India

સ્વદેશી ખરીદો, સ્વદેશી વેચો: મોદીની અપીલ

By GS TEAM
26 Aug 20253 mins read
સ્વદેશી ખરીદો, સ્વદેશી વેચો: મોદીની અપીલ

- જીએસટી રિફોર્મ થતા વેપારી-બધા વર્ગ માટે 'ખુશીઓની દિવાળી'

- ગાંધીના નામે 60 વર્ષ સુધી સત્તા ભોગવી પણ કોંગ્રેસે ભારતને અન્ય દેશો પર નિર્ભર રાખ્યું, સ્વદેશીનું નામ સુધ્ધાં લીધું નહીં : રૂ. 5477 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ

- સુદર્શનધારી-ચરખાધારી મોહનના માર્ગે ગુજરાત-ભારતે વિકાસની કેડી કંડારી, એક સમયે અમદાવાદ કરફ્યુમાં રક્તરંજિત રહેતું, આજે સૌથી સુરક્ષિત શહેર બન્યું          

અમદાવાદ : ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  નિકોલમાં  જાહેરસભામાં  દેશવાસીઓને સ્વદેશી ખરીદવાનો સંકલ્પ કરવા આહ્વાન કર્યુ હતું. તેમણે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે લોકોને અપીલ કરીકે, નવરાત્રી-દિવાળીના તહેવારો આવી રહ્યા છે  ત્યારે આ તહેવારો પણ આત્મનિર્ભરતાના ઉત્સવો બની રહેવા જોઈએ.સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદીને જીવનમંત્રી બનાવો. બધા નક્કી કરી લો  કે, વિદેશી માલ નહીં વેચો.  તમારી દુકાનના બહાર ગર્વ સાથે બોર્ડ લગાવો કે, અમારે ત્યાં સ્વદેશી વેચાય છે. નરેન્દ્ર મોદીએ એવી ખાતરી પણ આપી કે,  જીએસટી રિફોર્મ થતાં આ વખતે દિવાળી પહેલાં જ વેપારી સહિત બધાય વર્ગને ખુશીઓની ભેટસોગાદ મળશે. 

વડાપ્રધાન મોદીએ ભારત માતા કી જયના નારાં સાથે સંબોધનની શરૂ કરી બે મોહનનો ઉલ્લેખ કરતાં કહ્યુંકે, ગુજરાતની ધરતી પર બે મોહન છે એક સુદર્શનધારી દ્વારકાધીશ, બીજા ચરખાધારી મોહન, ગાંધીજી, સુદર્શનચક્રધારીએ ન્યાય-સુરક્ષાનું કવચ આધારે દેશની રક્ષા કેવી રીતે કરવી તેનો માર્ગ દેખાડયો જયારે ચરખાધારી મોહન ગાંધીજીએ દેશને સ્વદેશીનો રસ્તો બતાવ્યો. આ માર્ગે ચાલી ગુજરાત-ભારતે વિકાસની કેડી કંડારી છે. વડાપ્રધાને કોંગ્રેસને આડે હાથે લેતાં કહ્યુંકે, જેમણે દશકો સુધી ગાંધીનું નામ લઇને સત્તા ભોગવી તેમણે જ બાપુની આત્માને કચડી નાંખી.તેમના મોઢે ક્યારેય સ્વચ્છતા-સ્વદેશીનું નામ જ લેવાયુ નહી. ભારતને આત્મનિર્ભર બનાવ્યુ જ નહી.

અમદાવાદ શહેરની વિકાસગાથાને લઇને વડાપ્રધાને ઉદાહરણ ટાંક્યુકે, એવા દિવસો જોયા છે કે, અમદાવાદમાં કરફ્યુમાં દિવસો વિતાવતા પડતાં હતાં. વાર તહેવાર હોય તો શહેર રક્તરંજિત થઇ જતુ હતુ. દિલ્હીમાં બેઠેલી સરકાર કઇં કરતી ન હતી. પણ આજે આતંકવાદી-તેમના આકા પાતાળમાં પણ હોય તેમને છોડવામાં આવતા નથી. પહેલગામનો બદલો કેવી રીતે લેવાયો તે દુનિયાએ જોયુ છે. નક્કી કરેલાં આતંકવાદી સ્થળોને નિશાન બનાવી માત્ર ૨૨ મિનિટમાં સફાયો કરાયો હતો. એક સમયે શહેરમાં માત્ર લાલબસ ચાલતી હતી. આજે બીઆરટીએસ-સીએનજી બસો દોડી રહી છે. મેટ્રોરેલ દોડી રહી છે. સરદાર પટેલ રીગરોડ સહિત રોડ પ્રોજેક્ટને લીધે કનેકટીવીટી વધી છે. 

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ ગાંધી આશ્રમના નવીનીકરણનો પ્રોજેક્ટ કરવાની મારી ઇચ્છા હતી પણ તે વખતે કેન્દ્ર સરકાર મારા માટે જ નહી, ગાંધીજી માટે પણ અનુકુળ ન હતી. હવે જ્યારે આ પ્રોજેક્ટ શરૂ થયો છે ત્યારે ગાંધી આશ્રમ હવે વિશ્વ માટે શાંતીની પ્રેરણાભૂમિ સ્થળ બની રહેશે. એક સમય હતો જ્યારે લોકો અમદાવાદને ગડદાબાદ કહી ઉડાડતાં હતા. આજે અમદાવાદ સપનાઓ અને સંકલ્પોનું શહેર ગણાય છે.  સ્વચ્છતા ક્ષેત્રે અમદાવાદ દેશમાં નામ કમાઈ રહ્યુ છે. સાબરમતી નદીના કેવા હાલ હતા, એક સૂકા નાળા જેવી હતી. જેમા સર્કસ થતા હતા, લોકો ક્રિકેટ રમતા હતા આજે સાબરમતી રિવરફ્રન્ટ શહેરનું ગૌરવ વધારી રહ્યુ છેે. અમદાવાદ આજે યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સીટી બન્યુ છે. આવતીકાલે હાંસલપુરમાં ઇલેક્ટ્રીક વ્હિકલ મેન્યુફેકચરીગની શરૂઆત થવા જઇ રહી છે. આ ઉપરાંત ગુજરાત સેમી કન્ડકટરમાં પણ નામના મેળવશે. ટેક્સટાઇલ્સ,જેમ્સ જ્વેલરી ગુજરાતની ઓળખ બન્યુ છે. પરમાણુ ઉર્જીમાં પણ ગુજરાતની ભાગીદારી રહી છે. ગુજરાત આજે આત્મનિર્ભરતાના માર્ગે આગળ વધી રહ્યુ છે.  વડાપ્રધાને ફરી એ વાત દોહરાવીકે, આત્મનિર્ભર ભારત અભિયાન આગળ ધપી રહ્યુ છે ત્યારે આ બધુય બે દશકની મહેનત છે. ગુજરાતની યુવાપેઢીએ જોયુ નથીકે, અહી શું હતું. કેવી અશાંતિ હતી. આજે શાંત અને સુરક્ષિત ગુજરાતમાં ઉદ્યોગો આવી રહ્યાં છે. ગુજરાત મેન્યુફેચરીંગ હબ બન્યુ છે જેથી રોજગારની તકો વધી છે. ડેરી-સહકાર ક્ષેત્રમાં મહિલાઓના યોગદાને યાદ કરતા વડાપ્રધાને કહ્યુંકે, પશુપાલન વ્યવસાય કરી મહિલાઓને ડેરી સેક્ટરને આત્મનિર્ભર બનાવ્યુ છે. તેમણે એવી ખાતરી આપીેકે, મારી સરકાર ક્યારે ખેડૂતો,પશુપાલકોને અન્યાય નહી કરે, ભલે ગમે તેટલું રાજકીય દબાણ કેમ ન હોય. 

છેલ્લે તેમણે આશા વ્યક્ત કરીકે, આગામી દિવસોમાં ભારત વિકસીત ભારત બની રહેશે અને લોકો પણ લોકલ ફોર વોકલના વાહક બની રહેશે. નિકાલ ખાતે આયોજીત જાહેરસભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં.