Canada PM Mark Carney And PM Narendra Modi : કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ G7 શિખર સંમેલનમાં સામેલ થવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. પીએમ મોદીએ કાર્નીના ફોન અંગે સોશિયલ મીડિયા પર માહિતી આપીને કહ્યું કે, ‘માર્ક કાર્નીનો મને ફોન આવ્યો અને તેમણે G7 શિખર સંમેલન માટે આમંત્રણ આપ્યું છે. અગાઉ એવી અટકળો હતી કે, બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા હોવાથી બારત G7 શિખર સંમેલનમાં જોવા નહીં મળે. આ વખતે કેનેડા G7ની મેજબાની કરી રહ્યું છે.
ભારત જી7 સંમેલનમાં ભાગ લેશે
વડાપ્રધાને કહ્યું કે, ‘કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ મને ફોન કર્યો હતો. કેનેડાની ચૂંટણીમાં જીત બદલ મેં તેમને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ભારતને G7 શિખર સંમેલન (G7 Summit 2025) માટે આમંત્રણ આપ્યું છે, જે બદલ મેં તેમનો આભાર વ્યક્ત કર્યો છે. જીવંત લોકશાહી તરીકે ભારત અને કેનેડા પરસ્પર આદર અને સહિયારા હિતો માટે નવા ઉત્સાહ સાથે કામ કરવા તૈયાર છે. અમે આ સંમેલનમાં મળવા માટે આતુર છીએ.’
ભારત-કેનેડાના સંબંધો
ઉલ્લેખનીય છે કે, તત્કાલીન કેનેડીયન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ વર્ષ 2023માં ભારત સાથે સંબંધો બગાડ્યા હતા. તેમણે ખાલિસ્તાની નિજ્જરની હત્યા મામલે ભારત પર આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ બંને દેશો વચ્ચે ઘણો તણાવ વધ્યો હતો. ત્યારબાદ આંતરિક બળવો થવાના કારણે ટ્રુડોએ પદ છોડવું પડ્યું હતું. ત્યારબાદ માર્ક કાર્ની કેનેડાના નવા વડાપ્રધાન બન્યા છે.


