Get The App

હિમાચલના બિલાસપુરમાં ભૂસ્ખલનની ઝપેટમાં આવી બસ, મુસાફરો કાટમાળમાં દબાયા, 18ના મૃતદેહ બહાર કઢાયા

Updated: Oct 7th, 2025

GS TEAM

Google News
Google News
હિમાચલના બિલાસપુરમાં ભૂસ્ખલનની ઝપેટમાં આવી બસ, મુસાફરો કાટમાળમાં દબાયા, 18ના મૃતદેહ બહાર કઢાયા 1 - image


Himachal Pradesh News: હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં મોટી દુર્ઘટના બની છે. બિલાસપુર જિલ્લાના ઝંડૂતા તાલુકાના બાલૂઘાટ નજીક બુધવારે મોડી સાંજે ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) થતાં એક બસ તેની ઝપેટમાં આવી હતી, જેના કારણે અનેક લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર, બસ પર અચાનક પહાડનો કાટમાળ પડતા બસમાં સવાર મુસાફરો દબાયા હતા. દુર્ઘટના બાદ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે. સ્થાનિક તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ દ્વારા કાટમાળ હટાવવા અને દબાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે. બસમાં 25થી 30 મુસાફરો સવાર હોવાનો અંદાજ છે.

18 મૃતદેહોને બહાર કઢાયા

JCBની મદદથી બસને તોડીને મુસાફરોને બહાર કાઢવા પડ્યા હતા. જેમાં મોડી રાત સુધીમાં 18 મૃતદેહોને બહાર કઢાયા હતા, જ્યારે 2 બાળકો સહિત 3ને જીવતા બહાર કઢાયા હતા. બસમાં કેટલા મુસાફરો સવાર હતા તેનો આંકડો હજુ સુધી બહાર નથી આવ્યો. હજુ પણ બચાવ કામગીરી ચાલી રહી છે.

આખી રાત રેસ્ક્યૂ ઓપરેશન ચાલશે

આસપાસના લોકો પણ રાહત અને બચાવ કામગીરીમાં લાગ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે, બચાવ કામગીરી આખી રાત ચાલુ રહેશે અને જલ્દીથી ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

હિમાચલના બિલાસપુરમાં ભૂસ્ખલનની ઝપેટમાં આવી બસ, મુસાફરો કાટમાળમાં દબાયા, 18ના મૃતદેહ બહાર કઢાયા 2 - image

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુઃખ વ્યક્ત કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ આ ભયાનક દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો. X પરની એક પોસ્ટમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લખ્યું કે, "હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં ભૂસ્ખલનને કારણે થયેલી બસ દુર્ઘટનામાં અનેક લોકોના મોતના સમાચાર અત્યંત દુઃખદ છે. હું તેમના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું."

પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, સહાય જાહેર

મંગળવારે સાંજે (7 ઓક્ટોબર, 2025) પ્રધાનમંત્રી કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દુર્ઘટના અંગે એક પોસ્ટ શેર કરી હતી. જેમાં પીએમ મોદીએ કહ્યું, "હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં અકસ્માતમાં થયેલી જાનહાનિથી દુઃખી છું. આ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારો સાથે છે. હું ઈજાગ્રસ્તોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી આપવામાં આવશે."

મુખ્યમંત્રી સુક્ખૂએ દુઃખ વ્યક્ત કર્યું

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ બસ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને રાહત કામગીરીમાં ઝડપ લાવવાના નિર્દેશ આપ્યા છે. તેમણે મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા દિવંગત આત્માઓની શાંતિ માટે ઇશ્વરને પ્રાર્થના કરી છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર આ દુઃખના સમયમાં પીડિત પરિવારોની સાથે મજબૂતીથી ઉભી છે અને તેમણે શક્ય તમામ મદદ પ્રદાન કરાશે.


મુખ્યમંત્રી સતત જિલ્લા તંત્રના સંપર્કમાં છે અને તેમણે રાહત અને બચાવ કામગીરીમાં વધુ ઝડપ લાવવાના નિર્દેશ આપ્યા છે. તેમણે પણ એ નક્કી કરવા કહ્યું છે કે, ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવે અને તેની સારવારની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે. મુખ્યમંત્રી શિમલાથી સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.



Tags :