હું મરાઠી નહીં બોલું એવું નહીં ચાલે, મહારાષ્ટ્રમાં ઠાકરે બાદ વધુ એક દિગ્ગજ નેતાની ચીમકી
Ajit Pawar on Marathi Langauge Controversy : મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ વકરતો જઇ રહ્યો છે. રાજ ઠાકરેના નેતૃત્વ હેઠળની મનસે અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી આ મામલે મરાઠી અસ્મિતાનો કાર્ડ ખેલી રહી છે ત્યારે હિન્દી-મરાઠી વિવાદમાં હવે એનસીપી નેતા અને ડેપ્યુટી સીએમ અજિત પવારે ઝંપલાવ્યું છે.
શું કહ્યું અજિત પવારે?
અજિત પવારે કહ્યું કે હું મરાઠી નહીં બોલું એવું મહારાષ્ટ્ર નહીં ચલાવી લેવાય. ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેની મનસેના કાર્યકરો દ્વારા અત્યાર સુધી અનેક લોકો સાથે મારપીટ કરવામાં આવી છે. મનસે કહે છે કે મરાઠી ન બોલવાને કારણે મારપીટ નથી થઇ રહી પરંતુ મરાઠીનું અપમાન કરનારાઓને પાઠ ભણાવાઈ રહ્યો છે.
બિન મરાઠીઓને કરી અપીલ
મહાયુતિ સરકારમાં ડેપ્યુટી સીએમ અજિત પરવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં મરાઠીનું અપમાન સાંખી નહીં લેવાય. તમામ ભાષાને માન આપો. મરાઠી બોલવાનો પ્રયાસ કરો. પવારે મીડિયા સમક્ષ કહ્યું કે નવા લોકો મરાઠીની મુખ્યધારામાં જોડાય તેવી આશા ન રાખી શકાય પણ આવા લોકોએ મરાઠી ભાષા શીખવાના પ્રયાસ કરવા જોઇએ અને ભાષાને માન આપવું જોઈએ.