Get The App

બિહાર, ઉત્તર પ્રદેશ સહિત આ 6 રાજ્યોની 7 વિધાનસભાની પેટાચૂંટણી, જાણો વધુ વિગતો

Updated: Nov 3rd, 2022

GS TEAM

Google News
Google News
બિહાર, ઉત્તર પ્રદેશ સહિત આ 6 રાજ્યોની 7 વિધાનસભાની પેટાચૂંટણી, જાણો વધુ વિગતો 1 - image


નવી દિલ્હી, તા. 03 નવેમ્બર 2022, ગુરૂવાર

આજે દેશમાં છ રાજ્યોની 7 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે આજે મતદાન ચાલું છે. આ ચૂંટણીમાં પ્રતિકાત્મક જંગ BJP અને પ્રાદેશિક પક્ષો વચ્ચે છે. હરિયાણા ખાતેનું આદમપુર વિધાનસભા ક્ષેત્ર છેલ્લા 5 દાયકાથી ભજનલાલ પરિવારનો ગઢ રહ્યું હોવાથી તેઓ તેને જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વમાં 'મહાગઠબંધન' સરકાર બન્યા બાદ આ પ્રથમ ચૂંટણી કસોટી છે. નીતિશ કુમાર અને તેમની પાર્ટી JDUએ BJPનો સાથ છોડ્યાના 3 મહિનાથી પણ ઓછા સમયમાં બિહારમાં પ્રથમ પેટાચૂંટણી યોજાઈ રહી છે. 

ઉત્તર પ્રદેશ 

ઉત્તર પ્રદેશમાં ભગવા પાર્ટી ગોકર્ણનાથ બેઠકને જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે. ઉત્તર પ્રદેશના લખમીપુર-ખેરી જિલ્લાની ગોલા ગોકર્ણનાથ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન ચાલું છે. BJP ધારાસભ્ય અરવિંદ ગિરિનું 6 સપ્ટેમ્બરના રોજ હાર્ટ એટેકથી અવસાન થવાથી આ બેઠક ખાલી થઈ હતી. 

BSP અને કોંગ્રેસે આ પેટાચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા નથી. તેથી ત્યાં BJP ઉમેદવાર અને સ્વર્ગસ્થ ધારાસભ્ય અરવિંદ ગિરિના પુત્ર અમન ગિરિ અને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર વિનય તિવારી વચ્ચે મુકાબલો છે. 

ઓડિશા

ઓડિશામાં સત્તારૂઢ બીજુ જનતા દળ (BJD) શાસિત ઓડિશામાં વર્તમાન ધારાસભ્યના મૃત્યુથી ખાલી થઈ છે. BJDએ ધામનગરના 5 ઉમેદવારોમાં એક માત્ર મહિલા એબાંતી દાસને ઉમેદવાર બનાવ્યા છે. આ બેઠક પર BJP ધારાસભ્ય ચરણ સેઠીના અવસાન બાદ પેટાચૂંટણી ફરજિયાત બની હતી. ધામનગર બેઠક પર સહાનુભૂતિનો લાભ લેવા માટે BJP દ્વારા સેઠીના પુત્ર સુર્યવંશી સુરજને ઉમેદવાર જાહેર કરી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

તેલંગાણા 

અત્યાર સુધી તેલંગાણાની મુનૂગોડા બેઠક પર વહેલી સવારથી લોકોની લાંબી લાઈનો લાગી હતી. આ બેઠક પર અત્યાર સુધીના આંકડા પ્રમાણે 59.92 ટકા મતદાન થયું છે. 

તેલંગાણાની મુનૂગોડા સીટ પર BJP અને રાજ્યમાં સત્તારૂઢ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) એ આક્રમક પ્રચાર કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા રાજીનામું આપવાથી આ બેઠક ખાલી થઈ હતી અને હવે તેઓ ફરીથી BJPની ટિકિટ પર મેદાનમાં ઉતર્યા છે. 

અધિકારીઓએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચે મોટા પાયે મતદાનની તૈયારી કરી છે. તે અંતર્ગત 3,366 રાજ્ય પોલીસ કર્મચારીઓની તૈનાતી ઉપરાંત મુનૂગોડામાં કેન્દ્રીય અર્ધસૈનિક દળોની 15 કંપનીઓને ઉતારવામાં આવી છે અને તમામ મતદાન કેન્દ્રો પર વેબકાસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.  

ચૂંટણી પંચે તેલંગાણાના મુખ્ય ચૂંટણી અધિકારીને વિવિધ અમલીકરણ એજન્સીઓ દ્વારા મુનૂગોટા બેઠક પર થઈ રહેલા મતદાન પર નજીકથી દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો છે. 

રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાને સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે TRSએ તાજેતરમાં જ પાર્ટીનું નામ બદલીને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) કર્યું છે. આ ચૂંટણીમાં હારની સ્થિતિમાં રાષ્ટ્રીય રાજકારણમાં ભૂમિકા ભજવવાની યોજનાને ફટકો પડશે. ત્યારે BJP પોતાને રાજ્યમાં TRSના વિકલ્પ તરીકે રજૂ કરવાની યોજના પર કામ કરી રહી છે અને મુનૂગોડા બેઠક પર જીત મળવાથી તેને પ્રોત્સાહન મળશે. 

આ પેટાચૂંટણીમાં મુખ્ય જંગ રાજગોપાલ રેડ્ડી, TRSના પૂર્વ ધારાસભ્ય કુસુકુંતલા પ્રભાકર રેડ્ડી અને કોંગ્રેસના પી શ્રવંતી વચ્ચે થવાની ધારણા છે.

હરિયાણા

ભજનલાલના નાના દીકરા કુલદીપ બિશ્નોઈના રાજીનામાના કારણે હરિયાણાની આદમપુર બેઠક માટે પેટા ચૂંટણી જરૂરી બની ગઈ હતી. કુલદીપે આ વર્ષે ઓગસ્ટમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને તે BJPમાં જોડાઈ ગયા હતા. બિશ્નોઈના પુત્ર ભવ્ય આ બેઠક પરથી BJPના ઉમેદવાર તરીકે મેદાનમાં છે. આ બેઠક 1968થી ભજનલાલ પરિવારની પાસે રહી છે અને સ્વર્ગસ્થ મુખ્યમંત્રીએ 9 વખત તેમની પત્ની જસ્મા દેવીએ એક વખત તથા કુલદીપે 4 વખત તેનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ, ઈન્ડિયન નેશનલ લોકદળ અને AAPએ પણ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.  

હરિયાણામાં મુખ્યંત્રી મનોહર લાલ ખટ્ટરે પણ સક્રિયપણે આદમપુર બેઠક પર ચૂંટણીનો પ્રચાર કર્યો હતો. ત્યાંથી પૂર્વ મુખ્યમંત્રી ભજનલાલ અને તેમના પૌત્ર સહિત 22 ઉમેદવારોનું ભાવિ દાવ પર છે. ભજન લાલ અને દેવી લાલ પરિવારોની રાજકીય દુશ્મનાવટને બાજુ પર રાખીને હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ ભવ્ય માટે પ્રચાર કર્યો હતો. 

કોંગ્રેસે પૂર્વ કેન્દ્રીય મંત્રી જય પ્રકાશને ઉમેદવાર બનાવ્યા છે. તે 3 વખત હિસારથી સાંસદ અને 2 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ ચૂક્યા છે. INLD કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય કુર્દા રામ નંબરદારને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. AAPએ BJPને છોડીને આવેલા સતેન્દ્ર સિંહને મેદાનમાં ઉતાર્યા છે. 

બિહાર

બિહાર વિધાનસભાની બે બેઠકો મોકામા અને ગોપાલગંજ માટો પેટા ચૂંટણી યોજાઈ છે. અત્યાર સુધીના આંકકા પ્રમાણે મોકામા બેઠક પર 42.44 ટકા અને ગોપાલગંજ બેઠક પર 42.65 ટકા મતદાન થયું છે. 

બન્ને બેઠકો પર સત્તારૂઢ મહાગઠબંધનમાં સામેલ રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને વિપક્ષ BJP વચ્ચે જોરદાર ટક્કર થવાની સંભાવના છે. મોકામા બેઠક પર પહેલા RJDનો અને ગોપાલગંજ પર BJPનો કબજો હતો. 

BJP પ્રથમ વખત મોકામા બેઠક પરથી ચૂંટણી લડી રહી છે. અગાઉની ચૂંટણીમાં તે આ બેઠક પોતાના સાથી પક્ષો માટે છોડતી હતી. BJP અને RJD બન્નેએ આ સીટ પર બાહુબલીઓની પત્નીને ઉમેદવાર બનાવી છે. BJPએ મોકામામાં સોનમ દેવીને મેદાનમાં ઉતાર્યા છે. સોનમ દેવી એક સ્થાનિક બાહુબલી લલન સિંહની પત્ની છે. RJDએ આ બેઠક પર અનંત સિંહની પત્ની નીલમ દેવીને મેદાનમાં ઉતાર્યા છે. RJDના ધારાસભ્ય અનંત કુમાર સિંહને ગોરલાયક ઠેરવવાના કારણે મોકામામાં પેટાચૂંટણી યોજાઈ રહી છે. 

બાહુબલીમાંથી રાજનેતા બનેલા અનંત સિંહે મોકામા બેઠક પર મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી JDUની ટિકિટ પર 3 વાર અને એક વખત અપક્ષ અને 2020માં RJDના ઉમેદવાર તરીકે જીત મેળવી હતી. 

JDUના વરિષ્ઠ નેતા અને રાજ્યના નાણા મંત્રી વિજય કુમાર ચૌધરીએ કહ્યું હતું કે, 'મહાગઠબંધનના ઉમેદવાર સરળતાથી બન્ને બેઠકો પર જીત મેળવશે. મતદારોએ મુખ્યમંત્રી નીતિશ કુમારના કાર્યકાળમાં વિકાસને જોયો છે.' 

સ્થાનિક બાહુબલી અને અંનત સિંહના વિરોધી લલન સિંહની પત્ની સોનમ સિંહ પ્રથમ વખત મેદાનમાં ઉતર્યા છે.  લલન સિંહને ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા બનેલા સૂરજ ભાન સિંહના નજીકના મિત્ર માનવામાં આવે છે. તેમણે વર્ષ 2000માં વિધાનસભા ચૂંટણીમાં અનંત સિંહના મોટા ભાઈ દિલીપ સિંહને હરાવ્યા હતા.

ગોપલગંજ બેઠક પર પેટાચૂંટણી ચાર વખત ભાજપના ધારાસભ્ય સુભાષ સિંહના નિધનના કારણે થઈ રહી છે. આ બેઠક પરથી પાર્ટીએ કી સિંહની પત્ની કુસુમ દેવીને મેદાનમાં ઉતાર્યા છે. 

RJDએ વૈશ્ય સમુદાય સાથે સંબંધ ધરાવતા મોહન પ્રકાશ ગુપ્તાને BJPએ ટિકિટ આપી છે. ત્યારે બહુજન સમાજ પાર્ટી (BSP) એ લાલુ પ્રસાદ યાદવના સાળા સાધૂ યાદવની પત્ની ઈન્દિરા યાદવને ઉમેદવાર બનાવ્યા છે. 

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં મુંબઈની અંધેરી (પૂર્વ) વિધાનસભા મત વિસ્તારમાં ગુરૂવારની પેટા ચૂંટણી ગયા મહિને BJPના ઉમેદવાર મેદાનમાંથી ખસી ગયા હોવાથી માત્ર એક ઔપચારિકતા છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળ શિવસેના જૂથના ઉમેદવાર રૂતુજા લટ્ટેનો રસ્તો સરળ છે. તેમની સામે 6 ઉમેદવારો થે તેમાંથી 4 અપક્ષ છે. NCP અને કોંગ્રેસે લટ્ટેની ઉમેદવારીને સમર્થન આપ્યું છે. 

અત્યારે છ રાજ્યોની જે 7 બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે તેમાં BJP અને કોંગ્રેસ પાસે 2-2 બેઠક હતી. ત્યારે BJD, શિવસેના અને RJD પાસે 1-1 બેઠક હતી. 

આ બેઠકોના પરિણામોથી વિધાનસભાની સ્થિતિમાં કોઈ પરિવર્તન નહી થાય પરંતુ રાજકીય પક્ષોએ તેને હળવાશથી લીધા વગર આક્રમક રીતે ચૂંટણી પ્રચાર કર્યો હતો. મતગણતરી 6 નવેમ્બરના રોજ થશે.