'ભૂતકાળ'ના હથિયારોની મદદથી 'વર્તમાન'ના યુદ્ધ જીતવા મુશ્કેલ, CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન
CDS Anil Chauhan: ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે ભારતની સંરક્ષણ ક્ષમતાઓનું આધુનિકીકરણ કરવાની જરૂરિયાત દર્શાવી છે. તેમણે કહ્યું કે, આજના યુદ્ધ આવતીકાલની ટેક્નોલોજીની મદદથી લડી શકાય, પરંતુ ભૂતકાળના સાધનો વડે નહીં.
યુએવી એન્ડ કાઉન્ટર- અનમેન્ડ એરિયલ સિસ્ટમ્સ (C-UAS)ના સ્વદેશીકરણ પર આયોજિત વર્કશોપમાં સીડીએસે વર્તમાન યુદ્ધમાં અદ્યતન ટેક્નોલોજીના વધતાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, જૂના-ભૂતકાળના શસ્ત્રોની મદદથી આજનું યુદ્ધ લડી શકાય નહીં. ભારતે તેના વ્યૂહાત્મક મિશનો માટે વિદેશી ટેક્નોલોજી પરની નિર્ભરતા ઘટાડવાની જરૂર છે. કારણકે, આયાતિત ટેક્નોલોજી તમારી યુદ્ધ રણનીતિને નબળી બનાવે છે.
ડિફેન્સમાં આત્મનિર્ભર બનવાની જરૂર
અનિલ ચૌહાણે મેમાં થયેલા ઓપરેશન સિંદૂર વિશે કહ્યું કે, પાકિસ્તાને સરહદ પર ડ્રોન અને દારૂગોળા વડે હુમલો કર્યો હતો. પરંતુ તેમાંથી મોટાભાગના હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતાં. આમાંથી કોઈપણ UAVs ભારતીય સેના કે તેના નાગરિક માળખાને નુકસાન પહોંચાડી શક્યા ન હતાં. આજના આધુનિક યુદ્ધમાં ડ્રોનની વધતી ભૂમિકાની નોંધ લેતાં સીડીએસે કહ્યું કે, તાજેતરના યુદ્ધોમાં જોવા મળ્યું છે કે, ડ્રોન કેવી રીતે અપ્રમાણસર રીતે વ્યૂહાત્મક સંતુલનને બદલી શકે છે. તેનો ઉપયોગ ફક્ત એક શક્યતા નથી - તે એક વાસ્તવિકતા બની છે. જેથી ડિફેન્સ સેક્ટરમાં ભારતે વિદેશી ટેક્નોલોજી પર નિર્ભર રહેવાના બદલે સ્થાનિક સ્તરે ઉત્પાદન પર ફોકસ કરવુ પડશે.
આ સેગમેન્ટમાં ફોકસ કરવા આપી સલાહ
સીડીએસે ઉભરતા હવાઈ જોખમોનો અસરકારક રીતે સામનો કરવા માટે ગતિશીલ અને બિન-ગતિશીલ બંને પ્રકારની ટેક્નોલોજી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા સલાહ આપી છે. તેમણે મહત્વપૂર્ણ ડ્રોન અને એન્ટી-ડ્રોન ટેકનોલોજીના સ્વદેશીકરણના મહત્વનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.