કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફારઃ 27 નવા પ્રધાનો જોડાય તેવી સંભાવના
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ અને કિરીટ સોલંકીને પણ તક મળી શકે
સિંધિયા, સુશીલ મોદી, સોનોવાલ, રાણે, યાદવ અને કૈલાસ વિજયવર્ગીયના સમાવેશની પણ સંભાવના
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણની અટકળો વચ્ચે 27 ઉમેદવારોનું નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું હોવાના અહેવાલ છે. આ ફેરફારમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ અને અમદાવાદ પૂર્વના સાંસદ કિરીટ સોલંકીને પણ તક મળી શકે છે. સંભવિત નામોમાં હેવીવેઇટ જ્યોતિરાદિત્ય સિંધિયા, સુશીલ મોદી, સરબનંદા સોનોવાલ, નારાયણ રાણે અને ભુપેન્દ્ર યાદવ તથા ભાજપ માટે પશ્ચિમ બંગાળમાં થાક્યા વગર મોટાપાયા પર પ્રચાર અભિયાન ચલાવનારા કૈલાસ વિજયવર્ગીયનો સમાવેશ થાય છે.
ભાજપના પ્રવક્તા સૈયદ ઝફર ઇસ્લામને પણ કેન્દ્ર સરકારમાં મહત્વની ભૂમિકા પર લેવામાં આવી શકે છે. મહારાષ્ટ્રના બીડના સાંસદ પ્રીતમ મુંડે અને ગોપીનાથ મુંડેની પુત્રી પણ આ યાદીમાં હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત ભાજપના ઉત્તરપ્રદેશના પ્રદેશપ્રમુખ સ્વતંત્રદેવ સિંઘનું નામ પણ નિશ્ચિત મનાય છે. તેઓ આગામી વર્ષે ઉત્તરપ્રદેશમાં યોજાનારી ચૂંટણીમાં પક્ષની કમાન સંભાળવાના છે.
આ ઉપરાંત મહારાજગંજના સાંસદ પંકજ ચૌધરી, વરુણ ગાંધી અને જોડાણના ભાગીદાર અનુપ્રિયા પટેલનો પણ સંભવિતોમાં સમાવેશ થાય છે. રાજ્યસભાના સાંસદ અનિલ જૈન, ઓડિશાના સાંસદ અશ્વિની વૈષ્ણવ અને ભૂતપૂર્વ રેલવે પ્રધાન દિનેશ ત્રિવેદીનું નામ પણ સંભવિતોની યાદીમાં છે.
રાજસ્થાનમાંથી નોંધપાત્ર પ્રમાણમાં ભરતી કરવામાં આવે તેમ મનાય છે. તેમા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પીપી ચૌધરી, ચુરુથી રાજસ્થાનના યુવાન સાંસદ રાહુલ કાસવાન અને સિકરના સાંસદ સુમેધાનંદ સરસ્વતીનો સમાવેશ થાય છે. નવી દિલ્હીમાં એકમાત્ર ઉમેદવાર દિલ્હીના સાંસદ મીનાક્ષી લેખી છે. એલજેપીમાં ચિરાગ પાસવાન સામે બળવો કરનારા પશુપતિ પારસને તથા જેડીયુમાંથી આરસીપી સિંઘ અને સંતોષકુમારને તક મળી શકે છે.
રાજ્યસભાના સાંસદ ચંદ્રશેખર કર્ણાટકનું પ્રતિનિધિત્વ કરી શકે છે. ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટિલની સાથે અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકીના નામની પણ વિચારણા થઈ રહી છે. હરિયાણાના સિરસાના ભૂતપૂર્વ ઇન્કમટેક્સ ઓફિસર સુનીલ દુગ્ગલનું નામ પણ સંભવિતોમાં સામેલ છે. આ ઉપરાંત લડાખના સાંસદ જામયાંગ ત્સેરિંગ જેમણે 2019માં સંસદમાં તેમના અસરકારક ભાષણથી કેન્દ્રીય પ્રધાન અમિત શાહને પ્રભાવિત કર્યા હતા તેમના નામ પર પણ વિચારણા થઈ છે.
રામવિલાસ પાસવાન અને સુરેશ આંગડી જેવા કેન્દ્રીય નેતાઓના મોતના પગલે અને અકાલી દળ અને શિવસેના જોડાણમાંથી નીકળી જતા કેન્દ્રીય કેબિનેટમાં આ સ્થાન ઘણા સમયથી ખાલી પડ્યા હતા. તેથી કેબિનેટ વિસ્તરણ કરવું આમ પણ લાંબા સમયની માંગ હતી. આ રીતે કેન્દ્રીય પ્રધાનોની મોત અને બીજાની વિદાયના લીધે વર્તમાન કેન્દ્રીય પ્રધાનો એકસાથે અનેકવિધ પોર્ટફોલિયો સંભાળી રહ્યા છે. મોદીની આગેવાની હેઠળ ભાજપ 2019માં સત્તા પર આવ્યા પછી કેબિનેટમાં પહેલી વખત આ મોટાપાયા પરનું વિસ્તરણ થઈ રહ્યું છે.