કેપ્ટન અમરિંદર ભાજપમાં જોડાયા, પક્ષનો પણ વિલય


- પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ નિર્ણય 

- પંજાબના વિકાસ માટે ભાજપ મને યોગ્ય પક્ષ લાગ્યો, અમારી વિચારધારા પણ સરખી છે : કેપ્ટન 

અમૃતસર : પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઇ ગયા હતા, સાથે જ તેઓએ હાલમાં જે પાર્ટી બનાવી હતી તેનો પણ ભાજપમાં વિલય કરી દીધો હતો. કેપ્ટન અમરિંદરસિંહે કોંગ્રેસ છોડયા બાદ પોતાનો આ પક્ષ બનાવ્યો હતો. 

ભાજપમાં સભ્યપદની શપથ કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને કિરણ રિજિજૂએ અપાવી હતી. અમરિંદરસિંહની સાથે તેમના કેટલાક સહયોગીઓ પણ ભાજપમાં સામેલ થયા હતા. ભાજપમાં જોડાયા બાદ અમરિંદરસિંહે ભાજપના વખાણ શરૂ કરી દીધા હતા. 

તેઓએ કહ્યું હતું કે મારા પક્ષના અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓની સાથે ચર્ચા કર્યા બાદ મે ભાજપમાં સામેલ થવાનો નિર્ણય લીધો હતો. મે નક્કી કર્યું હતું કે પંજાબના સારા ભવિષ્ય માટે ભાજપમાં પક્ષનો વિલય કરવો જોઇએ. 

તેઓએ દાવો કર્યો હતો કે અમારી અને ભાજપ બન્નેની વિચારધારા એક સરખી છે. કેપ્ટન અમરિંદરસિંહે પીએલસી નામનો પક્ષ બનાવ્યો હતો, અને ભાજપ સાથે મળીને વિધાનસભાની ચૂંટણી લડી હતી. જોકે આપની આંધી સામે ભાજપ અને કેપ્ટનનો પક્ષ બન્નેની કારમી હાર થઇ હતી. 

પંજાબમાં અકાળી દળથી અલગ થયા બાદ ભાજપ કોઇ મોટો ચેહરો શોધી રહ્યું હતું. જેના ભાગરુપે પણ કેપ્ટનને સામેલ કરવામાં આવ્યા છે. 

City News

Sports

RECENT NEWS