ગુજરાતની કડી, વિસાવદર સહિત 4 રાજ્યોની 5 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી, જાણો તારીખ
Gujarat By-Election: ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળી શકે છે. કારણ કે, ચૂંટણી પંચ દ્વારા રાજ્યની બે વિધાનસભા બેઠક કડી અને વિસાવદર માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. બંને બેઠકો પર 19 જૂન, 2025ના દિવસે મતદાન કરવામાં આવશે. 23 જૂને મતગણતરી થશે. આ સિવાય અન્ય 4 રાજ્યોમાં પણ પેટાચૂંટણીના જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની બે સહિત કુલ 5 વિધાનસભા બેઠક પર 19 જૂનથી પેટાચૂંટણી યોજાશે. ચૂંટણી પ્રક્રિયા માટે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત સોમવાર (26 મે)થી શરૂ થશે.
કઈ-કઈ બેઠક પર યોજાશે પેટાચૂંટણી?
જે બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, તેમાં ગુજરાતની બે બેઠક કડી અને વિસાવદર સામેલ છે. આ સિવાય કેરળની નિલંબુર વિધાનસભા બેઠક, પંજાબની લુધિયાણા પશ્ચિમ બેઠક અને પશ્ચિમ બંગાળની કાલીગંજ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે.
ચૂંટણીપંચે જણાવ્યું કે, 19 જૂને સવારથી સાંજ સુધી મતદાન યોજાશે, આ દરમિયાન તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે, જેથી મતદારો કોઈપણ મુશ્કેલી વિના મતદાન કરી શકે. મતદાન બાદ 23 જૂને મતગણતરી થશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીપંચે મતદારોને ઉત્સાહભેર મતદાન કરવાની અપીલ કરી છે.
કડી અને વિસાવદરની બેઠક કેમ ખાલી થઈ બેઠક?
ગુજરાતની વાત કરીએ તો, કડીમાં પૂર્વ ધારાસભ્ય કરસન સોલંકીના મૃત્યુના કારણે કડી વિધાનસભા બેઠક ખાલી થઈ હતી. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. આ સિવાય વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યે રાજીનામું આપી ભાજપમાં સામેલ થઈ ગયા હતાં, જેના કારણે વિસાવદર બેઠક ખાલી થઈ હતી.
અન્ય રાજ્યની બેઠક કેમ થઈ ખાલી?
લુધિયાણા પશ્ચિમ બેઠક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુરપ્રીત ગોગીના નિધનના કારણે ખાલી થઈ હતી. ગુરપ્રીત ગોગીનું મોત જાન્યુઆરી 2025માં ઘરે જ લાઇસન્સવાળી બંદૂકથી ભૂલથી ગોળી વાગવાના કારણે થયું હતું. તેમજ કેરળની નિલાંબુર બેઠક પર પીવી અનવરે રાજીનામું આપી દીધું હોવાના કારણે બેઠક ખાલી થઈ હતી. આ સિવાય પશ્ચિમ બંગાળની કાલીગંજ વિધાનસભા બેઠક TMC (તૃણમુલ કોંગ્રેસ પાર્ટી) ધારાસભ્ય નસીરૂદ્દીન અહેમદના નિધન બાદ ખાલી થઈ હતી.