શા માટે નારાજ છે મુસ્લિમ મહિલાઓ: દેશમાં રાજકીય ભૂકંપ, ઓવૈસી પણ ભડક્યા, આખરે શું છે આ 'Bulli Bai' વિવાદ
- બુલ્લી ડીલ્સ પર પણ મુસ્લિમ મહિલાઓની તસ્વીરોનો સોદો કરવામાં આવી રહ્યો છે
નવી દિલ્હી, તા. 02 જાન્યુઆરી, 2022, રવિવાર
સુલ્લી ડીલ્સ બાદ હવે બુલ્લી બાઈ...આ એક એવી એપ છે જેણે સોશિયલ મીડિયા પર હોબાળો મચાવી રાખ્યો છે. હૈશ ટૈગ બુલ્લી બાઈ (#BulliBai)ના નામથી આ એપને ટ્રોલ કરવામાં આવી રહી છે અને સાથે જ આ એપે મુસ્લિમ મહિલાઓને પણ ખૂબ જ નારાજ કરી દીધી છે. એપને લઈને રાજકીય નિવેદનો પણ શરૂ થઈ ગયા છે અને મામલો પોલીસ તપાસ સુધી પહોંચ્યો છે. આ સ્થિતિમાં આ સવાલ દરેકના મનમાં થવો સ્વભાવિક છે કે, આખરે આ સુલ્લી ડીલ્સ અને બુલ્લી બાઈ છે શું?
મુસ્લિમ મહિલાઓની નારાજગીનું કારણ
બુલ્લી બાઈ એપના કારણે મુસ્લિમ મહિલાઓ ખૂબ જ નારાજ થઈ ગઈ છે. એપ બનાવનારા લોકો અલગ-અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટથી ગેરકાયદેસર રીતે મુસ્લિમ મહિલાઓની તસ્વીર એકત્ર કરે છે અને તેના પર વાંધાજનક સામગ્રી લખીને તેમની તસ્વીરોને ટ્રોલ કરે છે. તસ્વીરોનો ખોટી રીતે ઉપયોગ થાય છે. એપ પર કેટલીય મહિલાઓની તસ્વીરો હોય છે જેના પર કોઈ મહિલાની તસ્વીર સાથે લખ્યું હોય છે કે, યોર બુલ્લી બાઈ ઓફ ધ ડે...આ તસ્વીરોને શેર કરીને તેની હરાજી પણ કરવામાં આવી રહી છે.
સુલ્લી ડીલ શું છે?
સુલ્લી મહિલાઓના વિરોધમાં ઉપયોગ કરવામાં આવતો અપમાનજનક શબ્દ છે. 4 જુલાઈ 2021ના રોજ ટ્વિટર પર સુલ્લી ડીલ્સના નામથી કેટલાક સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યા હતા. આ એપમાં એક ટેગ લાઈન લાગી હતી, સુલ્લી ડીલ્સ ઓફ ધ ડે અને તેને મુસ્લિમ મહિલાઓની તસ્વીર સાથે શેર કરવામાં આવી રહી હતી. મહત્વની વાત એ સામે આવી છે કે, તેને ગિટહબ પર એક અજ્ઞાત સમૂહ દ્વારા બનાવવામાં આવી હતી.
બુલ્લી ડીલ્સ કેવી રીતે વિવાદમાં આવી
બુલ્લી ડીલ્સ પર પણ મુસ્લિમ મહિલાઓની તસ્વીરોનો સોદો કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ એપ ત્યારે દુનિયાની સામે આવી જ્યારે એક મહિલાને નિશાન બનાવવામાં આવી હતી. તેમની તસ્વીરનો પણ ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી એપ પર ટ્રોલ કરવામાં આવી રહી હતી. આ વાતની જાણકારી આપતા મહિલા પત્રકારે ટ્વિટર પર લખ્યું કે, મુસ્લિમ મહિલાઓએ ડર અને ધૃણાની ભાવના સાથે નવા વર્ષની શરૂઆત કરવી પડી રહી છે.
જે બાદ શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું કે, હોસ્ટિંગ પ્લેટફોર્મ ગિટહબનો ઉપયોગ કરીને સેંકડો મુસ્લિમ મહિલાઓની તસ્વીરો એક એપ પર અપલોડ કરવામાં આવી છે. આ મુદ્દાને તેમણે મુંબઈ પોલીસ સામે ઉઠાવ્યો છે અને દોષિતોની ઝડપથી ધરપકડ કરવાની માગ કરી છે. તેમણે આગળ કહ્યું કે, મેં ઘણી વખત સૂચના પ્રૌદ્યોગિક મંત્રી અશ્વિની વૈષ્ણવજીને વિનંતી કરી છે કે, જે લોકો સુલ્લી ડીલ્સ જેવા પ્લેટફોર્મ દ્વારા મહિલાઓને ટાર્ગેટ કરી રહ્યા છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. શરમજનક વાત એ છે કે, તેની અવગણના કરવામાં આવી રહી છે.
ગિટહબનો ખોટો ઉપયોગ
બુલ્લી બાઈ એપને ગિટહબ પર બનાવવામાં આવી છે. તે એક હોસ્ટિંગ પ્લેટફોર્મ છે જ્યા ઓપન સોર્સ કોડનો ભંડાર રહે છે પરંતુ હવે ગિટહબ અને તેના પર બનાવવામાં આવી રહેલ એપ્સને કારણે લોકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે.