India

દિલ્હીમાં 15 વર્ષ જૂના વાહનોની જપ્તીના આદેશ પર 'બ્રેક'

By GS TEAM
4 Jul 20253 mins read
દિલ્હીમાં 15 વર્ષ જૂના વાહનોની જપ્તીના આદેશ પર 'બ્રેક'

- એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશ્નર અને દિલ્હી સરકાર ફેર વિચારણા કરશે

- તૈયારી વગર નવી વ્યવસ્થા લાગુ કરી શકાય નહીં, દિલ્હીના પાડોશી રાજ્યો માટે પણ નિયમ બનાવો : દિલ્હી સરકાર

- 1લી જુલાઈથી જૂના વાહનોને પકડવાનું, ફ્યુઅલ ન પૂરવા દેવાનું અભિયાન શરૂ થયું હતું : એર ક્વોલિટી કમિશ્નર અંતિમ નિર્ણય લેશે

નવી દિલ્હી : દિલ્હીમાં ૧લી જુલાઈથી ૧૦ વર્ષ જૂના ડીઝલ અને ૧૫ વર્ષ જૂના પેટ્રોલ વાહનોને સીઝ કરવાનું અને પેટ્રોલ-ડીઝલ ન પૂરવા દેવાનું અભિયાન શરૂ થયું હતું. જો જૂના વાહનો પર સદંતર પ્રતિબંધ મૂકાય તો હજારો વાહનો રસ્તા પરથી હટી જાય. પ્રદૂષણ ઘટાડવા માટે આ નિર્ણય લેવાયો હતો, પરંતુ તૈયારી વગર શરૂ થયેલું અભિયાન આખરે અટકી ગયું હતું. દિલ્હી સરકારે નવેસરથી વિચારણા શરૂ કરી છે.

દિલ્હીની સરકારના પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશ્નરને પત્ર લખીને રજૂઆત કરી હતી કે જૂના વાહનોને દોડતા અટકાવવા માટે જે ઝુંબેશ શરૂ થઈ છે તે યોગ્ય નથી. ૧૦-૧૫ વર્ષ કે તેનાથીય જૂના વાહનોને સીઝ કરવાનું શરૂ થયું હતું. એ વાહનોને ફ્યુઅલ ન મળે તે માટે પણ નિયમ બન્યો હતો. એ માટે પેટ્રોલપંપો પર સીસીટીવી લગાડવાનો આદેશ એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશ્નરે આપ્યો હતો, પરંતુ હવે એ શક્ય બન્યું ન હોવાથી હાલ પૂરતું સીઝ કરવાનું અટકી ગયું છે. તેનાથી દિલ્હીના લોકોને મોટી રાહત થઈ છે. જૂના વાહનોની સ્ક્રેપિંગને લઈને સત્તાધારી ભાજપ અને વિપક્ષ આપ વચ્ચે પણ સામ-સામા આરોપો લાગ્યા હતા. દિલ્હીની ભાજપ સરકારે પહેલાં આને જરૂરી ગણાવ્યું હતું. પછી હવે યુટર્ન લીધો છે એમ આપ કહે છે. પહેલા લાગુ પાડયો ને પછી પોતે જ ખામી ગણાવે છે. એનસીઆરમાં તો નવેમ્બરથી લાગુ પાડવાનું હતું. અત્યારે માત્ર દિલ્હી પૂરતી આ વ્યવસ્થા થઈ હતી. હવે દિલ્હીની ભાજપ સરકારે દિલ્હી માટે પણ નવેમ્બર સુધીનો સમય આપવાની રજૂઆત કરી છે.

દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી પ્રવેશ વર્માએ કહ્યું હતું કે અત્યારે તાકીદે આ માટેની વ્યવસ્થા થઈ શકે તેમ નથી. વળી, માત્ર દિલ્હીના લોકોને શું કામ આ નિયમ પાળવાની ફરજ પાડવી જોઈએ? દિલ્હીના પાડોશી રાજ્યોના કારણેય હવાની ગુણવત્તા ખરાબ થાય છે. પાડોશી રાજ્યોમાં પણ આ નિયમ લાગુ પાડવો જોઈએ. આ અંગે છેલ્લો નિર્ણય એર ક્વોલિટી કમિશ્નર લેશે.

84 લાખની મર્સિડિઝ દોઢ લાખમાં વેચાઈ

દિલ્હીમાં જૂના વાહનો પર તવાઈ શરૂ થઈ એમાં કેટલાય નાગરિકોને રાતોરાત વાહનો વેચી દેવાની ફરજ પડી. જો જૂનું વાહન લઈને બહાર નીકળે ને ઝડપાઈ જાય તો વાહન જપ્ત થઈ જાય. 

પેટ્રોલપંપોમાં લાગેલા સીસીટીવીમાં જોઈને પેટ્રોલ પૂરાવવા આવતા વાહનોનું વર્ષ જાણવામાં આવતું હતું. એ બધા વચ્ચે દિલ્હીવાસીઓએ વાહનો વેચવાનું શરૂ કર્યું હતું. એક કિસ્સો તો ભારે વાયરલ થયો હતો. ૮૪ લાખ રૂપિયાની વેલ્યૂએશન ધરાવતી એક મર્સિડિઝ કાર જૂની થઈ ગઈ હોવાથી માત્ર દોઢ લાખ રૂપિયામાં વેચવી પડી હતી.