.
વિઝા દીઠ 50 હજાર રૂપિયાની લાંચ લેવાનો આરોપ
આરોપ છે કે દૂતાવાસના કર્મચારી એ વિઝા દીઠ 50,000 રૂપિયાની લાંચ લઈને અન્ય ત્રણ આરોપીઓને ફ્રાન્સના એન્ટ્રી વિઝા આપ્યા છે. તેઓએ દૂતાવાસના વિઝા વિભાગના વડાની મંજૂરી વગર વિઝા જારી કર્યા હતા. આ પછી પુરાવાનો પણ નાશ કરવામાં આવ્યો હતો. ત્રણેય કેસોમાં બેંગ્લોરની એક કંપનીએ ફ્રેન્ચ કંપનીઓમાં કામનો ઉલ્લેખ કરીને ફ્રેન્ચ કોન્સ્યુલેટને પત્ર લખ્યો હતો. પત્ર સાથે નકલી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા.
છ જગ્યાએ દરોડા પાડ્યા
વિઝા ફ્રોડ કેસમાં એફઆઈઆર નોંધ્યા બાદ સીબીઆઈએ દિલ્હી, પટિયાલા, ગુરદાસપુર અને જમ્મુ સ્થિત આરોપીઓના છ સ્થળોએ દરોડા પાડ્યા હતા. સીબીઆઈએ દરોડા દરમિયાન અનેક મોબાઈલ અને લેપટોપ પણ રિકવર કર્યા છે. આ સાથે તેમના ઠેકાણાઓ પરથી ઘણા શંકાસ્પદ પાસપોર્ટ પણ મળી આવ્યા છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.