ભારત અને પાકિસ્તાનના સંઘર્ષ વચ્ચે બીએસએફના સબ ઈન્સપેક્ટર શહીદ
India And Pakistan Ceasefire: ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ક્રોસ બોર્ડર ફાયરિંગમાં બીએસએફના એક જવાન શહીદ થયા છે. જમ્મુના આરએસ પુરા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ગઈકાલે 10 મેના રોજ બીએસએફ સબ ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝ શહીદ થયા છે. આજે 11 મેના રોજ તેમને જમ્મુના પલૌરા ખાતે ફ્રન્ટિયર હેડક્વાર્ટર પર પુષ્પાંજલિ સાથે રાષ્ટ્રીય સન્માન આપવામાં આવશે.
બીએસએફ જમ્મુએ આ અંગે માહિતી આપતાં ટ્વિટ કર્યું હતું કે, શહીદ મોહમ્મદ ઈમ્તિયાઝના આ સર્વોચ્ચ બલિદાનનું અમે સન્માન કરીએ છીએ. અમે તેમના પરિવારના આ મુશ્કેલ સમયમાં તેમની સાથે જ છીએ. 11 મેના રોજ ફ્રન્ટિયર હેડક્વાર્ટર જમ્મુ, પલૌરા ખાતે સંપૂર્ણ સન્માન સાથે પુષ્પાંજલિ અર્પણ સમારોહ યોજાશે.
પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તંગદિલી બાદ સંઘર્ષ વધ્યું હતું. બંને દેશો વચ્ચે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી રોકવા ગઈકાલે યુદ્ધવિરામના કરાર થયા હતા. ગઈકાલે સાંજે લગભગ પાંચ વાગ્યે બંને દેશોના ડીજીએમઓ દ્વારા યુદ્ધવિરામ પર સહમતિ દર્શાવી હતી. જો કે, થોડા જ કલાકો બાદ પાકિસ્તાને આ યુદ્ધવિરામનો ભંગ કરતાં ક્રોસ બોર્ડરમાં ડ્રોન ઉડાડ્યા હતા. રાજસ્થાન અને જમ્મુની સરહદ પર ગોળીબાર પણ કર્યો હતો. આ ગોળીબારમાં ભારતીય સેનાએ મજબૂત જવાબ આપ્યો હતો.
ભારતીય સેનાને ખુલ્લો દોર અપાયો હતો
પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનો ભંગ કરાતાં વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ નિવેદન આપ્યું હતું કે, યુદ્ધ વિરામનો ભંગ થતાં અમે ભારતીય સેનાને જવાબી કાર્યવાહી કરવા છૂટ આપી છે. ભારતના સશસ્ત્ર દળોને આંતરરાષ્ટ્રીય સરહદ તેમજ નિયંત્રણ રેખા પર સરહદના ઉલ્લંઘનના કોઈપણ કાર્યવાહીનો કડક રીતે સામનો કરવા સૂચનાઓ આપવામાં આવી છે.