રાજીવ ગાંધી ફાઉન્ડેશન સહિત 1811 એનજીઓના વિદેશી ફંડના લાઇસન્સ રદ
- ગેરકાયદે પ્રવૃત્તિ, વિદેશી ફંડ કાયદાના ઉલ્લંઘનનો આરોપ
- રાજીવ ગાંધી ફાઉન્ડેશને ચીનની એમ્બેસી પાસેથી 1.35 કરોડ રૂ.નું ફંડ લીધુ હોવાથી લાઇસન્સ રદ કર્યું : અમિત શાહ
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા અનેક એનજીઓ પર તવાઇ બોલાવવામાં આવી છે. હાલમાં જ સરકાર દ્વારા જારી કરાયેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં ૧૮૧૧ એનજીઓના વિદેશથી ફંડ મેળવવાના લાઇસન્સને રદ કરી દેવામાં આવ્યા છે. વિદેશથી ફંડ મેળવવા માટેનો જે કાયદો છે તેનો ભંગ કરવા બદલ આ લાઇસન્સ રદ કરવામાં આવ્યા હોવાની સ્પષ્ટતા સરકાર દ્વારા આપવામાં આવી છે.
રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન નિત્યાનંદ રાયે લોકસભામાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૯થી ૨૦૨૧ દરમિયાન ૧૮૧૧ એનજીઓના લાઇસન્સ ફોરેન કન્ટ્રિબ્યૂશન (રેગ્યુલેશન) એક્ટ ૨૦૧૦ હેઠળ રદ કરવામાં આવ્યા છે. આ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કોઇ સંસ્થાએ વિદેશથી ફંડ મેળવવું હોય તો તેણે આ કાયદા હેઠળ અલગથી વિદેશથી ફંડ મેળવવાનું લાઇસન્સ લેવાનું હોય છે. જેના ચોક્કસ નિયમો હોય છે, આ નિયમોનું પાલન ન કરાય તો તેના લાઇસન્સ રદ કરી દેવાની જોગવાઇ પણ કાયદામાં છે.
બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દાવો કર્યો હતો કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનનું વિદેશથી ફંડ મેળવવાનું લાઇસન્સ પણ રદ કરવામાં આવ્યું છે. રાજીવ ગાંધી ફાઉન્ડેશને ચીનની એમ્બેસી પાસેથી ભારત-ચીન સંબંધોના વિકાસ માટે ૧.૩૫ કરોડ રૂપિયા લેવામાં આવ્યા હતા જ્યારે આ સંસ્થાનું રજિસ્ટ્રેશન સમાજ કાર્યો માટે કરવામાં આવ્યું છે.