60,000 કરોડના ફ્રોડનો કેસ: CBIના ‘ઓપરેશન ત્રિશુલ’માં ફસાયા પર્લ્સ ગ્રૂપના ડિરેક્ટર, ફિજીમાંથી કરાઈ ધરપકડ
પોન્ઝી કૌભાંડની તપાસ હેઠળ હરચંદ સિંહ ગિલને ફિજીથી ભારત પ્રત્યાર્પણ કરાયો
‘ઓપરેશન ત્રિશુલ’ હેઠળ લગભગ 30 ભાગેડુઓને સફળતાપૂર્વક ભારત લવાયા : CBI
નવી દિલ્હી, તા.7 માર્ચ-2023, મંગળવાર
કેન્દ્રીય તપાસ બ્યુરો - CBIએ પર્લ્સ ગ્રુપના ડિરેક્ટર હરચંદ સિંહ ગિલની ધરપકડ કરી છે. પર્લ્સ ગ્રુપ દ્વારા કથિત રીતે આચરવામાં આવેલા કરોડો રૂપિયાના પોન્ઝી કૌભાંડની તપાસના ભાગરૂપે ગિલને ફિજીથી ભારત પ્રત્યાર્પણ કરાયો છે.
ગિલને વિદેશથી પ્રત્યાર્પણ કરી ભારત લવાયો
અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે, વિદેશમાં રહેનારા ભાગેડુઓને પરત લાવવા માટે CBI દ્વારા ‘ઓપરેશન ત્રિશુલ’ અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાન હેઠળ હરચંદ સિંહ ગિલને ફિજીથી પ્રત્યાર્પણ કરાયો હતો અને વિદેશમાંથી સોમવારે મોડી રાત્રે તેને દેશમાં લવાયો હતો.
અત્યાર સુધીમાં 30 ભાગેડુઓને ભારત લવાયા
CBIએ દાવો કર્યો હતો કે, ગત વર્ષે ‘ઓપરેશન ત્રિશુલ’ શરૂ કરાયું ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 30 ભાગેડુઓને સફળતાપૂર્વક ભારત લવાયા છે. આ ઓપરેશનનો ઉદ્દેશ્ય ઈન્ટરપોલની મદદથી ગુનેગારો અને ભાગેડુઓને શોધીને પરત લાવવાનો છે.
રૂ.60,000 કરોડથી વધુની છેતરપિંડીનો મામલો
CBIએ 2014ની 19મી ફેબ્રુઆરીએ પર્લ્સ ગ્રૂપ અને તેના સંસ્થાપક નિર્મલ સિંહ ભંગૂ વિરુદ્ધ રોકાણના બદલામાં જમીન ઓફર કરીને કરોડો રોકાણકારોને છેતરવાના આરોપમાં તપાસ શરૂ કરી હતી. સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે, કંપનીએ દેશભરમાં રોકાણકારોને છેતરીને રૂ.60,000 કરોડથી વધુની છેતરપિંડી કરી છે.