બાંગ્લાદેશીઓ 'સર'થી ગભરાઈને બંગાળમાંથી ભાગી રહ્યાનો BSFનો દાવો

- 500 જેટલા બાંગ્લાદેશીઓને સરહદે પકડવામાં આવ્યા
- વિશ્વ હિન્દુ પરિષદના બંધના એલાન પછી ઓડિશાના પાંચ જિલ્લામાં બાંગ્લાદેશીઓ પર પોલીસ ત્રાટકી, 20ની અટકાયત
કોલકાતા : કહેવાય છે કે જે કામ બંદૂક કરી શકતી નથી તે કામ કલમ કરી શકે છે. હાલમાં ચૂંટણીપંચે મતદારયાદી સુધારણા (સર) કાર્યવાહી શરુ કરી તે આ કિસ્સામાં સાચી ઠરી છે. તેના કારણે બંગાળમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરો પલાયન થવા માંડયા છે. બીએસએફે જણાવ્યું હતું કે તેણે પરત જઈ રહેલા આવા ૫૦૦ ઘૂસણખોરો તો પકડયા હતા. હાલમાં રોજના ૧૦૦થી ૧૫૦ લોકો પરત જઈ રહ્યા છે.
ેહાલમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ બંગાળમાં ચાલી રહ્યો છે. તેના હેઠળ દરેક મતદારને ઘરે જઈને પૂછવામાં આવી રહ્યુ હતુ ંકે ૨૦૦૨ની મતદારયાદીમાં તેનું નામ હતુ ંકે નહી. જો તમારું નામ ન હતું તો તમારા કુટુંબના કયા સભ્યોનું હતું. આવી બધી જાણકારીઓ બાંગ્લાદેશીઓ ક્યાંથી આપી શકે. આ જ કારણે બાંગ્લાદેશી ઘૂસણખોરોમાં તેનો ડર જોવા મળી રહ્યો છે.
પશ્ચિમ બંગાળથી મળતી વિગત મુજબ મતદારયાદી સુધારણાના ડરથી ૫૦૦થી વધુ બાંગ્લાદેશીઓ ભાગી ગયા છે. આ વાત પણ એટલા માટે આવી કેમકે બીએસએફે આ બાંગ્લાદેશીઓને ભાગતા પકડયા છે, તેમનો ક્રિમિનલ રેકોર્ડ ચેક કર્યો છે અને તેના પછી જરૂરી પ્રક્રિયાનું પાલન કરીને તેઓને બાંગ્લાદેશના સરહદી દળોને સોંપ્યા છે.
પશ્ચિમ બંગાળના બિરાતી, મધ્યમગ્રામ, રાજરહાટ, ન્યૂ ટાઉન અને સોલ્ટ લેક જેવા વિસ્તારોમાં બાંગ્લાદેશીઓ ઘરઘાટી તરીકે અને દહાડિયા મજૂર તરીકેના કામમાં લાગેલા હતા. તેઓ આ વિસ્તારોમાં વર્ષોથી રહેતા હતા. બાંગ્લાદેશ પરત ફરતા બધા જ બાંગ્લાદેશીઓનો એક જ સૂર હતો કે મતદારયાદી સુધારણાના કારણે તેમની મુશ્કેલી વધી જતાં તે પરત ફરી રહ્યા છે.
બીજી બાજુએ ઓડિશામાં પોલીસે પાંચ જિલ્લામાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે કાર્યવાહી શરૂ કરી છે.
સત્તાવાળાઓએ જગતસિંહપુર જિલ્લામાં બાંગ્લાદેશીઓને આશ્રય આપનારાનું ઘર તોડી નાખ્યા પછી આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વિશ્વ હિંદુ પરિષદે ઓડિશાના કેઓન્જર જિલ્લામાં ઘૂસણખોરો સામે ૧૨ કલાકના બંધની એલાન આપ્યા પછી પોલીસે આ કાર્યવાહી શરૂ કરી હતી. અત્યાર સુધી લગભગ વીસેકની અટકાયત કરવામાં આવી છે.

