India

ચેતવણીરૂપ કિસ્સો : વિદ્યાર્થી અમેરિકા જવા નીકળ્યો અને એરપોર્ટ પર ખબર પડી કે વિઝા રદ કરાયા છે

By GS TEAM
25 Jun 20262 mins read
TukuTouch Logo
હૈદરાબાદના એક વિદ્યાર્થીને અમેરિકા જતા ઍમ્સ્ટરડેમ એરપોર્ટ પર ખબર પડી કે તેના F-1 સ્ટુડન્ટ વિઝા એક વર્ષ પહેલાં જ રદ થઈ ચૂક્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે તેને આ અંગે કોઈ જાણ કરવામાં આવી નહોતી. ભારતમાં ટૂંકી મુલાકાત દરમિયાન તેના વિઝા રદ થયા. યુએસ દૂતાવાસે અભ્યાસ અધવચ્ચે છોડવા બદલ વિઝા રદ કરવાની ચેતવણી આપી હતી. વિદ્યાર્થીઓને મુસાફરી પહેલાં SEVIS રેકોર્ડ ચકાસવા અપીલ.

Summarized by AI; it may make mistakes. Check important info

ચેતવણીરૂપ કિસ્સો : વિદ્યાર્થી અમેરિકા જવા નીકળ્યો અને એરપોર્ટ પર ખબર પડી કે વિઝા રદ કરાયા છે

US F1 student visa cancelled: અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટે જતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. હૈદરાબાદના એક વિદ્યાર્થીને અમેરિકાની ફ્લાઈટ માટે ઍમ્સ્ટરડેમ ઍરપૉર્ટ પર પહોંચ્યા બાદ ખબર પડી કે તેના F-1 સ્ટુડન્ટ વિઝા તો એક વર્ષ પહેલાં જ રદ્દ થઈ ચૂક્યા હતા. આશ્ચર્યની વાત એ હતી કે તેને આ અંગે કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નહોતી.

ભારતની ટૂંકી મુલાકાત દરમિયાન વિઝા રદ્દ

અહેવાલ અનુસાર, વિદ્યાર્થી ભારતથી અમેરિકાના ન્યૂયોર્ક જવા નીકળ્યો હતો. ઍમ્સ્ટરડેમમાં ટ્રાન્ઝિટ દરમિયાન તેને જણાવાયું કે અમેરિકામાં પ્રવેશ માટે તેના વિઝા હવે માન્ય નથી. જેના કારણે તેને ફ્લાઈટમાં બેસવાની મંજૂરી મળી નહીં અને આખરે તેને હૈદરાબાદ પરત ફરવું પડ્યું. તેણે જણાવ્યું કે, હું જાન્યુઆરી 2025માં અમેરિકા ભણવા ગયો હતો. આ દરમિયાન ભારતની ટૂંકી મુલાકાતે આવ્યો ત્યારે મને ખબર પણ ન પડી કે મારા વિઝા રદ્દ કરી દેવામાં આવ્યા છે. પછી મેં યુનિવર્સિટીનો સંપર્ક કર્યો હતો, તો તેમણે કહ્યું કે, મારું I-20 અને SEVIS રેકોર્ડ એક્ટિવ છે.

હજારો વિદ્યાર્થીઓના વિઝા રદ્દ

છેલ્લા કેટલાક સમયથી હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના વિઝા રદ્દ કરાયા અથવા તેમના SEVIS રેકોર્ડ ટર્મિનેટ કરાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. કેટલીક યુનિવર્સિટીઓએ પણ વિદ્યાર્થીઓને અચાનક તેમના સ્ટેટસમાં ફેરફાર અંગે જાણ કરી હતી.

અમેરિકન દૂતાવાસે અગાઉ ચેતવણી આપી હતી કે અભ્યાસ અધવચ્ચે છોડી દેવા, નિયમિત ક્લાસમાં હાજર ન રહેવા અથવા યુનિવર્સિટીને જાણ કર્યા વગર કોર્સમાંથી બહાર નીકળી જવા જેવી બાબતોને કારણે સ્ટુડન્ટ વિઝા રદ્દ થઈ શકે છે.

મુસાફરી પહેલાં SEVIS રેકોર્ડની ચકાસણી

ઇમિગ્રેશન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર માત્ર વિઝા હોવું પૂરતું નથી. વિદ્યાર્થીઓએ મુસાફરી પહેલાં પોતાનો SEVIS રેકોર્ડ સક્રિય છે કે નહીં તેની ખાતરી કરવી જોઈએ. આ ઉપરાંત યુનિવર્સિટીના Designated School Official (DSO) સાથે સંપર્કમાં રહેવું અને I-20 સહિતના તમામ દસ્તાવેજો અપડેટ રાખવા જરૂરી છે. વિઝા અને SEVIS સ્ટેટસની સમયાંતરે ચકાસણી ન કરવામાં આવે તો ઍરપૉર્ટ પર જ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.