સી.પી. રાધાકૃષ્ણન આજે લેશે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ, જગદીપ ધનખડ રહેશે ઉપસ્થિત
C. P. Radhakrishnan : ભારતના ઉપરાષ્ટ્રપતિના પદ પર ચૂંટાયેલા સી.પી. રાધાકૃષ્ણન આજે શુક્રવારે (12 સપ્ટેમ્બર) શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં તેમને શપથ લેવડાવશે. 67 વર્ષીય રાધાકૃષ્ણન અગાઉ મહારાષ્ટ્રના રાજ્યપાલ હતા. ગત મંગળવારે યોજાયેલી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેમણે વિપક્ષી ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીને 152 મતથી હરાવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, તત્કાલીન ઉપરાષ્ટ્રીય જગદીપ ધનખડને ગત 21 જુલાઈના રોજ સ્વાસ્થ્ય કારણોસર અચાનક રાજીનામું આપ્યું હતું. જ્યારે હવે રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયા બાદ તેમણે મહારાષ્ટ્રના રાજ્યપાલ પદ પરથી રાજીનામું આપ્યું છે. આ પછી રાષ્ટ્રપતિએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રના વધારાનો હવાલો સોંપવાની જાહેરાત કરી છે.
રાધાકૃષ્ણનને 452 મત મળ્યા
ગત મંગળવારે (9 સપ્ટેમ્બર) યોજાયેલી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સી.પી. રાધાકૃષ્ણને ઈન્ડિયા બ્લોક ઉમેદવાર અને સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી. સુદર્શન રેડ્ડીનો 152 મતથી હરાવ્યા હતા. ચૂંટણીમાં 788 સદસ્યોમાંથી 767એ મતદાન કર્યું હતુ. રાધાકૃષ્ણનને 452 મત મળ્યા હતા. જ્યારે સુદર્શન રેડ્ડીને માત્ર 300 મત મળ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતના રાજ્યપાલને મહારાષ્ટ્રના રાજ્યપાલ પદનો વધારાનો કાર્યભાર સોંપાયો, જાણો કારણ
મળતી માહિતી મુજબ, નવા ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનના શપથગ્રહણ સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ સામેલ રહી શકે છે. જ્યારે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે હોવાથી શપથ ગ્રહણમાં નહીં આવી શકે. જોકે, કોંગ્રેસના પ્રમુખ ખડગે શપથગ્રહણ સમારોહમાં જોડાશે.