Get The App

ઉત્તર ભારતમાં ભાજપની લહેર છતાં આ રાજ્યમાં કેમ વર્ષોથી નથી બનાવી શકી સરકાર? દિગ્ગજ નેતાએ જણાવ્યું કારણ

Updated: Dec 1st, 2025

GS TEAM

Google News
Google News
ઉત્તર ભારતમાં ભાજપની લહેર છતાં આ રાજ્યમાં કેમ વર્ષોથી નથી બનાવી શકી સરકાર? દિગ્ગજ નેતાએ જણાવ્યું કારણ 1 - image

Punjab Political News : પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કૅપ્ટન અમરિંદર સિંહે ભાજપ માટે રાજ્યમાં સરકાર બનાવવાનો ફોર્મ્યુલા આપ્યો છે. કોંગ્રેસથી અલગ થયા બાદ 2022માં ભાજપમાં જોડાયેલા સિંહે એક પોડકાસ્ટમાં સ્પષ્ટ કહ્યું છે કે, ‘વર્તમાન સ્થિતિમાં ભાજપ એકલા હાથે ચૂંટણી જીતી શકે તેમ નથી. ઉત્તર ભારતમાં વ્યાપક લહેર હોવા છતાં ભાજપ પંજાબમાં વર્ષોથી સરકાર કેમ નથી બનાવી શકી, તેનું મુખ્ય કારણ પક્ષ દ્વારા પોતાનું મજબૂત કેડર ઊભું ન કરવું છે.

‘ભાજપે 10-15 બેઠકો પર ચૂંટણી લડવાનું પસંદ કરીને ભૂલ કરી’

અમરિંદર સિંહે (Amarinder Singh) અગાઉની ભૂલોનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ‘ભાજપના શરુઆતના નેતાઓએ જે કર્યું તે ખોટું હતું. પક્ષે દરેક ચૂંટણી લડવી જોઈતી હતી અને કોઈપણ સંજોગોમાં ચૂંટણીના મેદાનમાંથી પાછળ ન હટવું જોઈએ. 1950માં પહેલી ચૂંટણી થઈ ત્યારે પણ ભાજપે દરેક સીટ પર લડવું જોઈતું હતું, જેથી ભાજપનું પોતાનું કેડર તૈયાર થાય. જોકે તે વખતે ભાજપે અકાલી દળ સાથે ગઠબંધન કર્યું હતું અને માત્ર 10 કે 15 બેઠકો પર ચૂંટણી લડવાનું પસંદ કર્યું હતું. આ ભાજપની ભૂલ હતી, તેનો ફાયદો અકાલી દળને થયો હતો.

આ પણ વાંચો : દેશભરના ડિજિટલ એરેસ્ટના કેસ મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ

પંજાબમાં સરકાર બનાવવા ભાજપ પાસે માત્ર બે વિકલ્પ : અમરિંદર સિંહ

તેમણે વધુમાં કહ્યું કે, ‘જો ભાજપ આ વખતે પંજાબમાં જીતવા માંગે છે, તો તેમની પાસે બે જ વિકલ્પો છે. પ્રથમ વિકલ્પ એ છે કે જો તેઓ તાત્કાલિક સરકાર બનાવવા માંગતા હોય, તો તેમણે શિરોમણી અકાલી દળ સાથે ગઠબંધન કરવું પડશે. અકાલી દળ સાથે ગઠબંધન કર્યા વિના ભાજપ માટે પંજાબમાં સરકાર બનાવવી કે સરકારમાં સામેલ થવાનો બીજો કોઈ રસ્તો નથી.’

‘...તો ભાજપે સરકાર બનાવવા માટે બે-ત્રણ ચૂંટણીની રાહ જોવી પડશે’

તેમણે બીજો વિકલ્પ કહ્યો છે કે, ‘જો પક્ષ પોતાનું કેડર મજબૂત બનાવવા માંગતો હોય, તો તેમણે તમામ બેઠકો પર એકલા લડવા માટે બે-ત્રણ ચૂંટણીની રાહ જોવી પડશે.’ બીજીતરફ શિરોમણી અકાલી દળના પ્રવક્તા દલજીત સિંહ ચીમાએ કહ્યું છે કે, ‘જો કોઈ પક્ષ તરફથી ગઠબંધન કરવાની ઔપચારિક દરખાસ્ત કરવામાં આવશે તો જ અમે ગઠબંધનની શક્યતાઓ પર વિચાર કરીશું.’ તેમણે કૅપ્ટન અમરિંદર સિંહના આ નિવેદનોને તેમના અંગત વિચાર ગણાવ્યા હતા.

આ પણ વાંચો : દિલ્હીમાં વધતા પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે સરકારની આકરી ઝાટકણી કાઢી