Updated: Feb 1st, 2023
નવી દિલ્હી, તા.01 ફેબ્રુઆરી-2023, બુધવાર
આજે નાણામંત્રી નિર્મલા સીતારામણે નાણાંકીય વર્ષ 2023-24નું સામાન્ય અંદાજપત્ર રજુ કર્યું હતું.. તેમણે કરદાતાઓ માટે મોટી જાહેરાત કરી છે. હવે નવી વ્યવસ્થા હેઠળ 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ભરવો નહીં પડે. તેમણે આમાં સ્લેબની સંખ્યા છથી ઘટાડીને 5 કરવાની જાહેરાત કરી છે. નાણાંમંત્રીની જાહેરાત મુજબ વાર્ષિક ત્રણ લાખ સુધીની આવક પર કોઈપણ ટેક્સ નહીં લાગે, જ્યારે રૂ.3થી 6 લાખની આવક પર 5 ટકા, રૂ.6થી 9 લાખની આવક પર 10 ટકા, રૂ.9થી 12 લાખની આવક પર 15 ટકા, 12થી 15 લાખની આવક પર 20 ટકા તેમજ 15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે.
ઈન્કમટેક્સ રિટર્નની પ્રક્રિયા સરળ કરાઈ
સૌથી મહત્વની વાત એ છે કે આ નવા કરવેરાની જાહેરાત સાથે હવે આ વ્યવસ્થા દેશનું મુખ્ય માળખું બની ગયું છે. જો કે, જે લોકો જૂની કર વ્યવસ્થા મુજબ આવકવેરો ભરવા માંગતા હોય તો પણ ભરી શકશે. સરકારે કરદાતાઓ પરનો અનુપાલનનો બોજ ઘટાડ્યો છે. એક દિવસમાં સૌથી વધુ 72 લાખ આઈટી રિટર્ન ફાઈલ કરાયા છે. આ વર્ષે 6.5 કરોડ આઈટી રિટર્ન ફાઈલ કરાયા છે. 2013-14માં ઈન્કમટેક્સ રિટર્ન પ્રોસેસ કરવાની પ્રક્રિયાનો સરેરાશ સમયગાળો 93 દિવસનો હતો, જે વર્તમાન સમયમાં ઘટીને 16 દિવસ થયો છે. 24 કલાકની અંદર 45 ટકા આઈટી રિટર્નની પ્રક્રિયા કરવામાં આવી છે. સરકાર એક કોમન આઈટી ફોર્મ બનાવવા પર કામ કરી રહી છે.
ટૅક્સ રિબેટની મર્યાદા રૂ. 7 લાખ સુધી વધારી છે જેનાથી સ્ટાન્ડર્ડ ડિડક્શન અને છૂટ સાત લાખની આવક સુધી લઈ શકાશે.
નવા આવકવેરાના દરો આ મુજબ છે.